રાજેશ યાજ્ઞિક
ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. પુરુષ ક્રિકેટરોની ખ્યાતિ ગાંડપણની હદ સુધી છે તે આપણે જાણીએ છીએ. જોકે હવે મહિલા ક્રિકેટરોનો પણ મજબૂત ચાહકવર્ગ ઊભો થઈ ગયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એવી મજબૂત ખેલાડીઓથી બનેલી છે જેમણે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
આવી જ એક ખેલાડી છે ઝુલન ગોસ્વામી. ઝુલન ગોસ્વામી રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રહી છે. નિવૃત્ત થતાં પહેલાં તે સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ ધરાવે છે. તે ઝુલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2,000થી વધુ ઓવર ફેંકનારી વિશ્વની એકમાત્ર બોલર હોવાનું પણ ગૌરવ ધરાવે છે. આવો, ભારતની આ શક્તિશાળી મહિલા બોલર ઝુલન ગોસ્વામી વિશે વધુ જાણીએ...
પશ્ચિમ બંગાળની ઝુલનનો જન્મ 25 નવેમ્બર, 1982ના રોજ નાદિયા જિલ્લામાં થયો હતો. પિતા ઇન્ડિયન ઍરલાઇન્સમાં કામ કરે છે. ઝુલને તેનું પ્રારંભિક શિક્ષણ જિલ્લાના ચકદા શહેરમાં મેળવ્યું હતું. બાળપણથી જ રમતગમતમાં રસ હતો, પરંતુ તેની માતાને તે શેરીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમે તે જરાય મંજૂર નહોતું, પણ પિતાએ તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આમ તો માતા તેની વિરોધી નહોતી, પણ દીકરી તરીકે તેનો ઉછેર પરંપરાગત રીતે થાય તેવી માન્યતા ધરાવતાં હતાં, પણ દીકરીના રમતપ્રેમની આડે તેઓ ન આવ્યાં અને તેને પ્રગતિ કરવા દીધી.
શરૂઆતમાં ઝુલન અન્ય બંગાળી બાળકોની જેમ ફૂટબૉલની ચાહક હતી, પણ 15 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ઝુલને 1992નો ક્રિકેટ વર્લ્ડ કપ ટીવી પર જોયો ત્યારે તેમને ક્રિકેટમાં રસ પડવાનું શરૂ થયું. 1997ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન બેલિન્ડા ક્લાર્કને જોયા પછી આ રમતમાં તેનો રસ વધુ ઊંડો બન્યો. તે દિવસોમાં, ઝુલન ટેનિસ બૉલથી બોલિંગ કરતી હતી. બાળકો તેને ચોગ્ગા અને છગ્ગા ફટકારતા અને તેની ધીમી બોલિંગની મજાક ઉડાવતાં. ત્યારથી ઝુલને મનોમન ફાસ્ટ બોલર બનવાનો સંકલ્પ કર્યો.
તે સમયે ચકદામાં કોઈ ક્રિકેટ સુવિધાઓ ન હોવાથી ઝુલને ક્રિકેટ રમવા માટે કોલકાતા જવું પડતું હતું. કોલકાતામાં તાલીમ પૂર્ણ કર્યા પછી તેને બંગાળ મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવી. 2002માં, તેણે 19 વર્ષની ઉંમરે ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામેની એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 14 જાન્યુઆરી 2002ના રોજ, લખનઉમાં ઇંગ્લૅન્ડ સામે પહેલીવાર ટેસ્ટ મૅચમાં રમવાનો મોકો મળ્યો. ત્યાર બાદ ઝુલન ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો અવિભાજ્ય હિસ્સો બની ગઈ.
ઝૂલને એ વખતની સ્ટાર ખેલાડી મિતાલી રાજ સાથે મળીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2006-07 સિઝનમાં ઇંગ્લૅન્ડમાં પહેલી વાર ટેસ્ટશ્રેણી જીત અપાવી હતી. તે જ સિઝન દરમિયાન ગોસ્વામીએ ભારતને ઇંગ્લૅન્ડ સામે પ્રથમ વિજય મેળવવામાં મદદ કરી. લેસ્ટરની પ્રથમ ટેસ્ટમાં નાઇટવૉચમૅન તરીકે પચાસ રન ફટકાર્યા અને 78 રનમાં 10 વિકેટ ઝડપીને જબરી વાહ.. વાહ મેળવી.
