(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શ્રાવણ માસ એ તહેવારોની મોસમ છે, ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે મુક્તાનંદ ચાર રસ્તા, કાલાઘોડા-ફતેગંજ રોડ, સયાજીગંજ અને કારેલીબાગ રાત્રી બજાર જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ઇન્સપેક્શન કર્યું હતું. આ કામગીરી અંતર્ગત હોકર, રિટેલર, ઉત્પાદક પેઢી અને રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા કુલ 41 એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું
તપાસ દરમિયાન આરોગ્ય માટે નુકસાનકારક 85 લિટર અખાદ્ય પ્રવાહી અને 4.5 કિલો વાસી ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર ક્ષતિઓ જણાતા 26 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મુક્તાનંદ ચાર રસ્તા પર આવેલ 'લવ્લી પાણીપુરી'ની દુકાન પરથી 85 લિટર અસ્વચ્છ પાણી અને 3 કિલો બટાકાનો રગડો તથા અન્ય પંજાબી હોટલમાંથી 1 કિલો ચીઝ અને 500 ગ્રામ અજીનોમોટોનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન વિના ધમધમતા 'રાજુપાન' અને અત્યંત ગંદકી ધરાવતા 'જલારામ શેરડી રસ'ના એકમને પણ સપાટામાં લઈ બંધ કરાવવામાં આવ્યા હતા તેવી વિગતો જાણવા મળી હતી.
શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ અને સિગારેટનું વેચાણ કરવા બદલ ટોબેકો એક્ટ હેઠળ 8 હોકર અને 16 રિટેલર મળીને 24 એકમોને તાળાં મરાયા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટી અને કાલાઘોડા રોડ આસપાસના બોની પાર્લર, પટેલ પાન, કિરણ ટી-સ્ટોલ, સેન્ટ્રલ કેન્ટીન બોય્ઝ હોસ્ટેલ, કેમ્પસ કોર્નર સહિતના અનેક જાણીતા ગલ્લાઓ સામે કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અંગે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.