રાજકોટઃ રાજકોટમાં દિનપ્રતિદિન ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા રાજકોટના સહકારનગર મેઈન રોડ પર એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તે પછી અત્યારે આહિર ચોક વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યામાં હત્યારો બીજું કોઈ નહીં પરંતુ સગો બાપ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે જાણ થતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરીને પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
પિતાએ 25 વર્ષીય પુત્રની હત્યા કરી
ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના આહિર ચોક વિસ્તારમાં 25 વર્ષીય પુત્રની પિતાએ હત્યા કરી નાખી છે. દીકરો ઊંઘમાં હતો ત્યારે પિતાએ હથોડાના ઘા મારીને તેની ઘાતકી હત્યા કરી નાખી તેના આરોપ સાથે પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આખરે શા માટે સગા પિતાએ પોતાના જ દીકરીની હત્યા કરી નાખી? આ હત્યાની કારણે અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે.
પુત્રની હત્યા કરી પિતાએ જાતે પોલીસ સ્ટેશન કબૂલાત કરી
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે પિતા બાબુ સવસેટા અને પુત્ર રામ સવસેટા વચ્ચે દારૂ પીવાની ટેવને લઈને વારંવાર બબાલ અને ઝઘડો થતો હતો. હત્યાની ઘટનાના એક દિવસ પહેલા પણ પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે ખાર રાખીને પિતાએ પુત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી. મહત્વની વાત એ છે કે, દીકરાની હત્યા કર્યા બાદ પિતા બાબુ સવસેટાએ જાતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશન જઈને દીકરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
દારૂ પીવા બાબતે વારંવાર ઝઘડાઓ થતા હતા
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, પોતાની સગાઈ તૂટ્યા પછી રામ દારૂ પીવા લાગ્યો હતો. તેનું દારૂ પીવાનું રોજ વધી રહ્યું હતું. જેના કારણે વારંવાર ઝઘડાઓ થયા હતા. આ મામલે પરિવારે વારંવાર રામને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે માનતો નહોતો. બાપુ સવસેટાને એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. રામ એકનો એક પુત્ર હતો છતાં પણ તેની હરકતોથી કંટાળીને પિતાએ તેની હત્યા કરી નાખી! હવે પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી દીધી છે.