Thu Mar 12 2026

Logo

મોહથી મુક્ત થાય તે મહાવીર બની શકે

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 

વિશેષ -રાજેશ યાજ્ઞિક

રે મોહ કા બંધન મધુર, મોહ કા સ્વરૂપ સુંદર,
મોહ કી મુસ્કાન કોમલ, મોહ કા પરિધાન મનોહર
રે મોહ કા આનંદ વિરલ, મોહ જનિત વેદના શીતલ

મોહનો અર્થ શું? દુન્યવી વસ્તુઓ, વ્યક્તિઓ અથવા પરિસ્થિતિઓ પ્રત્યે અતિશય માનસિક અને ભાવનાત્મક લગાવ, આકર્ષણ, અથવા પ્રેમ, તેનું નામ મોહ.  

હિન્દી કવિ કલાનાથ મિશ્ર લિખિત આ પક્તિઓમાં મોહનું મહિમા મંડન કર્યું છે. કવિનો ઉદ્દેશ્ય સ્વાભાવિકપણે કટાક્ષ કરવાનો જ છે. મનુષ્યને મોહનું બંધન સુંદર લાગે છે, તેમાં આનંદનો અનુભવ થાય છે. અરે, મોહ જો વેદના પણ આપે તો શીતળ લાગે છે!  

મનુષ્યને સૌપ્રથમ મોહ શેનો હોય? પોતાના શરીરનો. પોતાને કોઈ નુક્સાન ન પહોંચે, પોતે સુંદર લાગે તેના માટે મનુષ્ય કેટલા ઉપાયો કરતો હોય છે. મૃત્યુનો ભય પણ મોહનું જ પરિણામ છે. બીજો મોહ આપણે જેને ‘આપણા’ કહીએ છીએ તેમનો હોય છે. મોહ મમત્વને જન્મ આપે છે, આ મારા છે. પોતાનું હોય તેનો રાગ, પારકું હોય તેનો દ્વેષ. જ્યારે મોહનો પડદો હટે ત્યારે ખબર પડે કે પોતાનું કંઈ નથી અને કોઈ પારકું નથી. જે પ્રાપ્ત ન કર્યું હોય તેનો લોભ અને જે પ્રાપ્ત કર્યું હોય તેના પ્રત્યે મોહ એ મનુષ્યનો સ્વભાવ છે. 

જૈન દર્શનમાં આઠ કર્મોનો સિદ્ધાંત છે. તેમાં સૌથી વધુ મોહનીય કર્મને પ્રધાન મનાયું છે. કેમકે મોહને કારણે જ મનુષ્યનો સંસાર વધે છે અને તેમાંથી મુક્ત થઇ શકતો નથી. તેમાં મોહના બે પ્રકાર બતાવ્યા છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ.  મોહનીય કર્મ આત્માનું સાચું સ્વરૂપ મનુષ્ય સમક્ષ પ્રગટ થવા દેતા નથી તેને કારણે મનુષ્ય મિથ્યાદ્રષ્ટિ, રાગી અને દ્વેષી બની જાય છે. જૈન દર્શનમાં તો મોહનીય કર્મ ઉપર જે વિશદ ચર્ચા છે તેનો અભ્યાસ કરવા જેવો છે. મોહનીય કર્મ એ ચાર ઘાતી કર્મોમાંથી એક છે. આગમોમાં, મોહનીય કર્મને સેનાપતિ સાથે સરખાવવામાં આવ્યું છે. જેમ સેનાપતિના મૃત્યુથી સેનામાં ભાગદોડ મચી જાય છે, તેવી જ રીતે, મોહનીય કર્મના નાશ પર, બાકીના ત્રણ ઘાતી કર્મોનો નાશ થાય છે, અને ચાર અઘાતી કર્મો (વેદનીય, આયુષ્ય, નામ અને કુળ) પણ આયુષ્ય પૂર્ણ થયા પછી આપમેળે સમાપ્ત થઈ જાય છે.

સંસારથી મુક્ત થવું હોય તો સંસાર અને સંસારીઓના મોહથી મુક્ત થવું પડે. ‘આત્મજ્ઞાન વિહીના મૂઢા: તે પચ્યન્તે નરકનિગૂઢા:’ આત્મજ્ઞાનથી વંચિત મોહગ્રસ્ત મનુષ્ય વારંવાર નરકની ગતિ પામે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ વારંવાર મોહ પર વિજય મેળવવાની વાત કરે છે. ગીતાજી કહેવાની શરૂઆત જ અર્જુનના મોહથી થાય છે. સામે ઊભેલા છે તે બધા મારા છે, તેમને હું કેમ મારું? આ પ્રશ્નથી લઈને અંતે અર્જુન કહે છે, ‘નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધા’. મારો મોહ દૂર થયો અને મને જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન કૃષ્ણે મોહથી લિપ્ત મનુષ્યને મૂઢ કહ્યા છે. 

સદીઓથી આ મોહને કારણે અનેક યુદ્ધો થતાં આપણે જોયા છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રનો મોહ શું પરિણામ લાવ્યો તે કોણ નથી જાણતું? પ્રખર બાણાવળી ગુરુ દ્રોણનો પુત્ર મોહ પણ તેમને નડ્યો છે. ગાંધારી જોકે તટસ્થ રહ્યા હોવા છતાં, પુત્ર મોહ અંતે તેમના પર પણ પ્રભાવી થયો. દુર્યોધન ગુનેગાર હોવા છતાં તેને બચાવવા સમગ્ર જીવનની તપસ્યા તેને માટે ખર્ચી નાખી. સત્તાનો મોહ કંઈ આજકાલના નેતાઓને જ છે એવું પણ ક્યાં છે? દેશના રાજકારણમાં પણ સંતાનોનો મોહ કેટલો હાવી છે તે કહેવાની જરૂર ખરી? 

જેમને મોહ ગ્રસી ગયો છે, તેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ, મોહાંધ; અર્થાત મોહમાં અંધ થયેલ. આ શબ્દનો અર્થ જ એ છે કે મોહ મનુષ્યની દૃષ્ટિને અવરોધિત કરી નાખે છે. શ્રી કૃષ્ણ મોહથી મુક્તિ માટે નિષ્કામ કર્મની સલાહ આપે છે. મોહના મારથી બચવાનો જ્ઞાનીજનો ઉપાય કહે છે, વૈરાગ્યનો ભાવ કેળવીએ અને સંસારની નશ્વરતાને ઓળખીએ. હું એટલે આ શરીર નહિ પણ આત્મા છે તે જાણીએ. ધર્મ કહે છે, મોહ વિવેક ભુલાવે છે, ન્યાય નકારે છે, મોહ જ રાગનો રસ્તો છે, દ્વેષનો દરવાજો છે, ક્રોધનું કારણ છે, કામની કેડી છે. મોક્ષના માર્ગે જવા માંગતા સાધક માટે મોહ મારક છે, જે મુમુક્ષુ મોહથી મુક્ત થાય તે મહાવીર બની શકે!