Mon Aug 31 2026

Logo

રાહુલ ગાંધીએ સરકાર પર વિદ્યાર્થીઓની સમસ્યાઓને અવગણવાનો આરોપ લગાવ્યો

2026-08-09 17:58:11
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ સરકાર પર વિદ્યાર્થીઓની સમસ્યાઓને અવગણવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ બાદ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે  કેન્દ્ર સરકાર પર વિદ્યાર્થીઓની સમસ્યાઓને અવગણવાનો આરોપ લગાવ્યો છે. 

માતાપિતાને દેવામાં ડૂબાડી દીધા હતા 

રાહુલ ગાંધીએ એક્સ પર પ્રયાગરાજમાં એક વિદ્યાર્થી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીએ તેમને કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. રાહુલે યાદ કર્યું કે વિદ્યાર્થીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં વર્ષો વિતાવ્યા હતા. જેમાં પરિવારની જમીન વેચીને અને પોતાના માતાપિતાને દેવામાં ડૂબાડી દીધા હતા  તેમ છતાં સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની નિષ્ફળતા નથી પરંતુ સિસ્ટમની હાર  છે જે તેમની મહેનતનું યોગ્ય પરિણામ આપી શકી નથી. તેમણે પરીક્ષા પ્રણાલી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સરકાર પાસેની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. 

ગૃહમંત્રી અમિત શાહ પર મૌન પર સવાલ ઉઠાવ્યા 

તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા  ટિપ્પણી કરી હતી કે 13 દિવસ પછી પણ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે તે મૌન છે. દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકારે આ કાર્યવાહીનો જવાબ આપવો જ જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ રાષ્ટ્રની રોશની  છે અને તેઓ તેમની સાથે મજબૂત રીતે ઉભા છે. 

પેપર લીકના મુદ્દે દિલ્હી જંતર મંતર પર પ્રદર્શન 

ઉલ્લેખનીય  છે કે વિદ્યાર્થીઓએ જુલાઈમાં કથિત પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકના મુદ્દાઓને લઈને દિલ્હી અને અન્ય વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.