Sat May 09 2026

Logo

નાણાકીય વર્ષ 2027માં દેશની પાવરની માગ પાંચથી સાડા પાંચ ટકા વધવાની શક્યતાઃ ઈક્રા

2 days ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2025-26માં ઔદ્યોગિક અને વ્યાપારીક પ્રવૃત્તિને ટેકે પાવરની માગમાં સાધારણ એક ટકા જેટલી વૃદ્ધિ જોવા મળ્યા બાદ વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં માગમાં પાંચથી સાડા પાંચ ટકાની વૃદ્ધિ જોવ મળે તેવી શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ વ્યક્ત કરી છે. 
વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને અલ નિનોની અસર હેઠળ વરસાદ ઓછો રહેવાની ધારણા મૂકાઈ રહી હોવાથી ખાસ કરીને કૃષિ અને ઘરગથ્થુ ધોરણે માગ વધવાની સાથે વાહનો અને ડેટા સેન્ટર જેવાં ઊભરતા ક્ષેત્રોની પણ માગમાં વધારો થવાથી પાવરની માગમાં વધારો થવાની ધારણા મૂકાઈ રહી હોવાનું ઈક્રાએ એક યાદીમાં જણાવ્યું છે. 

એકંદરે ગત નાણાકીય વર્ષ 2025-26માં માગમાં સાધારણ વૃદ્ધિ હોવાને કારણે ઓલ ઈન્ડિયા થર્મલ પાવર લોડ ફેક્ટર (પીએલએફ અથ્ાવા તો ક્ષમતાનો વપરાશ)નું સ્તર ઘટીને 65થી 66 ટકાના સ્તરે રહ્યું હતું. જોકે, વર્ષ 2026-27માં રિન્યૂએબલ સ્રોત અને થર્મલ સેગ્મેન્ટમાં 6 ગિગા વૉટનો ઉમેરો થવાથી પીએલએફ ક્ષમતાનો વપરાશ 65 ટકા આસપાસ રહેવાની શક્યતા છે. 

ઈક્રાના કોર્પોરેટ રેટિંગ વિભાગનાં ઉપપ્રમુખ અને કૉ-ગ્રૂપ હેડ અંકિત જૈને યાદીમાં જણાવ્યું હતું કે દેશમાં રિન્યૂએબલ ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં થર્મલ પાવર ક્ષેત્રમાં રોકાણ વૃદ્ધિ થઈ રહી છે. નોંધનીય બાબત એ છે કે દેશમાં વીજળીની માગની અપેક્ષાઓ વચ્ચે થર્મલ પાવર લોડ સપ્લાયમાં વધુ વિશ્વસનિયતા આપવાની સાથે ગ્રીડની સ્થિરતામાં મદદ કરે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક પાવર એકમોમાં ગત આઠમી એપ્રિલના રોજ લગભગ 19 દિવસ માટેનો કોલસાનો પર્યાપ્ત સ્ટોક છે. 

વધુમાં એજન્સીની આંકડાકીય માહિતી અનુસાર સમગ્ર ભારતનાં સ્તરે પાવર વિતરક કંપનીઓની બૂક લોસ (ચોપડે નુકસાની)માં પણ વર્ષ વર્ષ 2024-25માં આગલા વર્ષ 2023-24ની સરખામણીમાં સુધારો થયો છે. જાહેર ક્ષેત્રની પાવર વિતરક કંપનીઓનું એકંદર દેવુ જે માર્ચ, 2024માં રૂ. 7.4 ટ્રિલિયન હતું તે માર્ચ, 2025માં ઘટીને 7.1 ટ્રિલિયનની સપાટીએ રહ્યું છે. જોકે, હાલની આવક અને નફાશક્તિને ધ્યાનમાં લેતા દેવાનું આ સ્તર બિનટકાઉ હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે વર્ષ 2026-27 માટે દેશનાં 28 રાજ્ય પૈકી 17 રાજ્યોમાં ટૅરિફ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. વિતરક કંપનીઓની ખોટ કરતી કામગીરી છતાં વર્ષ 2026-27 માટે મંજૂર કરવામાં આવેલા ટેરિફ વધારા અંગે કંપનીઓ મૌન સેવી રહી છે. ઈક્રાના મતાનુસાર મર્યાદિત ટૅરિફ વધારા અને વધુ ટૅરિફ આધારિત ક્ષમતાઓના ઉમેરા વચ્ચે વીજળીની ખરીદના ખર્ચમાં વધારો થવાના કિસ્સામાં વર્ષ 2026-27માં અખિલ ભારતીય સ્તરે વિતરક કંપનીઓ માટે એકમદીઠ તફાવત પ્રતિ યુનિટ 30થી 33 પૈસા જેટલો ઊંચો રહી શકે છે, એમ યાદીમાં ઉમેર્યું હતું. 

વધુમાં ઈક્રાએ મર્યાદિત ટૅરિફ વૃદ્ધિ અને ખોટ કરતી કામગીરીને ધ્યાનમાં લેતાં વીજ વિતરણ કરતી કંપનીઓનું આઉટલૂક નકારાત્મક રાખ્યું હોવાનું યાદીમાં જણાવ્યું હતું.