Thu May 07 2026

Logo

કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ!  વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી, રૂ. 3,936 કરોડનું થશે રોકાણ!

2 days ago
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુજરાતને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટે 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) હેઠળ વધુ બે મહત્વકાંક્ષી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરત ખાતે સ્થપાવવાના છે, જે દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઈક્રો-LED ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ હશે. આ બંને પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે અને તેનાથી અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની તકો ઊભી થશે.

મળતી વિગતો અનુસાર, ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે. આ એકમમાં ગેલિયમ નાઈટ્રાઈડ ટેકનોલોજી આધારિત મિની/માઈક્રો-LED ડિસ્પ્લે મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વાફર્સની રહેશે. અહીં તૈયાર થનારા ઉત્પાદનોનો ઉપયોગ સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, ઇન-કાર ડિસ્પ્લે તેમજ સ્માર્ટ વોચ અને એક્સટેન્ડેડ રિયાલિટી (XR) ગ્લાસ જેવા આધુનિક ઉપકરણોમાં કરવામાં આવશે.

બીજી તરફ, સુરત ખાતે સુચી સેમીકોન પ્રાઈવેટ લિમિટેડ (SSPL) દ્વારા 'આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ' (OSAT) ફેસિલિટી શરૂ કરવામાં આવશે. આ યુનિટ વાર્ષિક 1,033.20 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આ ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ IC અને ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સમાં થશે, જે ખાસ કરીને ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરશે. સુરત અને ધોલેરાના આ પ્રોજેક્ટ્સથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનશે.

સેમિકન્ડક્ટર મિશન હેઠળ કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા 12
આ બે નવી મંજૂરીઓ સાથે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે, જેમાં કુલ રોકાણ રૂ. 1.64 લાખ કરોડને પાર કરી ગયું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 315 શૈક્ષણિક સંસ્થાઓ અને 104 સ્ટાર્ટ-અપ્સને ચિપ ડિઝાઇન માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાંથી બે એકમોએ ભારતીય બજારમાં કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરી દીધું છે અને અન્ય બે પ્રોજેક્ટ્સ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

વાડીનારમાં નવી શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી 
આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વાડીનાર ખાતે નવી શિપ રિપેર ફેસિલિટી (જહાજ સમારકામ સુવિધા) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દીનદાયલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1,570 કરોડનું મોટું રોકાણ કરવામાં આવશે. આ નવી સુવિધાથી ગુજરાતના દરિયાકાંઠે જહાજોના સમારકામની ક્ષમતામાં વધારો થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.