કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ હિંસા પર કોઈ રીતે પૂર્ણવિરામ લાગતું નથી. ગઈકાલે રાતના ભાજપના દિગ્ગજ નેતાના પીએની હત્યા પછી ફરી આજે હાવડામાં ભાજપના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવતા પરિસ્થિતિ વણસી છે. આ પછી બૉંબમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પાંચ કાર્યકર્તાઓને ગંભીર ઈજા પહોંચી છે. આ તમામને આરજી હોસ્પિટલમાં સારવાર હેતુ ખસેડવામાં આવ્યા છે.
બાઈક પર આવેલા શખસ દ્વારા હુમલો
આ ઘટના પાનીહાટીના વૉર્ડ નં.2 સ્થિત દત્ત રોડ પર બની છે. બુધવારની સાંજે ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા હતા. એ સમયે એમના પર અચાનક અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક પર આવેલા શખસોએ બૉંબમારો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરાયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું એવું કહેવું છે કે, એક બાઈક પર ચાર વ્યક્તિઓ આવ્યા હતા. પછી તેમણે હુમલો કરી દીધો હતો. એક પછી એક એમ ત્રણ બૉંબ ફેંકવામાં આવ્યા હતા. પ્રચંડ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ હતી. ખડદહ પોલીસની ટુકડી અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીના જવાનોએ સ્થિતિને કાબુ કરી હતી.
તપાસનો ધમધમાટ શરૂ
પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા પગલાં લેવાઈ રહ્યા છે. આરોપીઓને પકડવા માટે કેટલાક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ હોવાની વાત કરી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આવા આરોપને ફગાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા વધી છે. આ પહેલા સુવેંદુ અધિકારીના પીએની હત્યા કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યકર્તા રોહિત રાયને પેટમાં ગોળી લાગવાને કારણે બશીરહાટની સરકારી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા. હાલમાં એમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો
પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે,રાય એવું કહી રહ્યા છે કે, જ્યારે કેટલાક લોકો સાથે વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા, વિસ્તારમાં ભાજપના ઝંડા લગાવી રહ્યા હતા. એ સમયે તૃણમૂલ કોંગ્રેસના આઠથી દસ કાર્યકર્તાઓના ટોળામાંથી ત્રણ શખ્સોએ ગોળીબાર કર્યો હતો. ઉત્તર કૉલકાતાના બારાનગર વિસ્તારમાં પણ ભાજપના કાર્યકર્તા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. સતત અને સખત રીતે વધી રહેલી હિંસાની ઘટનાથી કૉલકાતા સહિત નાના જિલ્લાઓમાં શાંતિનો માહોલ ડહોળાઈ રહ્યો છે. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અહીં એ જણાવવાનું કે બંગાળમાં હિંસક અથડામણ અને તોફાનોમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની હત્યા થઈ છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઉપરાંત, અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર ૨૪ પરગણામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. શું છે આખી ઘટના અને બંગાળની હાલની સ્થિતિ? જાણવા માટે જુઓ આ ખાસ રિપોર્ટ. West Bengal Political… pic.twitter.com/DQnM1PIpgo
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 7, 2026