Tue May 05 2026

Logo

ક્લોઝ અપ: અત્ર-તત્ર-સર્વત્ર ... સૌનાં મોંમાં પાણી લાવતી સદાબહાર રસઝરતી બંગાળી મીઠાઈ

2 days ago
Author: Bharat Ghelani
Article Image

પશ્ર્ચિમ બંગાળના બાબુ મોશાયોનું નવું વર્ષ તાજેતરમાં ઉજવાયું ત્યારે જયાં જયાં વસ્યા છે બંગાલીબાબુ ત્યાં ત્યાં બંગાળની બેમિસાલ મીઠાઈઓ છવાઈ ગઈ. હવે મમતા દીદીના આ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થશે.ત્યારે ફરી એક વાર લાખો રૂપિયાની બંગાળી મીઠાઈઓની લહાણી થશે...આવી બધાને એકસરખું ઘેલું લગાડતી બંગ મીઠાઈની ગઈ કાલ અને આજ એટલી જ રોચક છે... 

- ભરત ઘેલાણી

 રસગુલ્લા -  સંદેશ -  રસમલાઈ - ચમચમ ઈત્યાદિ બંગાળી મીઠાઈનો રસથાળ

રાજકારણના મોરચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી જાહેરમાં એકમેકના કટ્ટર વિરોધી. એમાંય મમતા દીદી જબરાં આખાં બોલાં. જાહેરમાં વડા પ્રધાનની રાજ્કીય ટીકા કરવાની એ એક પણ તક ન છોડે. દીદી સખત શબ્દોમાં એવી કડવી ટીકા કરે કે આપણને થાય : 

પત્યું! હવે તો એ બન્નેને બોલે વહેવાર નહીં રહે... 

હકીકત કંઈક બીજી જ છે. એકમેકની નીતિ-રીતિના સખત વિરોધી એવાં આ બન્ને વચ્ચેના અંગત સંબંધ એવા હુંફાળા છે કે મમતા દીદી વરસમાં બે વાર મોદીભાઈને દર દુર્ગા પૂજા અને બંગાળી નવું વર્ષ ‘પોઈલા બોઈસાખ (15 એપ્રિલ)ના અચૂક બંગાળી મીઠાઈ ભેટરૂપે મોકલે છે ! મમતાદીદી મૂડમાં હોય તો  બંગાળી મીઠાઈ સાથે વડા પ્રધાન માટે ખાસ સીવડાવેલાં બેંગાલી કુરતા (ઝભ્ભા) પણ મોકલે ! 

મમતાદીદીની બંગાળી મીઠાઈ અને કુરતાની આ વાત ખુદ વડા પ્રધાને જાહેરમાં પણ સ્વીકારી છે... ! 

જોગાનુજોગ બંગાળની મીઠાઈઓ સાથે દેશના વડા પ્રધાનોની ખાસ ચાહત રહી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ ખાવા-પીવાની બાબતમાં ઘણા ચુસ્ત, પણ કોલકાતામાં રહેતા એમના અંગત મિત્ર બિહારીભાઈ શાહને એમણે વર્ષોથી એક ખાસ સૂચના આપી રાખી હતી કે કોઈ ઓળખીતું પાટનગર આવતું હોય તો એમની સાથે પોતાના માટે ખાસ ‘ગાંગુરામ’ના જ સંદેશ મોકલવા... મોરારજીભાઈ રાસાયણિક પ્રક્રિયાથી બનાવેલી સિન્થેટિક ખાંડની કોઈ વાનગી ખાતા નહીં એટલે એમને માટે ‘ગાંગુરામ ઍન્ડ ગ્રાન્ડ સન્સ’ના એક માલિક રામજીલાલ ચોરસિયા પોતે જાતે જઈને બૂરૂ-દેશી ચીની ખાંડ અને દૂધ લઈ આવે પછી જાત દેખરેખ હેઠળ સંદેશ તૈયાર કરાવીને મોરારજીભાઈને દિલ્હી સુધી પહોંચતા કરતા. 

બંગાળની મીઠાઈની ચાહત એથી પણ જૂની છે. 

‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ના કરાર નેહરુજી સાથે દિલ્હીમાં કર્યો પછી ચીનના વડા પ્રધાન ચાઉન-  એન-લાઈ કોલકાતા આવવાના હતા ત્યારે નહેરુજીએ એમને બંગાળની મીઠાઈ ચાખવાનું ખાસ સૂચન કર્યું હતું  એટલે કોલકાતા આવીને ચીની વડા પ્રધાને બંગાળની મીઠાઈ પાકાગુલ્લા (કડક સંદેશ) પણ પેટ ભરીને આરોગીને ભરપેટ એના વખાણ પણ કર્યા હતા. (જો કે પાછળથી એમણે ભારતને છેહ દીધો એ જુદી વાત છે !) .   
 
