Fri Sep 04 2026

Logo

કોવિડ જેવી જ હાલત, નીતિ શૂન્ય!! - રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલ

2026-04-06 12:32:00
Author: Devayat khatana
કોવિડ જેવી જ હાલત, નીતિ શૂન્ય!! - રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક સ્થિતિએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે અને તેની માઠી અસરો હવે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ યુદ્ધને કારણે ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે, જેમાં ખાસ કરીને રસોઈ ગેસ (LPG) ના પુરવઠામાં ધરખમ ઘટાડો અને ભાવમાં અસહ્ય વધારો નોંધાયો છે. આ વૈશ્વિક સંકટનો સામનો કરવામાં ભારત સરકારની રણનીતિ અને કૂટનીતિ મુદ્દે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માછલાં ધોયા છે.

રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે, વડાપ્રધાને વાયદો કર્યો હતો કે તેઓ રસોઈ ગેસના સંકટને કોવિડની જેમ હેન્ડલ કરશે, પરંતુ વાસ્તવમાં પરિણામ પણ કોવિડ જેવું જ આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકારની નીતિઓ શૂન્ય છે અને માત્ર મોટી જાહેરાતો કરવામાં આવે છે, જેનો આખરી બોજ ગરીબ જનતા પર આવી રહ્યો છે. રોજના 500 થી 800 રૂપિયાની મજૂરી કરનારા પ્રવાસી મજૂરો માટે રસોઈ ગેસ હવે પહોંચની બહાર થઈ ગયો છે અને મોંઘવારીને કારણે મજૂરો ફરી એકવાર શહેરો છોડીને ગામડાઓ તરફ પલાયન કરવા મજબૂર બન્યા છે.

આર્થિક મોરચે સરકારને ઘેરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જે મજૂરો ટેક્સટાઈલ મિલો અને ફેક્ટરીઓની કરોડરજ્જુ સમાન છે, આજે તેઓ જ આર્થિક રીતે તૂટી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટર પહેલાથી જ આઈસીયુમાં છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ દમ તોડી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે આ સંકટ કૂટનીતિક સ્તરે થયેલી મોટી ચૂકનું પરિણામ છે, જેને સ્વીકારવામાં સરકારનો અહંકાર આડે આવી રહ્યો છે. જ્યારે અહંકાર જ નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર ચરમાઈ જાય છે અને ઉદ્યોગો બરબાદ થાય છે.

વિરોધ પક્ષના નેતાએ સરકારની સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, શા માટે દરેક સંકટમાં સૌથી પહેલા ગરીબ માણસ જ મરે છે? તેમણે હાકલ કરી હતી કે આ માત્ર ગરીબોનો જ નહીં પરંતુ આપણા સૌનો સવાલ છે અને તેના પર ચૂપ રહેવું જોઈએ નહીં. રાહુલ ગાંધીના મતે સરકારની ખોટી નીતિઓને કારણે દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ રહ્યો છે.