નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં ઇંધણની અછત ઉભી થઇ છે, દેશના ઘણા શહેરોમાં LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આજે ગુરુવારે સંસદમાં પણ ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ગુંજ્યો હતો. લોકસભામાં વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો, લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ઇંધણની અછત અંગે પોતાનો મત રજુ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, તેમને પરવાનગી આપવામાં આવી ન હતી, ત્યાર બાદ સંસદ પરીસરમાં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી.
લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં એકઠા થઇને સૂત્રોચ્ચાર કર્યા, સંસદોએ સરકાર સામે માંગ કરી કે લોકોને ગેસ સિલિન્ડર મળી રહે તેની વ્યવસ્થા કરવમાં આવે. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં છે, નજીકના સમયમાં દેશને ઇંધણના સંકટ સંકટનો સામનો કરવો પડી શકે.
દેશમાં ઉભી થયેલી અછત માટે રાહુલ ગાંધીએ સરકારની ખોટી વિદેશ નીતિને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે જો સમય રહેતા તૈયારીઓ કરવામાં નહીં આવે, તો લાખો લોકોને મોટું નુકસાન થઈ શકે છે.
વડાપ્રધાન પર પ્રહાર:
રાહુલ ગાંધીએ કહ્યું, "મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. સમસ્યા એ છે કે વડા પ્રધાન દેશના વડા પ્રધાન તરીકે કામ કરી રહ્યા, જેના ઘણાં કારણો છે; તેઓ ફસાઈ ગયા છે."
રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાલ વૈશ્વિક સંઘર્ષ માત્ર ઈરાન પાસેથી ઓઈલ મેળવવું કે નહીં તે અંગે નથી, પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં મોટા ફેરફારો અંગે છે. વિશ્વ અસ્થિર સમયમાંથી પસાર થઇ રહ્યું છે, આવા સમયમાં ભારતે તેની વ્યૂહરચના અને વિચારસરણી બદલવાની જરૂર છે.