રાજકોટ: ગુજરાતના 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે રાજ્યના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક હલચલ જોવા મળી રહી છે. તેમજ રાજકોટ કોર્પોરેશનના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની માહિતી સાંપડી છે.
રાજકોટ બહાર લઈ જવામાં આવ્યા છે
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીના નેતાઓએ કેટલાક ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સુધી કોઈ અનિચ્છનીય દબાણ કે પ્રભાવથી બચાવવા માટે તેમને અસ્થાયી રીતે અજ્ઞાત સ્થળે રાખવામાં આવે તેવી સૂચના આપી છે. કોંગ્રેસના જૂના અને વફાદાર કોંગ્રેસી આગેવાનોને બાદ કરતા અન્ય કેટલાક ઉમેદવારોને સુરક્ષા અને રણનીતિના ભાગરૂપે રાજકોટ બહાર લઈ જવામાં આવ્યા છે અને તેમને બુધવારે સાંજે ફરીથી શહેરમાં પરત લાવવામાં આવશે.
કોંગ્રેસ પ્રમુખે બાબતને નકારી કાઢી
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. જો કે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ પક્ષના ઉમેદવારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હોવાની બાબતને નકારી કાઢી હતી અને તેને માત્ર અફવા ગણાવી હતી.