નવી દિલ્હીઃ વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે મેડલ જીતી ચૂકેલી કુસ્તીબાજ વિનેશ ફોગાટ (vinesh phogat)ને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)એ શનિવારે વિગતવાર કારણદર્શક નોટિસ મોકલી હતી. ફેડરેશનનો આરોપ છે કે ફોગાટે શિસ્તનું પાલન નથી કર્યું તથા ડૉપિંગ-વિરોધી નિયમોના ઉલ્લંઘન કર્યા છે. આ નોટિસ તેના માટે એક આંચકા સમાન છે.
કોઈ પણ ઍથ્લીટે નિવૃત્તિમાંથી બહાર આવ્યા બાદ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)ના ડોપિંગ-વિરોધી નિયમો હેઠળ છ મહિનાનો નોટિસ-પિરિયડ પૂરો કરવો પડે, પરંતુ ફોગાટે હજી એ સમયગાળો પૂરો ન કર્યો હોવાથી તે 2026ની 26મી જૂન સુધી ઘરઆંગણાની કોઈ પણ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે.
ફોગાટ 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ગેરલાયક ઠરાવાતાં મેડલ નહોતી મેળવી શકી અને એ આઘાતમાં તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે તેણે ડિસેમ્બર, 2025માં રિટાયરમેન્ટ પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે તે 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા તત્પર છે.
ઉત્તર પ્રદેશના ગૉન્ડા શહેરમાં રવિવાર, 10મી મેએ કુસ્તીની નૅશનલ ઓપન રૅન્કિંગ ઇવેન્ટ યોજાવાની છે અને ફોગાટ એમાં ભાગ લેવાની તૈયારી કરી રહી હતી, પણ હવે તેને નોટિસ મોકલવામાં આવી અને તે હજી દોઢ મહિનો સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકે એ જોતાં તેના માટે આ મોટો આંચકો કહી શકાય.
ફેડરેશને 15 પાનાંની નોટિસમાં આક્ષેપ કર્યો છે કે ફોગાટે 2024માં ગેરલાયક ઠરાવાતાં રિસાઈને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી એનાથી વૈશ્વિક સ્તરે ભારતીય રેસલિંગની છાપ ખરડાઈ હતી. એ ઉપરાંત તેણે આંતરરાષ્ટ્રીય રેસલિંગ ફેડરેશનના નિયમોનો ભંગ પણ કર્યો હતો.