Sat Jun 27 2026

Logo

આજી નદીના પટમાંથી મળી આવ્યું હતું બાળકનું માત્ર માથું, 8 વર્ષે જેલમાંથી ખુલ્યો ક્રુર બાળહત્યાનો ભેદ

2026-06-13 11:34:00
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ રાજકોટ શહેરના ભગવતીપરા અને રૂખડિયા કોલોનીને જોડતા રોડ બેઠાપુલ પાસે આજીનદીના વિસ્તારમાં એક બાળકનું માત્ર માથું મળી આવ્યું હતું. વાત છે 18 ડિસેમ્બર 2018ની. વહેલી સવારે ત્યાંથી પસાર થતા કેટલીક મહિલાઓની નજર આ બાળકના માથા પર પડી હતી. આશ્ચર્યની વાત એ છે, આ બાળકનું કોઈ શરીર ન હતું માત્ર માથું મળ્યું હતું. આ સીન જોઈને સમગ્ર વિસ્તારમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. સ્થાનિક અલ્લારખા શાહમદારે પોલીસને જાણ કરી અને પોલીસે યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ક્રાઈમ બ્રાંચી ટીમ અને SOG ત્રણેય ટીમ આ વિસ્તારમાં દોડી હતી અને આરોપીને પકડવા માટે પોતપોતાની રીતે સૂત્રો ગતિમાન કર્યા હતા. 

કોનો સ્કેચ બનાવડાવ્યો પોલીસે?
એ વાત તો નક્કી હતી કે, આ માસુમ બાળકની હત્યા થઈ છે અને ધારદાર હથિયારથી એનું ગળુ કાપી નાંખવામાં આવ્યું છે પછી તેને ફેંકી દેવામાં આવ્યું છે. પોલીસે પ્રાથમિક તપાસ અંતર્ગત આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું. પૂછપરછ શરૂ કરી. પોલીસને સવાલ એ થયો હતો કે માત્ર માથું જ મળ્યું તો ધડ ક્યાં છે? આવી ક્રુરતા આચરનાર છે કોણ? ફાયર વિભાગની મદદ લેવામાં આવી, જેમાં ટાસ્ક એ હતો કે, બાળકના શરીરના અન્ય કોઈ અંગો પણ મળી આવે. નજીકમાં વહેતી આજી નદીમાં તરવૈયાઓ અનેક ડૂબકીઓ મારીને આવ્યા પણ ભાળ મળે નહીં. દરેક દિશામાં તપાસ કર્યા બાદ પોલીસે બાળકની ઓળખ આપનાર વ્યક્તિને 50 હજારનું ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી અને સુરક્ષા પૂરી પાડવાનું વચન આપ્યું. તેમ છતાં એક કડી તો શું કોઈ એંધાણ પણ વર્તાયા નહીં. આ પછી નિષ્ણાંતોની મદદ લેવામાં આવી અને બાળકના સંભવિત સ્કેચ તૈયાર કરાયા. આ સ્કેચને જુદા-જુદા વિસ્તાર તથા જાહેર સ્થળે લગાવી દેવાયા.
 

114 દિવસ બાદ અંતિમ વિધિ
નદીમાં તપાસ કર્યા બાદ પોલીસે રૂખડિયા કોલોનીની ગટર, કેનાલ, નાલા તથા અવાવરૂ કુવામાં પણ તપાસ કરી છતા એક પુરાવો કે કડી ન મળી. આ પછી પોલીસે આજીનદીના વિસ્તારમાં રહેલા સ્થાનિકોના ઘરે-ઘરે જઈને રાશનકાર્ડની વિગત સાથે માહિતી ભેગી કરી.આસપાસના 2 લાખ જેટલા મોબાઈલનો ડેટા સ્કેન કરાવવા માટે મોકલ્યો. ટેક્નિકલ સર્વેના આધારે દરેક મોબાઈલના ડેટાનું એનાલીસીસ કરાયું. માત્ર રાજ્યમાંથી જ નહીં દેશભરમાંથી ગુમ થયેલા બાળકોની વિગત પોલીસે મંગાવી અને ક્રોસ વેરિફિકેશન કર્યું. પ્રાથમિક તબક્કે જે મુદ્દાઓની તપાસ થવી જોઈએ એ તમામ મુદ્દા અને પાસામાં પોલીસને ખાલી હાથ સિવાય કંઈ મળ્યું નહીં. મળી આવેલા માથાનું પોસ્ટમોર્ટમ કરાયું અને DNA સાચવી લેવામાં આવ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં માથું પડ્યું હતું. આ પછી પોલીસે જ 114 દિવસ બાદ 12 એપ્રિલના રોજ ભાવનગર રોડ પર આવેલા સ્માશનમાં અંતિમ વિધિ કરી નાંખી. 

