Thu May 07 2026

Logo

વૈશ્વિક સોનું પાંચ સપ્તાહના તળિયેથી પાછું ફર્યું

2 days ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 464ની પીછેહઠ, ચાંદીમાં રૂ. 345નો ધીમો સુધારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ અને ફુગાવાની ચિંતા યથાવત્‌‍ રહી હોવા છતાં આજે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં પાંચ સપ્તાહની નીચી સપાટીએથી સુધારો જોવા મળ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 345નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 462થી 464 વધી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં 1.3 ટકાનો ચમકારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 345ના સુધારા સાથે રૂ. 2,40,465ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 462ના ઘટાડા સાથે રૂ. 1,47,045 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 464 ઘટીને રૂ. 1,47,636ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન ગઈકાલે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત 31મી માર્ચ પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે ક્રૂડતેલની પીછેહઠ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને અનુક્રમે 4553.41 ડૉલર અને 4563.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકા વધીને આૈંસદીઠ 73.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. મધ્યપૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવની સ્થિતિ યથાવત્‌‍ રહી હોવા છતાં ક્રૂડતેલમાં નફારૂપી વેચવાલીના દબાણે પીઠેહઠ જોવા મળતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વમાં યુદ્ધ વિરામની સ્થિતિ હોવા છતાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ જોવા મળી રહ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી અર્થાત્‌‍ અમેરિકા-ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડતેલના ભાવમાં ઉછાળા આવી રહ્યા છે અને ક્રૂડતેલના ભાવ વધતાં ફુગાવામાં વધારો થાય તો અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની અન્ય કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકવાના નિર્ણયથી દૂર રહે તેવી પ્રબળ શક્યતા હોવાથી યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 13 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. જોકે, વ્યાજદરમાં કપાતના એક પરિબળને બાદ કરતાં અન્ય તમામ પરિબળો સોનાની તેજી તરફી છે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં માગ નિરસ રહેતી હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ગત એપ્રિલ મહિનાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.