Sat Apr 25 2026

Logo

અફઘાન તાલિબાને ફરી પાકિસ્તાન પર કર્યો હુમલો, 40થી વધુ સૈનિકના મોતનો દાવો

Islamabad   1 month ago
Author: Vimal Prajapati
Article Image

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. રાતભર ચાલેલા હુમલાઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ બાજૌર જિલ્લામાં પાકિસ્તાની સેના પર ફરી હુમલો કર્યો, જેમાં 40થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલો અફઘાન-પાક સરહદ પર વધતા તણાવ વચ્ચે થયો છે, જ્યાં ક્રોસ-બોર્ડર હુમલા અને જવાબી કાર્યવાહીઓ વધી છે. પાકિસ્તાન રક્ષા પ્રધાન દ્વારા ગઈકાલે જ ઓપન વોરની ઘોષણા કરી દેવામાં આવી હતી. 

ઇસ્લામાબાદ પર સુઇસાઇડ ડ્રોન હુમલા કર્યાનો દાવો

અફઘાન તાલિબાને પાકિસ્તાની વાયુ હુમલાના જવાબમાં ઇસ્લામાબાદ પર સુઇસાઇડ ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. અફઘાન રક્ષા મંત્રાલય અનુસાર, ફૈઝાબાદ પાસેના સૈન્ય કેમ્પ, નૌશેરા મુખ્યાલય, જમરૂદ ટાઉનશિપ અને એબટાબાદ જેવા લક્ષ્યો પર હુમલા થયા, જ્યાં આગ લાગી ગઈ હતી. પાકિસ્તાને કાબુલ, કંધાર અને પક્તિયા પર હવાઈ હુમલો કર્યા હતો, તેના જવાબમાં અફઘાન તાલિબાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યાં છે.

અફઘાન તાલિબાને 40 સૈનિક માર્યા હોવાનો દાવો કર્યો

બાજૌર જિલ્લો ખૈબર પઠાણખ્વા પ્રાંતમાં અફઘાન સરહદે આવેલો છે અને લાંબા સમયથી આતંકવાદનું કેન્દ્ર રહ્યો છે. ટીટીપીએ તાજેતરમાં અનેક હુમલાઓની જવાબદારી લીધી છે. અફઘાન તાલિબાને 15 પોસ્ટ કબજે કરી 40 સૈનિક માર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે પાકિસ્તાને 22 તાલિબાનીઓને માર્યા હોવાનું કહ્યું. આ ‘ઓપન વોર’ જેવી સ્થિતિ બની છે. 

અફઘાન વિદેશ પ્રધાને સાઉદી અરબ સાથે શું વાત કરી?

આ દરમિયાન અફઘાન વિદેશ પ્રધાન મૌલવી આમિર ખાન મુત્તકીએ સાઉદી અરબના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈસલ બિન ફરહાન સાથે ફોન પર વાત કરી છે. બંનેએ દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક મુદ્દાઓ અને પાક-અફઘાન તણાવ પર ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. મુત્તકીએ સાઉદીની રાજનયિક ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે અફઘાનિસ્તાન બધા સાથે સન્માનપૂર્વક સંબંધ ઈચ્છે છે, તેમના દ્વારા કરવામાં આવેલા દરેક હુમલા માત્ર રક્ષણાત્મક છે.