Sun Sep 06 2026

Logo

કોંગ્રેસ એક્શન મોડમાં! ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં AAP ના પ્રભુત્વને તોડવા રાહુલ ગાંધી ઉતરશે મેદાનમાં

2026-03-18 11:15:00
Author: Mayur Patel
કોંગ્રેસ એક્શન મોડમાં! ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં  AAP ના પ્રભુત્વને તોડવા રાહુલ ગાંધી ઉતરશે મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં આ મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી આવતાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આવશે. રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે. તેઓ આ મુલાકાત દરમિયાન આદિવાસી સમાજ સાથે વિશેષ વાતચીત કરશે. રાજ્યમાં વિધાનસભા સત્ર 25 માર્ચે પૂરું થશે અને તે પછીના એક સપ્તાહમાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. ગુજરાતમાં 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતથી આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરામાં કોંગ્રેસને લાંબા સમયથી જીત મળી નથી. જોકે વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. જેમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા મુખ્ય છે. કોંગ્રેસે 2027ની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે સંગઠન સર્જન અભિયાનથી રાજ્યમાં નવા અભિયાનની શરૂઆત કરી છે. કોંગ્રેસના નવા સંગઠન બાદ મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રથમ પરીક્ષા થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધીના પ્રવાસમાં પાર્ટીની આદિવાસી વિંગના પદાધિકારીઓ પણ સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રના બીજા તબક્કાના થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી સંસદની બહાર આદિવાસી પરિધાનમાં જોવા મળ્યા હતા.

કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ

રાહુલ ગાંધીના કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને પ્રદેશની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. આ દરમિયાન એવી ચર્ચાઓ પણ સામે આવી હતી કે પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. અગાઉ પણ રાજસ્થાનના નેતાઓ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. રાહુલ ગાંધી લાંબા સમય બાદ વડોદરા આવશે. છેલ્લે જ્યારે તેઓ જૂનાગઢ આવ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. રાહુલ ગાંધીના આ પ્રવાસ બાદ કોંગ્રેસના અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં એપ્રિલ મહિનામાં મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાય તેવી અપેક્ષા છે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ એટલા માટે પણ મહત્વનો માનવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ માત્ર તેમના જ મત વિસ્તાર નહીં આસપાસમાં પણ સારી પકડ છે. જેના કારણે આપને ફાયદો થઈ રહ્યો છે.