Sun Sep 13 2026

Logo

રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી એસ.ટી. વોલ્વોની અડફેટે વૃદ્ધાનું મોત

2026-04-25 18:17:11
Author: Devayat Khatana
રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી એસ.ટી. વોલ્વોની અડફેટે વૃદ્ધાનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
રાજકોટ શહેરના વ્યસ્ત પારેવડી ચોક વિસ્તારમાં ગત ૧૭ એપ્રિલના રોજ એસ.ટી. નિગમની પૂરપાટ ઝડપે આવતી વોલ્વો બસે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જંગલેશ્વરના હુસેની ચોક વિસ્તારમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા પોતાના બહેનના ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે કાળરૂપી આવેલી બસનું વ્હીલ તેમના પર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બસ ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી.

આ ગમખ્વાર અકસ્માત મામલે રાજકોટ 'બી' ડિવિઝન પોલીસે વોલ્વો બસના ચાલક રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે કે વળાંક લેતી વખતે ચાલકે બ્રેક મારવામાં કેમ વિલંબ કર્યો હતો. બીજી તરફ, એસ.ટી. નિગમે પણ આ મામલે આંતરિક તપાસના આદેશ આપ્યા હોવાની વિગતો મળી હતી. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.