બી. ફાર્મના પહેલા વર્ષમાં જ ફેઈલ આરોપી પછી પોતાના નેટવર્કમાંના ડૉક્ટર પાસે ગર્ભપાત માટે મોકલતો
પુણે: પુણેમાં ચાલતા ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરી અને ગર્ભપાતના રૅકેટનો સૂત્રધાર માત્ર બારમું પાસ હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી. બી. ફાર્મસીના પહેલા વર્ષમાં જ ફેઈલ થયેલા આરોપીએ મહિલાઓના ગર્ભપાત માટે ડૉક્ટરોનું નેટવર્ક વિકસાવ્યું હતું.
દૌંડ તાલુકાના કેડગાંવમાં ચાલતા ગેરકાયદે ભ્રૂણપરીક્ષણનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને ગંભીરતાથી લઈ આરોગ્ય અધિકારીએ ફરિયાદ કરી હતી, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અણ્ણાસાહેબ ગિરિ (42) અને આયુર્વેદિક ડૉક્ટર અતુલ જાધવની ધરપકડ કરી હતી. જાધવ બીએએમએસ (બેચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી) છે, જ્યારે ગિરિ કોઈ પણ જાતની તબીબી ડિગ્રી વિના ભ્રૂણપરીક્ષણ કરતો હતો.
આ રૅકેટના સૂત્રધાર ગિરિએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે 2024થી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. તે ડૉક્ટર નથી અને માત્ર 12મું ધોરણ સુધી ભણ્યો છે. ગિરિએ દાવો કર્યો હતો કે તે બી. ફાર્મસીના કોર્સમાં જોડાયો હતો, પરંતુ પહેલા વર્ષમાં જ ફેઈલ થતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો, એવું યવત પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું.
ગિરિ મોબાઈલ ઍપ્લિકેશન સાથે લિંક્ડ પોર્ટેબલ, ચીની બનાવટના અલ્ટ્રાસાઉન્ડ ડિવાઈસનો ભ્રૂણપરીક્ષણ માટે ઉપયોગ કરતો હતો. પોલીસે આ મશીન જપ્ત કર્યું હતું. મશીન ગિરિને સપ્લાય કરનારા નરેન્દ્ર ઠાકરેને પણ ઓળખી કાઢ્યો હતો. જોકે અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આવા જ પ્રકારના ગુનામાં ઠાકરેની ધરપકડ કરવામાં આવી હોવાથી યવત પોલીસ તેની કસ્ટડી મેળવવા પ્રયત્ન કરશે.
પોલીસ તપાસ અનુસાર ભ્રૂણપરીક્ષણ માટે ગિરિ પાંચથી પંદર હજાર રૂપિયા ચાર્જ વસૂલતો હતો. ગર્ભમાં ક્ધયાભ્રૂણની ખાતરી થયા પછી સગર્ભાને ગર્ભપાત માટે ગિરિ પોતાના નેટવર્કમાંના ડૉક્ટર પાસે જવાની ભલામણ કરતો. ગિરિના દાવા પ્રમાણે દર મહિને તે 15થી 20 મહિલાની તપાસણી કરતો, પરંતુ એનો મતલબ એ નથી કે આ દરેક મહિલાને ગર્ભપાત કરાવવાની જરૂર પડી હોય. પોલીસ ગિરિના સંપર્કમાં રહેલા અન્ય બે ડૉક્ટરની શોધ ચલાવી રહી છે.
(પીટીઆઈ)