જેએલઆર બ્રિટનથી આયાત થતાં મૉડૅલના ભાવ રૂ. 75 લાખ સુધી ઘટાડશે
નવી દિલ્હીઃ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર થતાં સંપૂર્ણપણે યુકેમાં ઉત્પાદિત કરવામાં આવેલી રેન્જ રોવરના ભાવમાં યુનિટદીઠ રૂ. 75 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવશે, એમ જેએલઆર ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું.
જેએલઆરના રેન્જ રોવર એસવી અને રેન્જ રોવર સ્પોર્ટ એસવી જેવાં મુખ્ય મોડૅલોને યુકે સાથેના મુક્ત વેપાર કરારનો લાભ મળશે, એમ જેએલઆરએ એક યાદીમાં જણાવ્યું હતું.
ભાવના નવાં ધોરણો મુજબ રેન્જ રોવર એસવીના એક્સ શૉ રૂમ ધોરણે ભાવ રૂ. 4.25 કરોડથી રૂ. 3.5 કરોડના સ્તરે અને રેન્જ રોવસ સ્પોર્ટ એસવીનાં ભાવ ઘટાડીને રૂ. 2.35 કરોડથી રૂ. 2.75 કરોડની રેન્જમાં રહેશે. આ સુધારિત ભાવમાં મુક્ત વેપાર કરાર અનુસાર નવા ડ્યૂટી માળખાનો અમલ કરવામાં આવ્યો જે તાત્કાલિક ધોરણથી અમલી બનશે.
ભાવમાં સુધારા અંગે જેએલઆર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજન અંબાએ જણાવ્યું હતું. ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારનો અમલ થતાં તેનો લાભ ગ્રાહકોને પસાર કરતાં અમને આનંદ થઈ રહ્યો છે અને અમે ગ્રાહકોને અગ્રતાક્રમ આપી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે મુક્ત વેપાર કરારનો લાભ ગ્રાહકો લેશે અને તેના પોર્ટફોલિયોમાં એસવીનો ઉમેરો કરશે અને જેએલઆર ઈન્ડિયાની વૃદ્ધિને વધુ મજબૂતી પ્રદાન કરશે.
જોકે, ડિફેન્ડર અને ડિસ્કવરી જેવાં અન્ય મૉડૅલના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય કારણ કે તેનું ઉત્પાદન સ્લોવાકિયા અને યુરોપ ખાતે થઈ રહ્યું હોવાથી તે યુકે અને ભારત સાથે થયેલા મુક્ત વેપાર કરારની પરિમિતિથી બહાર છે, એમ તેણે ઉમેર્યું હતું.