Sat May 09 2026

Logo

નોરોવાયરસનો એટેક: 3116 લોકોથી ભરેલા ક્રૂઝ શિપ પર 115 લોકો બીમાર

8 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

કેરેબિયન પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર નોરોવાયરસ ફેલાયો છે. કુલ 3116 મુસાફરોમાંથી 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સ બીમાર પડ્યા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, ઝાડા-ઉલ્ટી આ બીમારીના મુખ્ય લક્ષણો છે.

આ પ્રવાસ 28 એપ્રિલથી 11 મે સુધીનો હતો, જે ફોર્ટ લોડરડેલથી શરૂ થઈને પોર્ટ કેનાવેરલ પર પૂરો થવાનો છે. મુસાફરી દરમિયાન આ જહાજ અરુબા, બોનેર, પ્યુર્ટો રિકો અને બહામાસ જેવા સ્થળોએ રોકાયું હતું. પ્રિન્સેસ ક્રૂઝ કંપનીએ તેને પેટ સંબંધિત બીમારી ગણાવી છે.

નોરોવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

નોરોવાયરસ એ અતિ ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં ચેપ લગાડે છે. આ વાયરસ ભીડવાળી અને બંધ જગ્યાઓ પર ઝડપથી ફેલાય છે. ક્રૂઝ શિપ જેવી જગ્યાઓ વધુ જોખમી છે કારણ કે ત્યાં હજારો લોકો લાંબા સમય સુધી સાથે રહે છે, એક જ જગ્યાએ જમે છે અને સમાન સુવિધાઓનો ઉપયોગ કરે છે.

ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કથી, દૂષિત ખોરાક-પાણી અથવા વાયરસવાળી વસ્તુને સ્પર્શ કરવાથી આ રોગ બીજા લોકોમાં ફેલાય છે.

બીમારીના લક્ષણો શું છે?

અચાનક ઉલ્ટી અને પાણી જેવા ઝાડા થવા
પેટમાં દુઃખાવો અને જીવ મુંઝાવો (Nausea)
સામાન્ય તાવ અને માથાનો દુઃખાવો
શરીરમાં નબળાઈ આવવી

સામાન્ય રીતે આ લક્ષણો 1 થી 3 દિવસ સુધી રહે છે અને મોટાભાગના લોકો જલ્દી સાજા થઈ જાય છે. જોકે, નાના બાળકો અને વડીલોમાં શરીરમાં પાણી ઓછું થવાનું (Dehydration) જોખમ વધુ રહે છે.

ક્રૂઝ શિપ પર જ કેમ ફેલાય છે?

ક્રૂઝ પર ભીડ વધુ હોવાથી એક ચેપગ્રસ્ત વ્યક્તિ આખા જૂથને બીમાર કરી શકે છે. લિફ્ટ, સ્વિમિંગ પૂલ અને બુફે જમવા જેવી કોમન સુવિધાઓને કારણે વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. અમેરિકામાં દર વર્ષે લાખો લોકો નોરોવાયરસનો ભોગ બને છે, પરંતુ ક્રૂઝ શિપ પર જ્યારે આવું થાય છે ત્યારે એકસાથે ઘણા લોકો બીમાર પડતા હોવાથી તેની ચર્ચા વધુ થાય છે.

નોરોવાયરસ કેટલો ખતરનાક છે?

નોરોવાયરસ સામાન્ય રીતે જીવલેણ હોતો નથી. મોટાભાગના કિસ્સાઓમાં લોકો થોડા દિવસોમાં આરામથી સ્વસ્થ થઈ જાય છે. પ્રિન્સેસ ક્રૂઝ કંપનીએ જણાવ્યું કે તેઓએ આખા જહાજને સેનિટાઈઝ કર્યું છે અને મુસાફરોની સુરક્ષા માટે CDCએ સાથે મળીને તમામ જરૂરી પગલાં લીધા છે.

અમેરિકામાં દર વર્ષે લાખો લોકો નોરોવાયરસથી સંક્રમિત થાય છે. પરંતુ ક્રૂઝ શિપના કિસ્સામાં કુલ આંકડાનો બહુ નાનો હિસ્સો હોય છે. તો પણ તેની ચર્ચા વધારે થાય છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો એકસાથે પ્રભાવિત થાય છે.