આ રીતે અનેક દેશ-વિદેશના મહાનુભાવોને ઘેલું લગાડનારા સંદેશ - રસગુલ્લા-ચમચમ મિષ્ટી દહીં  જેવી બંગાળની સ્વાદિષ્ટ મીઠાઈનો ઈતિહાસ જબરો રસપ્રદ છે.

આજે પંદર લાખથી વધુ લોકો બંગાળ એકલામાં મીઠાઈ ઉત્પાદનના ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. આજે આવી મીઠાઈ બનાવવાના અધિકૃત પરવાનાઓ ધરાવતા કુલ 850થી વધુ મીઠાઈ ઉત્પાદકો છે. કોલકાતા બહાર ગામડાંઓમાં વગર લાઈસન્સે ધંધો કરતા મીઠાઈવાળાઓની સંખ્યા બે હજારની આસપાસ છે.    

દુર્ગાપૂજા - દિવાળીના તહેવારો અને બંગાળી નૂતન વર્ષ દરમિયાન બંગાળીબાબુઓ વર્ષભરની રહીસહી બચતમાંથી 30 ટકા બંગાળની મીઠાઈ ખાવા-ખવડાવવા પાછળ ખર્ચી નાખતા હોય છે. જોકે વિધિની વક્રતા એ છે કે આજે રોકડિયો બની ગયેલો બંગાળી મીઠાઈનો ધંધો પોણા બસો વર્ષ પહેલાં માત્ર ઉધારી પર જ ચાલતો અને એ ઉધારીને કારણે જ રસગુલ્લા જેવી બંગાળની વિશિષ્ટ વાનગીની શોધ થઈ હતી... !  

બંગાળની આબોહવા અને પાણીને કારણે અહીંના લોકો બારેમાસ કબજિયાતની તકલીફથી પીડાય છે. માનવદેહ માટે દૂધ સંપૂર્ણ આહાર છે, પરંતુ બંગાળની આબોહવા-દૂધમાં રહેલા લેક્ટ્રોઝ તત્ત્વને કારણે લોકોને કબજિયાત ઉપરાંત ગેસની વારસાગત તકલીફ હોવાથી શરીરને દૂધનાં પૌષ્ટિક તત્ત્વો મળી રહે અને કબજિયાત, ગેસ, વગેરે ન થાય એટલા ખાતર ખટાશ નાખી દૂધને ફાડીને એમાંથી એની વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ હતી. 

આજના વિખ્યાત રસગુલ્લાના શોધક નવીનચંદ્ર દાસે પણ એના પિતાના અવસાન બાદ બહુ નાની ઉંમરે  મીઠાઈની એક નાનકડી દુકાનથી શરૂઆત કરેલી. 19મી સદીના પૂર્વાધના એ જમાનામાં એક તો કોલકાતાની વસતિ ઓછી અને નિયમિત મીઠાઈઓ ખરીદે એવો વર્ગ પણ ઓછો હતો. બંગાળી જમીનદારો તો આખું વર્ષ મીઠાઈ ઉધાર લઈ જાય. પ્રથમ વૈશાખે એમનું નવું વર્ષ શરૂ થાય ત્યારે જૂનો હિસાબ ચૂકવીને એ જ દિવસે નવા વર્ષની બોણી તરીકે ફરી આગામી વર્ષ માટે ઉધાર મીઠાઈઓ લઈ જતા. 

આ ચક્કરમાં નાની પૂંજી ધરાવતા નવીનચંદ્રની મોટી રકમ આમ ઉધારમાં ફસાયેલી રહેતી. સરવાળે નવીનબાબુનો ધંધો ખોટમાં જ ચાલતો. એમને એક યુક્તિ સૂઝી કે ખટાશ નાખી દૂધ ફાડીને તૈયાર થતી ચીલાચાલુ મીઠાઈને બદલે કોઈ નવી વિશિષ્ટ પ્રકારની વાનગી શોધવી, જે આ બધી મીઠાઈઓ કરતાં વધુ સ્વાદિષ્ટ હોય અને લોકો રોકડે પૈસે ખરીદવા પડાપડી કરે. થોડાં વર્ષના અખતરા બાદ આખરે 1868માં દૂધને ફાડીને બનાવેલા છેનાને ગરમ ઉકાળેલી ચાસણીમાં ભજિયાંની જેમ તળીને નવી વાનગી તૈયાર કરવામાં નવીનબાબુને સફળતા મળી.