સોની બજારમાં દરોડા પડ્યાને વળાંક આવ્યો
આ પછી પોલીસે રાજકોટની સોની બજારમાં બાળક મજૂરી સંદર્ભે એક મોટા દરોડા પાડ્યા, પોલીસને ક્યાં ખબર હતી કે, આ કેસનો વળાંક અહીંયાથી મળશે. દિવસ હતો 7 જુન 2025. પશ્ચિમ બંગાળના ઠેકેદાર અજીતમુલ્લા અઝમતુલ્લાને ઝડપી લેવામાં આવ્યો.21 જેટલા બાળકોને એના તાબામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિ એમની પાસે બાળમજૂરી કરાવતો હતો. પોલીસે આકરી ઢબે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, બંગાળથી તે એમના માતા-પિતાની મંજૂરી સાથે ગુજરાત લાવતો, 8 હજાર રૂપિયા માસિક આપતો, બાળકો ક્યારેક કામ કરવાની ના પાડે કે દલીલ કરે તો અત્યાચાર ગુજરાતો. મુક્ત કરાયેલા બાળકોને એમના પરિવારજનોને સોંપી દેવાયા એ સમયે એક પરિવારને પોલીસને કહ્યું કે, એક બાળક ઘણા લાંબા સમયથી ગુમ છે અને આ ઠેકેદાર પાસેથી મળ્યું નથી. બાળકો પર અત્યાચારની રીત જોઈને ક્રાઈમ બ્રાંચના SP ભરત બસિયાને ઠેકેદાર પર આશંકા ગઈ. 

સેમ્પલ મેચ થઈ ગયા
ધડ વગના માથાના કેસમાં અજીતમુલ્લાની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવી. સતત પૂછપરછ કરતા ઠેકેદારે હત્યા કરી હોવાની કબૂલાત કરી.  એક બાળકની હત્યા કરીને આજી નદીમાં ફેંકી દીધો હતો. પશ્ચિમ બંગાળની પોલીસે પણ જ્યારે જુદી જુદી દિશામાં તપાસ કરી એ સમયે ખ્યાલ આવ્યો કે, 14 વર્ષના પુત્રને તેણે પાછો બંગાળ મોકલ્યો જ ન હતો.હત્યાના રહસ્યને સાબિત કરવા માટે રાજકોટ પોલીસે બંગાળથી એ બાળકના માતા-પિતા બિનોદ હાસદા તથા પૂર્ણિમા હાસદાને રાજકોટ બોલાવ્યા. પોલીસે એમને ટિકિટથી લઈને રાજકોટમાં થોડા દિવસ રોકાઈ શકે એવી વ્યવસ્થા કરી. ક્રાઈમ બ્રાંચે DNA સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી.આ સેમ્પલ વર્ષ 2018માં મળી આવેલા માથાના DNA સાથે મેચ થઈ ગયા હતા. હત્યા પાછળનું કારણ એ જાણવા મળ્યું કે, અજીતમુલ્લા તનતોડ મજૂરી કરાવતો અને બાળકને વતન જવા દેતો ન હતો. પોતાના કામના પૈસા આપતો ન હતો.

આઠ વર્ષે ઉકેલાયો ભેદ
બાળક વારંવાર પોતાના વતન જવા અને માતા-પિતા પાસે જવાની જીદ કરતો હતો. આ બાબતથી ગુસ્સે થયેલા આરોપીએ બાળક પર અત્યાચાર કર્યો અને એવો ઢોરમાર માર્યો કે, માસુમનું મોત નીપજ્યું.આ પછી આરોપી ગભરાઈ ગયો અને પુરાવાનો નાશ કરવા માટે તેણે ધારદાર હથિયારથી બાળકનું માથું શરીરથી અલગ કરી નાંખ્યું. પછી માથું અને ધડ જુદી જુદી જગ્યાઓ પર ફેંકી દીધા, જેથી બાળકની ક્યારેય ઓળખ થઈ જ ન શકે. પોલીસ પકડમાં તે આવી ન શકે. પણ આજી નદીના પટમાંથી માથું મળી આવતા પોલીસને આ કેસમાં પરસેવો વળી ગયો હતો. પોલીસ હવે આરોપીની એ દિશામાં પૂછપરછ કરી રહી છે કે ક્યા હથિયારથી માથું કાપ્યું અને એ હથિયાર ક્યાં છુપાવી રાખ્યું છે.  અન્ય ભાગનો નિકાલ કઈ રીતે કર્યો અને શરીરના અન્ય ભાગ ક્યાં પડ્યા હતા. આમ રાજકોટ પોલીસને 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે.