જોધપુર: રાજસ્થાન હાઈ કોર્ટની જોધપુરની નવી ઈમારતનું નિર્માણ 316 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરાયું હતું. જોકે, આ ન્યાયનું મંદિર નિર્માણના માત્ર પાંચ વર્ષની અંદર ગંભીર માળખાકીય ખામીઓ અને બાંધકામની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. 7 ડિસેમ્બર 2019ના ઉદ્ઘાટન થયેલા આ ભવનને હજુ થોડા જ વર્ષો થયા છે, ત્યારે આશરે 21 મીટર ઊંચા સેન્ટ્રલ ડોમની સુરક્ષા અંગે IIT બોમ્બેના સ્ટ્રક્ચરલ ઓડિટમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ડોમના કેટલાક ભાગો ગમે ત્યારે તૂટી પડવાની આશંકા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાઇ કોર્ટે જાતે તેની ગંભીર નોંધ લીધી હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.
IIT બોમ્બેના ઓડિટમાં તપાસાયેલા વિસ્તારોમાંથી આશરે 40 ટકા વિસ્તાર કૉંક્રિટ સ્પોલિંગ માટે સંવેદનશીલ હોવાનું સામે આવ્યું છે. સ્ટીલ રિબારમાં કાટ, કૉંક્રિટનું કાર્બોનેશન અને કેટલાક વિસ્તારોમાં ક્લોરાઈડની અસરને માળખાકીય નુકસાનના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ભેજ અને સિપેજ વધવાથી કાટ લાગવાની પ્રક્રિયા વધારે ઝડપી બની શકે છે અને કૉંક્રિટના ભાગો કોઈ સ્પષ્ટ ચેતવણી વિના અચાનક ધરાશાયી થઈ શકે છે. અને તેને કારણે કોર્ટ પરિસરમાં પણ લોકોના જાનમાલના નુકસાનની પાન ચેતવણી આપવામાં આવી છે.
ભવનમાં 2023થી જ છત, પ્લાસ્ટર અને ફોલ્સ સીલિંગ પડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. 29 એપ્રિલ 2023ના રોજ ડોમનો એક ભાગ તૂટી પડ્યો હતો. કોર્ટના વિવિધ રૂમ અને અન્ય વિભાગોમાં પણ છત અને ફોલ્સ સીલિંગને નુકસાન થયું છે. સતત સિપેજ, ડ્રેનેજની ખામીઓ, સેનિટરી પાઇપ-ફિટિંગની નબળી ગુણવત્તા અને આગથી સુરક્ષાની અપૂરતી વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
આ મામલે બાંધકામની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને પણ તપાસ ચાલી રહી છે. ઇમારતના બાંધકામમાં ગંભીર ખામીઓ અને બેદરકારીના આક્ષેપોને લઈને બે PWD એન્જિનિયર સામેની ચાર્જશીટને હાઇ કોર્ટે યથાવત્ રાખી છે. કુલ નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું પણ કોર્ટના આદેશમાં નોંધાયું છે. જોકે, ભ્રષ્ટાચાર અંગેની અંતિમ જવાબદારી તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ નક્કી થશે.
316 કરોડથી વધુના ખર્ચે બનેલી આ ઈમારતના માળખાકીય સમારકામ અને રેટ્રોફિટિંગ માટે હવે RSRDCએ આશરે 57.65 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય તેવો અંદાજ પણ રિપોર્ટમાં લગાડવામાં આવ્યો છે. હાલ ડોમના જોખમી વિસ્તારને બેરિકેડ કરીને સીલ કરવામાં આવ્યો છે. સી-પેજ અને પ્લમ્બિંગ લીકેજ તાત્કાલિક દૂર કરવા તેમજ ડોમ અને અન્ય મહત્વના વિસ્તારોની 24 કલાક દેખરેખ માટે નિષ્ણાત સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઈ કોર્ટે તમામ સંબંધિત પક્ષોને 24 ઓગસ્ટ સુધીમાં વિગતવાર શપથપત્ર દાખલ કરવા જણાવ્યું છે. મુખ્ય સચિવ, નાણાં અને PWDના અગ્ર સચિવ, RSRDCના મેનેજિંગ ડિરેક્ટર, DGP, જોધપુરના પોલીસ કમિશનર, IIT બોમ્બેના પ્રતિનિધિઓ સહિત સંબંધિત અધિકારીઓને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 316 કરોડથી વધુના ખર્ચે બનેલું ભવન માત્ર પાંચ-છ વર્ષમાં જ આટલી ગંભીર સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યું તો તેના બાંધકામમાં રહેલી ખામીઓ તથા ભ્રષ્ટાચારની જવાબદારી કોણ લેશે.