Sat May 02 2026

Logo

પૂણેમાં અચાનક વરસાદથી સર્વત્ર જળબંબાકાર, કાર ડૂબી-ટ્રાફિક જામથી પાર વિનાની હાલાકી

2026-04-02 18:26:00
Author: Mumbai Samachar Team
Article Image

પૂણેઃ મહારાષ્ટ્રના મહાનગર પૂણેમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક મુખ્યમાર્ગ પર નદી વહેતી હોય એટલું પાણી ભરાઈ ગયું હતું. જ્યારે જિલ્લા પંથકમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂણેમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા અનેક મુખ્ય રસ્તાઓ જળમગ્ન થયા હતા. પાર્કિંગમાં પાણી ભરાઈ જતા ફોરવ્હીલર્સ પાણીમાં તરવા લાગ્યા હતા. અનેક એવી કાર બંધ પડી ગઈ હતી અને શહેરને જોડતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

રસ્તા પર જાણે નદી વહી
પૂણેના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા એએમ રોડ વિસ્તારમાં વરસાદ થતા હાલાત ખરાબ થઈ ગયા હતા. રસ્તાઓ જાણે તળાવ બન્યા હોય એવી સ્થિતિ ઊભી થતા અનેક વાહનો ઠપ થઈ ગયા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી બે દિવસ સુધી સીઝન વગરનો વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. એ પછીના દિવસોમાં સવારે તડકો અને બપોરે વરસાદ પડી શકે છે. ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ગરમીમાંથી આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 

અનેક જગ્યાઓ પર પાણી ભરાયા
અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાર્કિંગથી લઈને મેઈન રોડ સુધી પાણી જમા થતા મુશ્કેલી પડી હતી. ખાસ કરીને સાંજના સમયે ધંધા-વ્યવસાયમાંથી પરત આવતા લોકોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માત્ર પૂણે જ નહીં મહારાષ્ટ્રના અન્ય પ્રાંતમાં પણ વરસાદને કારણે વાતાવરણ ભેજવાળું થયું છે. તાપમાનનો પારો નીચે ઊતર્યો છે.હવામાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અચાનક વરસાદ થવા પાછળનું કારણ અરબ સાગરમાંથી આવતો ભેજ અને વાતાવરણમાં પવનની અસ્થિરતા જવાબદાર છે. સતત વરસાદ વરસતા જાણે ચોમાસું શરૂ થયું હોય એવો માહોલ જોવા મળ્યો. 

દિવસભર રહ્યા કાળા વાદળો
તાપમાન નીચે ઊતરતા ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. પૂણેના જેએમ રોડ પર સ્થિતિ એવી હતી કે, જાણે પૂર આવ્યું હોય. રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારમાં પાણી ભરાઈ ગયા હતા. અન્ય કેટલાક વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. અચાનક હવામાનમાં પલટો આવતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. વિઝિબિલિટી ઝીરો થતા દિવસે પણ વાહનોની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરમાં દિવસભર કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ટ્રાફિકજામને કારણે અનેક લોકો અટવાયા હતા.