તમિળ સુપરસ્ટાર થલપતિ વિજય અત્યારે પોતાની જિંદગીના સૌથી મહત્વના પડાવ પર છે. એકબાજુ તેઓ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દ્વારા મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે, તો બીજી બાજુ તેમના અંગત જીવનમાં ચાલી રહેલા વિખવાદે તમિલનાડુથી લઈને આખા દેશના મીડિયામાં ચર્ચા જગાવી છે. એવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જો વિજય મુખ્ય પ્રધાનપદના શપથ લેશે તો આ સમયે પત્ની અને બાળકો તેમની સાથે જોવા મળશે. ચાલો જોઈએ શું છે આખો મામલો...
છેલ્લાં અનેક સમયથી જોવામાં આવ્યું છે કે વિજયના કોઈપણ મહત્વના પ્રસંગોમાં તેમની પત્ની સંગીતા હાજર રહેતી નથી. એટલું જ નહીં, વિજયે જ્યારે પોતાની રાજકીય પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ'ની જાહેરાત કરી, ત્યારે પણ તેમના પરિવારનો ટેકો સાર્વજનિક રીતે જોવા મળ્યો નહોતો. અહેવાલોમાં કરવામાં આવેલા અનુસાર, સંગીતા હાલમાં બાળકો સાથે લંડનમાં રહે છે અને વિજયથી અલગ જીવન જીવી રહી હોવાની ચર્ચા છે.
વિજયના પારિવારિક વિવાદમાં સૌથી મોટું નામ સાઉથની સુપરસ્ટાર ત્રિશા કૃષ્ણનનું ઉછળ્યું છે. ફિલ્મ 'લિયો' (Leo)ના શૂટિંગ દરમિયાન અને ત્યારબાદ વિજય અને ત્રિશાની નિકટતા વિશે અનેક અફવાઓ ઉડી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો પણ વાઈરલ થઈ હતી જેને કારણે આ અટકળોને વેગ મળ્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે વિજય અને ત્રિશા વચ્ચેના ગાઢ સંબંધોને કારણે તેની પત્ની સંગીતા નારાજ છે અને આ જ પારિવારિક વિખવાદનું સૌથી મોટું કારણ છે.
વિજયનો વિવાદ માત્ર પત્ની પૂરતો મર્યાદિત નથી. અગાઉ તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથે પણ તેમના કાયદાકીય વિવાદો થયા હતા. વિજયે તેમના પિતા દ્વારા પોતાની ફેન ક્લબને રાજકીય પક્ષમાં બદલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે બાદમાં સમાધાનના સમાચાર આવ્યા હતા, પણ પરિવારમાં હજુ બધું બરાબર નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તમિલનાડુની રાજકારણમાં ઈમેજ ખૂબ મહત્વની છે. વિજય અત્યાર સુધી પોતાની 'ફેમિલી મેન'ની છબી માટે જાણીતા હતા. હવે જ્યારે તેઓ સીએમની રેસમાં છે, ત્યારે વિરોધ પક્ષો તેમના અંગત જીવનના વિવાદોને હથિયાર બનાવી શકે છે. જો જનતામાં એવી છાપ પડે કે જે નેતા પોતાનું ઘર સંભાળી શકતા નથી તે રાજ્ય કેવી રીતે સંભાળશે, તો વિજય માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં જો વિજય મુખ્ય પ્રધાનપદના શપથ લેશે તો આ સમયે તેમના શપથવિધિ સમારોહમાં પત્ની સંગીતા અને બાળકો હાજરી આપશે કે કેમ એ વિશે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.