Mon Oct 05 2026

Logo

બાળકોનો ઝઘડો કોમી તણાવમાં પલટાયો: પોલીસ પર પથ્થરમારો

2026-05-19 20:50:00
Author: Yogesh C. Patel
બાળકોનો ઝઘડો કોમી તણાવમાં પલટાયો: પોલીસ પર પથ્થરમારો

પુણે: બાળકોના નજીવા ઝઘડામાં વડીલોએ ઝંપલાવતાં પુણેમાં કોમી તણાવનો માહોલ ઊભો થયો હતો. મધ્યસ્થી કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતાં અમુક લોકોને તાબામાં લેવાયા હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના પુણેના કોંઢવા વિસ્તારમાં સોમવારની રાતે બની હતી. કહેવાય છે કે રાતે 11 વાગ્યાની આસપાસ કોંઢવાની એક હાઉસિંગ સોસાયટીમાં બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. નજીવા ઝઘડામાં વડીલોએ પણ ઝંપલાવ્યું હતું. બાળકોને સમજાવવાને બદલે બે સમાજના લોકો સામસામે આવી ગયા હતા.

કાયદા અને સુવ્યવસ્થાની સ્થિતિ સર્જાતી જોઈ પોલીસ મધ્યસ્થી કરવા પહોંચી હતી. બન્ને તરફના લોકોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.

જોકે પરિસ્થિતિને કાબૂમાં લેવા વધારાની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે અમુક લોકોને તાબામાં લીધા હોઈ હિંસામાં સામેલ અન્યોની ઓળખ મેળવવામાં આવી રહી છે. ઘટના સંબંધી એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. કોંઢવા પોલીસ સ્ટેશન નજીક જમા થયેલા લોકોએ રસ્તા પર બેસીને વાહનવ્યવહાર થંભાવી દીધો હોવાનું વીડિયોમાં નજરે પડે છે.

(પીટીઆઈ)