ચપટા આકારની મીઠાઈને આપણે ‘પેંડા’ કહીએ, બે હથેળીના પોલાણ વચ્ચે આકાર આપેલી નક્કર મીઠાઈ ‘લાડુ’ તરીકે ઓળખાય તેમ દેખાવમાં ગોળમટોળ પણ અંદરથી પોચી એવી ચાસણીમાં તૈયાર કરેલી પોતાની નવી વાનગીને નવીનબાબુએ ‘રસગુલ્લા’ નામ આપ્યું. બંગાળીઓની જેમ પહોળા ઉચ્ચાર કરવાનું ગોરાસાહેબોને ફાવે નહીં અને રસગુલ્લાને નીચોવીને તો એમાંથી રસ નીકળે એટલે ગોરાસાહેબોએ એનું નામ પાડેલું ‘સ્પોન્ઝ બોલ’. ! 
એ પછી તો બંગાળના રસગુલ્લા, સંદેશ, રસમાધુરી, ચમચમ, મીઠું દહીં, ઈત્યાદિ  ઝડપભેર પ્રસિદ્ધ થઈ ગયાં એટલે બંગાળ બહાર એ મીઠાઈઓ બનાવવાના પ્રયત્નો થયા, પણ મીઠાઈનો જે સ્વાદ તમે બંગાળમાં ચાખ્યો હશે એ જ મીઠાઈનો એવો સ્વાદ તમને બંગાળ બહાર ચાખવા નહીં મળે. રસગુલ્લા માટે કે.સી. દાસ, સંદેશ માટે ભીમચંદ્ર નાગ અને મીઠા દહીં માટે ગાંગુરામનાં નામ જાણીતા છે. અહીં મજાની વાત એ છે કે બંગાળી મીઠાઈના ઉત્પાદકોની બનાવટને વિખ્યાત બનાવવા પાછળ એક મારવાડી અને ગુજરાતી વ્યક્તિનો  પણ અમુક ફાળો રહેલો છે. 

નવીનબાબુએ રસગુલ્લાની શોધ તો કરી, પરંતુ શરૂઆતમાં એ બહુ વેચાતા નહીં. એક દિવસ અનાયાસ એસમયમાં બિરલા-ટાટા જેવા એક માલેતુજાર મારવાડી બાગલા રસગુલ્લાના ‘શોધક’ એવા નવીનબાબુની  હાટડી જેવી દુકાન પાસેથી પસાર થતા હતા. મીઠાઈના રસિયા બાગલાજીએ પોતાની કાર ત્યાં થોભાવીને કશું નવું ચખાડવા કહ્યું અને નવીનબાબુએ પોતે શોધેલી રસગુલ્લાની નવી વાનગી એમને ચખાડી. બાગલાજીને રસગુલ્લા પર એટલા બધા ફિદા થઈ ગયા કે બીજા દિવસથી પરિવાર માટે રસગુલ્લાની વરદી મોકલવા માંડ્યા. પછી તો સગાં-સંબંધી, મિત્રોને ત્યાં કોઈ પ્રસંગ હોય એમાં નવીનબાબુના રસગુલ્લા હોવા જ જોઈએ એવો બાગલાજીનો આગ્રહ રહેતો. આજે પણ સમૃદ્ધ મારવાડી પરિવારોમાં સગાઈ, લગ્નપ્રસંગોમાં લાખો રૂપિયાની બંગાળી મીઠાઈઓ ક્યાં ખપી જાય છે એનો પત્તો નહીં લાગે.

નવીનબાબુની કામગીરી અને બાગલાજી જેવા સજ્જન મારવાડી વેપારીનું પીઠબળ મળતાં રસગુલ્લા  પંકાઈ ગયા. રસગુલ્લાની આવક ધમધોકાર થવા માંડી, છતાં વર્ષો સુધી નવીનબાબુએ પોતાની હાટડી જેવી દુકાન પર કોઈ પાટિયું કે સાઈનબોર્ડ લટકાવ્યું નહોતું. એમના વ્યવસાયને બધી રીતે વ્યવસ્થિત કર્યો ‘કે.સી. દાસ’ તરીકે ઓળખાતા એમના પુત્ર કૃષ્ણચંદ્ર દાસે. આમ તો એમણે જાતમહેનતે ઊભી કરેલી એક પાવરલૂમ અને એક સોડાવોટરની ફેક્ટરી સારું રળતી હતી તેમ છતાં શું ધૂન ચડી કે એ કમાણી છોડીને કૃષ્ણચંદ્ર એના પિતાની રસગુલ્લાની હાટડીમાં બેસી ગયા...  

એ પછી પુત્ર કૃષ્ણચંદ્રે પોતાના બાબા (પિતા)ની હાટડીમાંથી રસગુલ્લાને નવા સ્વરૂપે કઈ રીતે પેશ કરીને વિશ્વભરની માર્કેટમાં પહોંચાડ્યા અને રસગુલ્લા જેવી અન્ય બંગાળી મીઠાઈઓ ‘સદેશ’, ‘મિષ્ટી દહીં ’ કઈ રીતે લોકભોગ્ય-લોકપ્રિય બન્યાં એની પણ રોચક વાત આપણે કરીશું આવતા અઠવાડિયે...!