Fri Apr 17 2026

Logo

પંજાબ ચોથી મૅચ જીતીને મોખરે, મુંબઈની સતત ચોથી હાર

2026-04-17 08:39:00
Author: Ajay Motiwala
Article Image

Image credit: AP


અર્શદીપ અને પ્રભસિમરન પંજાબના બે મૅચ-વિનરઃ સુપરમૅન શ્રેયસના અદ્ભુત કૅચની બોલબાલા, ડિકૉકની સદી પાણીમાં


મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 6/195) સામે ગયા વર્ષના રનર-અપ પંજાબ કિંગ્સ (16.3 ઓવરમાં 3/198)નો અહીં ગુરુવારે સાત વિકેટે વિજય થયો હતો. પંજાબે નવ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. બેંગ્લૂરુ-રાજસ્થાન અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે. આ વખતે એકમાત્ર પંજાબ (Punjab)ની ટીમ હજીયે અપરાજિત છે. વિકેટકીપર-ઓપનર પ્રભસિમરન સિંહ (80 અણનમ, 39 બૉલ, બે સિક્સર, અગિયાર ફોર) તથા કૅપ્ટન શ્રેયસ ઐયર (66 રન, 35 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની જોડીએ 67 બૉલમાં 139 રનની મૅચ-વિનિંગ ભાગીદારીથી પંજાબની જીત આસાન બનાવી હતી. આ વિજયમાં કૂપર કૉનોલીનું 17 રન અને માર્કસ સ્ટોઇનિસનું અણનમ 10 રનનું યોગદાન હતું. મુંબઈ (Mumbai)ના સ્પિનર ગઝનફરે બે અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી હતી. બુમરાહ (4-0-41-0)ને સતત પાંચમી મેચમાં એકેય વિકેટ નહોતી મળી.

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ 12 રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 195 રનના કર્યા હતા. મુંબઈએ આ વખતે ક્વિન્ટન ડિકૉક (122 અણનમ, 60 બૉલ, સાત સિક્સર, આઠ ફોર)ને પહેલી જ વખત રમાડ્યો અને તે આ વખતની સીઝનમાં સદી ફટકારનાર સંજુ સૅમસન પછીનો બીજો સેન્ચુરિયન બન્યો હતો. જોકે તેની ધમાકેદાર સેન્ચુરી પાણીમાં ગઈ હતી. રોહિત ઈજાને કારણે ન રમ્યો હોવાથી ડિકૉકને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.

શ્રેયસનો કમાલનો કૅચ

શ્રેયસે ઐયરે હાર્દિક પંડ્યા (14 રન, 12 બૉલ, એક સિક્સર)નો અદ્ભુત કૅચ ઝીલીને સૌ કોઈની વાહ-વાહ મેળવી હતી. આ `કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ' બની શકે. 18મી ઓવરમાં તેણે અદ્ભુત કૅચ ઝીલ્યો હતો. હાર્દિકના વન-હૅન્ડેડ ઊંચા શૉટમાં બૉલ બાઉન્ડરી લાઇનને પાર જઈ રહ્યો હતો ત્યારે બાઉન્ડરી પાસે ઊભેલા શ્રેયસે બાઉન્ડરી તરફ જવાની શરૂઆત કરી દીધી હતી અને પાછળની તરફ ઊંચી છલાંગ લગાવીને બૉલ ઝીલી લીધો હતો. જોકે પોતે હવામાં હતો ત્યારે જ સમય સૂચકતાથી બૉલ તેણે નજીક ઊભેલા ફીલ્ડર ઝેવિયર બાર્ટલેટ તરફ ફેંક્યો હતો અને બાર્ટલેટે કોઈ ભૂલ નહોતી કરી. ધમાકેદાર બૅટિંગ કરવાના મૂડમાં રમવા આવેલા હાર્દિકની ઇનિંગ્સ આ કૅચને કારણે 14 રન પર જ સમેટાઈ ગઈ હતી. નજીકના ડગઆઉટમાં બેઠેલા રોહિત, સૂર્યકુમાર વગેરે ખેલાડીઓ શ્રેયસનો આ કૅચ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

નમન-ડિકૉકની 122ની ભાગીદારી

એ પહેલાં, ક્વિન્ટન અને નમન ધીર (50 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે માત્ર 68 બૉલમાં 122 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. નમનની વિકેટ શશાંક સિંહે લીધી હતી. શેરફેન રુધરફર્ડ એક રન તથા આ ટૂર્નામેન્ટમાં સતત ફ્લૉપ જઈ રહેલા તિલક વર્માએ બે ફોરની મદદથી આઠ રન કર્યા હતા. તે 20મી ઓવરના પાંચમા બૉલ પર રનઆઉટ થયો હતો. નવા ખેલાડી મયંક રાવતને એકેય બૉલ રમવા નહોતો મળ્યો અને તે શૂન્ય પર અણનમ રહ્યો હતો. પંજાબના અર્શદીપ સિંહે ત્રણ તથા શશાંક સિંહ અને માર્કો યેનસેને એક-એક વિકેટ લીધી હતી. અર્શદીપે આઇપીએલમાં 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

સૂર્યકુમારનો ગોલ્ડન ડક

અર્શદીપે પોતાની બીજી જ ઓવરના પહેલા બે બૉલમાં રાયન રિકલ્ટન (બે રન) અને સૂર્યકુમાર યાદવ (0)ની વિકેટ લીધી હતી. સૂર્યકુમાર પોતાના પ્રથમ બૉલમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. અર્શદીપના બૉલમાં શૉર્ટ થર્ડમૅન પર ચહલે તેનો કૅચ ઝીલ્યો હતો. અર્શદીપને હૅટ-ટ્રિક ચાન્સ હતો, પણ નમન ધીરે તેને સફળ નહોતો થવા દીધો.