ન્યૂ ચંડીગઢઃ પંજાબ કિંગ્સે (PBKS) આઇપીએલ-2026માં પહેલી સાત મૅચમાં અપરાજિત રહ્યા બાદ મંગળવારે પહેલી વખત પરાજય જોયો જેમાં રાજસ્થાન રૉયલ્સે (RR) ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી શ્રેયસ ઐયરની ટીમને છ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં પ્રગતિ કરી હતી.
પંજાબે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 222 રન કર્યા હતા. જવાબમાં રિયાન પરાગ (29 રન, 16 બૉલ, બે સિક્સર, બે ફોર)ના નેતૃત્વમાં રાજસ્થાને ખાસ કરીને યશસ્વી જયસ્વાલ (51 રન, 27 બૉલ, એક સિક્સર, સાત ફોર), વૈભવ સૂર્યવંશી (43 રન, 16 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર), ડૉનોવાન ફરેરા (બાવન અણનમ, 26 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને શુભમ દુબે (31 અણનમ, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની શાનદાર ઇનિંગ્સની મદદથી થોડા મુશ્કેલ વિજયને આસાન બનાવી દીધો હતો. રાજસ્થાને 19.2 ઓવરમાં ચાર વિકેટે 228 રન કરીને શાનથી વિજય મેળવ્યો હતો. ફરેરાએ વિનિંગ સિક્સર ફટકારી હતી.
PTI
અગાઉ કોઈ પણ ટીમ પંજાબને હરાવી ન શકી, પણ રાજસ્થાને પંજાબને એના જ ગઢમાં હરાવ્યું. ચહલને ત્રણ તેમ જ અર્શદીપને એક વિકેટ મળી હતી. લૉકી ફર્ગ્યુસન, માર્કો યેનસેન અને હરપ્રીત બ્રારને વિકેટ નહોતી મળી. ચોથી વિકેટ માટે ફરેરા-દુબે વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી.
એ પહેલાં, પંજાબે 20 ઓવરમાં ચાર વિકેટે 222 રન કરીને રાજસ્થાનને 223 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. 17મી ઓવર સુધી પંજાબનો સ્કોર 3/167 હતો, પણ છેલ્લી ત્રણ ઓવરમાં બાજી ફરી ગઈ હતી અને પંજાબે પકડ જમાવી હતી. બર્ગરની 18મી ઓવરમાં શ્રેયસની વિકેટ પડવા ઉપરાંત 14 રન બન્યા હતા. ત્યાર પછી જોફ્રા આર્ચરની 19મી ઓવરમાં સ્ટોઇનિસે ધુલાઈ કરી હતી. તેણે બે છગ્ગા ફટકાયા હતા અને ત્યાર પછી 20મી ઓવરમાં સ્ટોઇનિસ બોલર બ્રિજેશ શર્મા પર તૂટી પડ્યો હતો.
PTI
પ્રથમ બૉલ ડૉટ બૉલ રહ્યા બાદ બીજા બૉલમાં સ્ટોઇનિસે અંતિમ આતશબાજી શરૂ કરીને પાંચ બૉલમાં પાંચ બિગ શૉટ (4, 6, 6, 4, 4) માર્યા હતા અને એ ઓવરમાં 24 રન ખડકી દીધા હતા. સ્ટોઇનિસે ઓપનર પ્રભસિમરન (59 રન, 44 બૉલ, એક સિક્સર, છ ફોર)ને પણ ઓળંગી ગયો હતો. સ્ટોઇનિસ બાવીસ બૉલમાં છ સિક્સર અને ચાર ફોરની મદદથી 62 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્પિનર યશ રાજ પુન્જાએ બે વિકેટ તેમ જ જોફ્રા-બર્ગરે એક-એક વિકેટ લીધી હતી.
બુધવારે કોની મૅચ?
મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદ
વાનખેડેમાં, સાંજે 7.30