નવી દિલ્હીઃ લોકસભાની વિશેષાધિકાર સમિતિએ રાહુલ ગાંધીને તેમના એક નિવેદન મુદ્દે નોટિસ ફટકારી છે. આ સમિતિએ તેમની પાસેથી જવાબ માંગ્યો છે અને તેમને 28 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ કાર્યવાહી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અંગેની નોટિસ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કર્યા બાદ કરવામાં આવી છે. તે રજૂઆતને ધ્યાનમાં રાખીને, વિશેષાધિકાર સમિતિએ હવે રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે.
અમિત શાહ સામે ખોટા આરોપો લગાવ્યા
તા. 30 જુલાઈ2026 ના રોજ, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ત્રણ પાનાનો પત્ર સુપરત કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલો રાહુલ ગાંધી દ્વારા 'જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026' પર ચર્ચા દરમિયાન બિનસંસદીય અને અપમાનજનક ભાષાના ઉપયોગ અને નિયમ 353 હેઠળ જરૂરી પૂર્વ સૂચના વિના માનનીય ગૃહમંત્રી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવા સંબંધિત છે.
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે 30 જુલાઈના રોજ લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અનાદરની નોટિસ દાખલ કરી હતી. આ નોટિસ પેપર લીક વિરોધી બિલ પર સંસદીય ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સાથે સંબંધિત છે.પોતાના પત્ર અંગે, અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક ઔપચારિક નોટિસ સુપરત કરી છે, જેમાં રાહુલ ગાંધી સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષના નેતાએ ગૃહમંત્રી અમિત શાહ સામે ખોટા આરોપો લગાવ્યા છે.
સમિતિ આવા મામલાઓની તપાસ કરી શકે
ત્રણ પાનાની નોટિસમાં, ભાજપના સાંસદે સ્પીકરને વિનંતી કરી હતી કે તેઓ આ મામલાને વિગતવાર તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે વિશેષાધિકાર સમિતિને મોકલે. નોટિસમાં રાહુલ ગાંધીને ગૃહ અને શાહ સમક્ષ બિનશરતી માફી માંગવાનો આદેશ પણ માંગવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથેની તેમની કથિત વાતચીતનો ઉલ્લેખ કરતી વખતે નિયમ 352નું ઉલ્લંઘન કર્યું હતું.
તેમણે વધુમાં માંગ કરી હતી કે વિપક્ષના નેતાને ગૃહ અને ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ બિનશરતી માફી માંગવાનો નિર્દેશ આપવામાં આવે.આ મામલે લોકસભામાં વિશેષાધિકારનો મુદ્દો ત્યારે ઊભો થાય છે જ્યારે સાંસદ અથવા અન્ય વ્યક્તિ દ્વારા ગૃહના અધિકારો, વિશેષાધિકારો અથવા તેની ગરિમાને અસર કરતું કૃત્ય થયું હોવાનો આરોપ હોય. વિશેષાધિકાર સમિતિ આવા મામલાઓની તપાસ કરી શકે છે અને પોતાની ભલામણ ગૃહ સમક્ષ મૂકી શકે છે.