Thu Sep 10 2026

Logo

QS વર્લ્ડ રેન્કિંગ્સ 2026: IIM અમદાવાદ અને IIT દિલ્હીનો 'વૈશ્વિક દબદબો': ટોચની 50માં ભારતની 12 સંસ્થા સામેલ

2026-03-26 18:59:00
Author: Mumbai Samachar Team
QS વર્લ્ડ રેન્કિંગ્સ 2026: IIM અમદાવાદ અને IIT દિલ્હીનો 'વૈશ્વિક દબદબો': ટોચની 50માં ભારતની 12 સંસ્થા સામેલ

નવી દિલ્હી/અમદાવાદ: વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. 'QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટ 2026'માં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ દુનિયાભરની ટોચની 50 સંસ્થામાં સ્થાન મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. આ આંકડા દર્શાવે છે કે ભારત હવે માત્ર એન્જિનિયરિંગ જ નહીં, પરંતુ મેનેજમેન્ટ અને બિઝનેસ જેવા વિષયોમાં પણ વિશ્વની પ્રીમિયમ સંસ્થાઓને જોરદાર ટક્કર આપી રહ્યું છે.

આંકડા મુજબ મેનેજમેન્ટ ક્ષેત્રે દેશનું ગૌરવ એવા IIM અમદાવાદે માર્કેટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટમાં વિશ્વભરમાં 21મું સ્થાન હાંસલ કર્યું છે. આ સાથે જ IIT ધનબાદે પણ મિનરલ અને માઇનિંગ એન્જિનિયરિંગમાં પોતાની તાકાત બતાવતા 21મો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ચાર IIT, JNU અને BITS (બિરલા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ) પિલાણી જેવી સંસ્થાઓ પણ વિશ્વના ટોચના 50 સંસ્થાનોની પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થવામાં સફળ રહી છે.

આ વખતની રેન્કિંગમાં IIT દિલ્હી એક સિંગલ સંસ્થા તરીકે સૌથી તેજસ્વી તારા તરીકે ઉભરી આવી છે. તેના છ અલગ-અલગ વિષયો વિશ્વના ટોપ 50 માં સ્થાન પામ્યા છે. ખાસ કરીને કેમિકલ એન્જિનિયરિંગ (48મો ક્રમ) માં તે પહેલીવાર ટોપ 50 માં સામેલ થયું છે, જ્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (36મો ક્રમ) અને મિકેનિકલ એન્જિનિયરિંગ (44મો ક્રમ) માં પણ તેનો દબદબો રહ્યો છે. કમ્પ્યુટર સાયન્સમાં પણ IIT દિલ્હી વિશ્વમાં 45મા સ્થાને રહીને ભારતનું નેતૃત્વ કરી રહ્યું છે.

એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વ્યાપક ક્ષેત્રમાં ભારતની પાંચ IIT સંસ્થાઓએ વિશ્વના ટોપ 100માં સ્થાન જમાવ્યું છે. જેમાં IIT દિલ્હી 36માં ક્રમે અને IIT બોમ્બે 42માં ક્રમે છે. આ યાદીમાં આગળ વધતા IIT મદ્રાસ (62મું), IIT ખડગપુર (64મું) અને IIT કાનપુર (84મું) સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ભારતની આ સિદ્ધિ વૈશ્વિક ટેકનોલોજી માર્કેટમાં ભારતીય પ્રતિભાઓની વધતી જતી સ્વીકૃતિનો પુરાવો છે.

આ વર્ષના આંકડા 2024ની સરખામણીમાં આશ્ચર્યજનક પ્રગતિ દર્શાવે છે. 2024 માં ભારત પાસે ટોપ 50 માં માત્ર 12 સ્થાન હતા, જે 2026માં વધીને 27 થઈ ગયા છે. આ પ્રગતિ દર્શાવે છે કે ભારતીય યુનિવર્સિટીઓમાં સંશોધન અને શિક્ષણનું સ્તર સતત સુધરી રહ્યું છે. કુલ 12 ભારતીય સંસ્થાઓએ વિવિધ વિષયોમાં વિશ્વના ટોચના 50 સંસ્થાનોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે, જે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનવા તરફ દોરી જાય છે.