2007માં ઝુલન ભારતમાં આફ્રો-એશિયા ટુર્નામેન્ટમાં એશિયન ટીમની સભ્ય હતી. એ જ વર્ષે તેની પ્રભાવશાળી રમતને કારણે તે ‘આઇસીસી મહિલા ક્રિકેટર ઑફ ધ યર’નો એવૉર્ડ પણ જીતી. એ વર્ષે વ્યક્તિગત કૅટેગરીમાં એકપણ ભારતીય પુરુષ ક્રિકેટરનું નામ એવૉર્ડ માટે પસંદ નહોતું થયું. 2008માં તે ટીમની કૅપ્ટન બની અને 2011 સુધી સુકાન સંભાળ્યું. માત્ર છ વર્ષની આંતરરાષ્ટ્રીય રમતમાં જ 2008માં તે મહિલા એશિયા કપમાં વનડે મૅચમાં 100 વિકેટ લેનાર ચોથી મહિલા પણ બની.
2010માં તેને પ્રતિષ્ઠિત ‘અર્જુન એવૉર્ડ’થી નવાજવામાં આવી હતી. 2012માં તે ડાયના એડલજી પછી ‘પદ્મશ્રી’ મેળવનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. કુલ મળીને તેણે 284 મૅચમાં 355 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે અને ત્રણ અડધી સદી સાથે 1922 રન બનાવ્યા છે. ઝૂલન વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને ઑસ્ટ્રેલિયાની કૅથરીન ફિટ્ઝપૅટ્રિકના 180 વિકેટના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે.
ફેબ્રુઆરી 2018માં, ઝુલન એક દિવસીય ક્રિકેટમાં 200 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. તેણે 200 મૅચોમાં 22.04ની સરેરાશથી 255 વિકેટ લીધી છે, જેમાં બે વખત 5 વિકેટ અને 4 વખત ચાર વિકેટ લીધી છે. ઝુલન 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ હતી જ્યાં આપણી ટીમ ઇંગ્લૅન્ડ સામે નવ રનથી હારી ગઈ હતી.
એપ્રિલ 2018માં તેના માનમાં એક ભારતીય ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 2022ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ગોસ્વામી વનડે મૅચમાં 250 વિકેટ લેનાર પ્રથમ બોલર બની હતી. સપ્ટેમ્બર 2018માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 300મી વિકેટ લીધી. નવેમ્બર 2020માં ઝૂલન ગોસ્વામીને ‘આઇસીસી મહિલા વનડે ક્રિકેટર ઑફ ધ ડિકેડ’ એવૉર્ડનું બહુમાન મળ્યું. 2022માં જ તે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની અને તેણે લીન ફુલસ્ટનના અગાઉના રેકૉર્ડને તોડી નાખ્યો.
ઝુલનની કારકિર્દીની શરૂઆતથી અંત સુધી ઇંગ્લૅન્ડ સાથે કોઈ અજબ લેણું રહ્યું છે. ઝુલને સપ્ટેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેની અંતિમ મૅચ લૉડર્સમાં ઇંગ્લૅન્ડ સામે હતી, જેમાં ભારત 16 રનથી જીતી ગયું હતું. ઝુલન જેમ અન્ય ખેલાડીને જોઈ પ્રેરણા પામી તેમ ભારતની અનેક દીકરીઓ ઝુલનની યશસ્વી કારકિર્દીથી પ્રેરણા મેળવીને ઝુલન ગોસ્વામી જેવી બીજી ફાસ્ટ બોલર બનવાનું સપનું લઈને મેદાનમાં ઊતરી છે... જોઈએ, ભવિષ્યમાં કોઈ બીજી ઝુલન ગોસ્વામી બનશે તો તે ખુદ ઝુલન માટે એક મોટો એવોર્ડ ગણાશે.
બાય ધ વે, ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજના ક્રિકેટજીવન પર જેમ હિન્દી ફિલ્મ બની તેમ ઝુલન ગોસ્વામી પર પણ એક હિન્દી બાયોપિક બની રહી છે, જેમાં ઝુલનની ભૂમિકા જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ભજવી રહી છે!