ચિંતન - હેમુ ભીખુ
સનાતની સાહિત્યમાં બે ભિન્ન ભિન્ન પ્રસંગે એક જ તારણનો ઉલ્લેખ થાય છે. બંને પ્રસંગમાં શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોઽરમે, સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને શ્ર્લોકનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. અહીં સમજવાની વાત એ છે કે પ્રસંગ મહત્ત્વનો નથી, પ્રસંગની ઘટના મહત્ત્વની નથી, પ્રસંગના સારનું મહત્ત્વ છે. સનાતનની તત્ત્વદર્શનમાં પ્રસંગ તો એક આકસ્મિક ઘટના હોય છે, તેમાં ક્યાંક વધઘટ હોઈ શકે, પરંતુ અંતે જે ‘સત્વ’ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે તે અદ્ભુત છે - તે મહત્ત્વનું છે.
એક પ્રસંગ આ પ્રમાણેનો છે. માતા પાર્વતી પ્રતિદિન વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતાં હતાં. તેમનાં નિયમ મુજબ આ પાઠ સંપૂર્ણ થાય પછી જ તેઓની દ્રષ્ટિ કૌટુંબિક જવાબદારી પ્રત્યે જતી. કોઈ એક સમયે મહાદેવ શંભોને ભોજનની ઈચ્છા થઈ અથવા તેમને ભોજનની જરૂરિયાત જણાઈ. તે વખતે માતા પાર્વતીનો પાઠ હજુ પણ ચાલુ હતો. સ્વાભાવિક છે કે ઈશ્વરને પ્રતીક્ષા કરવી પડી હોય. આનું કારણ પૂછતાં માતા પાર્વતી જણાવે છે કે તેઓ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતાં હતાં. તે વખતે, જરૂરિયાત જણાય ત્યારે, આ પાઠ તેનાં ફળ વિશે બાંધછોડ કર્યાં વિના, સમગ્ર પાઠને ટૂંકમાં કેવી રીતે કરી શકાય તે મહાદેવે જણાવ્યું. આ માટે તેમણે માતા પાર્વતીને આ શ્ર્લોક સમગ્ર વિષ્ણુ સહસ્રનામ ‘તુલ્ય’ છે તેમ સમજાવ્યું. એક અન્ય પ્રસંગ પ્રમાણે માતા પાર્વતી જ્યારે શિષ્ય ભાવે ભક્તિની ચરમસીમા સમાન પાઠ વિશે મહાદેવને પૂછે છે ત્યારે મહાદેવ સમગ્ર વિષ્ણુ સહસ્રનામનો ઉલ્લેખ કરે છે. એક હજાર નામ યાદ કરવા અને બોલવાના વિકલ્પ તરીકે માતા જગદંબા પૂછે છે ત્યારે મહાદેવ તેમને આ શ્ર્લોક જણાવે છે.
અહીં પ્રસંગ મહત્ત્વનો નથી, સંદેશો મહત્ત્વનો છે. શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોઽરમે, સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને માત્ર એક શ્ર્લોક છે પણ તેનાથી પ્રાપ્ત થતું ફળ વિષ્ણુ ભગવાનના સહસ્રનામના ઉચ્ચારણ સમાન છે. એમ જણાય છે કે ‘પ્રેક્ષકવર્ગ’ની ક્ષમતા, શ્રદ્ધા તથા માનસિક ભૂમિકા અનુસાર જુદાં જુદાં પ્રસંગનો ઉલ્લેખ કરાયો હોય, પરંતુ અંતે હેતુ તો ‘સત્ય’ને પહોંચાડવાનો જ રહે. સમાજના ચોક્કસ વર્ગમાં સ્થાપિત સંદર્ભને અનુસાર જ્યારે પ્રસંગ ઘડવામાં આવે ત્યારે જે તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક વાત સરળતાથી પહોંચી શકે. સંદેશો એ જ હોય પરંતુ તેની અભિવ્યક્તિની શૈલી, આ માટે તેની સાથે સંકળાયેલા પ્રસંગો, તેમાં રહેલી નાટકીયતા, તેની સાથે સંકળાયેલી પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા બદલાય, તો તેમાં વાંધો ન હોવો જોઈએ. અહીં ઇતિહાસની ચર્ચા નથી સૈદ્ધાંતિક આધ્યાત્મિક સત્યનું નિરૂપણ છે. આ શ્ર્લોકનો અર્થ સરસ અને સરળ છે. જે વ્યક્તિ નિશ્ર્ચયપૂર્વક રામ-નામ જપે છે, શ્રીરામને યાદ કરે છે, જેમનું મન રામમાં ‘રમતું’ રહે છે; તેઓ આનંદ, શુદ્ધિ અને પવિત્રતાની અનુભૂતિ કરી શકે છે. તેમનો ધાર્મિક તેમજ આધ્યાત્મિક માર્ગ પ્રશસ્ત થાય છે. રામ-નામ પોતે જ મહા પ્રભાવશાળી, ઐશ્વરિય તેમજ ફળદાયી મંત્ર છે. રામ-નામનો મહિમા અપરંપાર છે એમ સ્વયં મહાદેવ માતા જગદંબાને જણાવે છે.
રામ એ શબ્દ નથી પરંતુ પરબ્રહ્મનું શાબ્દિક સ્વરૂપ છે, વિશ્વ-પ્રેમનો પર્યાય છે, વૈશ્વિક શાંતિનું પ્રતિનિધિ છે, અદ્વૈતની સાક્ષી છે, પરમ આનંદનું મૂળ છે, મન બુદ્ધિ ચિત્ત તથા અહંકારના વિરામનો આધાર છે, ઐશ્વરિય શક્તિની સાક્ષી છે, દૈવભાવ સ્થાપિત કરવાનું માધ્યમ છે, આધ્યાત્મિક ઉન્નતિ માટે એક અગત્યનું ચરણ છે, ભક્તિમાર્ગમાં શ્રદ્ધાપૂર્વકના સમાધાન માટેનો પાયો છે, ધર્મ તેમજ મર્યાદાનો પ્રતિનિધિ છે, શુદ્ધ હૃદયનો અવાજ છે, ધ્વનિ તરંગો દ્વારા આત્મા સાથેનાં સંધાનની સંભાવના છે, ભક્ત માટે વિશ્વાસ છે, યોગી માટે સાધન છે, જ્ઞાની માટે કારણ છે, સમગ્ર સૃષ્ટિમાં વહેતો ઊર્જા-યુક્ત ધ્વનિ છે, નિરાધારનો આશરો છે, દુખિયારાની આશા છે, રંકનું ધન છે, લક્ષ્મીનો પ્રભાવ છે, સરસ્વતીની વાણી છે, કાલીનો ન્યાય છે, રામાયણનો આત્મા છે, મહાભારતનો સાર છે, સત્યનું પ્રતિબિંબ છે, પુરાણોનું કેન્દ્ર છે, જીવનનું વાસ્તવિક ઊંડાણ છે, અંતરાત્માનું સ્વરૂપ છે અને શિવજી તથા શ્રીકૃષ્ણને પ્રિય કહી શકાય તેવી વાસ્તવિકતા છે. આ રામ-નામ બોલતાં જ ભક્તના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ, શાંતિ, આનંદ, કરુણા, તીતીક્ષા, સાત્વિકતા, દયા, આધ્યાત્મિકતા, સદભાવ, સદાચાર, સત્ય, ધર્મ, નૈતિકતા, મર્યાદા, નિર્દોષતા, ગુણાતીતતા, સ્થિતપ્રજ્ઞતા, ધીરજ, વિવેક, સંયમ તથા આધ્યાત્મિક પરિપક્વતા જેવાં ગુણ ક્રમશ: વિકસતાં જાય.
કહેવાય છે કે શબ્દ સાથે જ્યારે ભાવ ઉમેરાય ત્યારે જ તેનો અર્થ સરે. રામ-નામ માટે આ ધારણા અધૂરી જણાય છે. નારદ મુનિએ જ્યારે વાલિયા લુંટારાને રામ મંત્ર આપેલો ત્યારે વાલીયા લુટારાના મનમાં તે મંત્ર માટે કદાચ શ્રદ્ધા પણ નહીં હોય અને વિશ્વાસ પણ નહીં હોય. રામ-મંત્રનો અર્થ પોતે જાણતો જ ન હોય. તે છતાં પણ રામ-નામે પરિણામ આપ્યું. આની માટે એક જ તર્ક યોગ્ય લાગે છે. ધ્વનિના સ્વરૂપની વાત કરીએ તો રામ અને ઓમ-ૐ લગભગ એક સમાન તરંગો સ્થાપિત કરે છે.
જો બંનેનો ‘મ’ અંદર ઘૂંટવામાં આવે તો લગભગ સમાન પરિણામ આવી શકે. તે ઉપરાંત રામનું સ્મરણ કરવું એટલે શ્રીરામના ગુણોને, તેમની પવિત્રતાને, તેમની મર્યાદાને, તેમની સત્યનિષ્ઠાને, તેમનાં ધર્માચરણને, તેમની કરુણાને, તેમની નિર્ભયતાને, તેમની દયાને તથા માતાપિતા પ્રત્યે તેમનાં સમર્પણને વ્યક્તિગત જીવનમાં સ્થાપિત કરવાં. રામ-નામ જપવાથી આ બધું આપમેળે થતું જાય, વાસ્તવમાં અહીં કોઈ ખાસ વિશેષ પુરુષાર્થની આવશ્યકતા નથી રહેતી. રામ-નામ જપવાથી મન શુદ્ધ, હૃદય પવિત્ર, ચિત્ત શાંત, અહંકાર સાત્વિક અને જીવન ધર્મમય બને. રામ-નામ માત્ર જપ નથી પરમાત્માનો અનુભવ કરવાની ચાવી છે.