Wed May 06 2026

Logo

યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી; યુએસએ ઈરાનને આપી કડક ચેતવણી

Wasington D.C.   1 day ago
Author: Savan Zalariya
Article Image

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં યુએસ સશસ્ત્ર દળોએ હુમલો કરીને ઈરાનની છ નાની બોટનો નાશ કર્યો હતો.  યુએસ સશસ્ત્ર દળોએ જણાવ્યું કે તેમણે ઈરાનની ક્રુઝ મિસાઇલો અને ડ્રોનને પણ તોડી પાડ્યા હતાં. 

યુએસ સશસ્ત્ર દળોએ જણાવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે શિપિંગ ફરી શરુ કરવાના નવા યુએસ નેવીના પ્રયસોને ઈરાનની બોટ્સ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેને કારણે આ હુમલા કરવામાં આવ્યા હતાં. અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ નામનું આ ઓપરેશન શરૂ કરાવ્યું હતું. 

સોમવારે ઈરાને યુએઈ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતાં, આ હુમલાને કારણે 8 એપ્રિલથી લાગુ થયેલો યુદ્ધવિરામ અમલમાં રહેશે કે નહીં એ અંગે યુએસએ સ્પષ્ટતા કરી ન હતી.  સેન્ટ્રલ કમાન્ડના વડા, યુએસ એડમિરલ બ્રેડ કૂપરને પુછવામાં આવતા કોઈ ટીપ્પણી કરવાની મનાઈ કરી હતી. પરંતુ તેમણે જણાવ્યું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ટ્રમ્પના ઓપરેશનમાં દખલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.  

ઈરાનને આપી કડક ચેતવણી:
એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું, "અમે જે જહાજોનું રક્ષણ કરી રહ્યા છીએ તેના પર IRGC એ ક્રુઝ મિસાઇલો, ડ્રોન અને નાની બોટ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.”

કૂપરે ચેતવણી આપતા કહ્યું કે યુએસ આ ઓપરેશન શરૂ કરી રહ્યું છે, ત્યારે ઈરાની સેના યુએસ લશ્કરી સંપત્તિથી દૂર રહે. તેમણે જણાવ્યું કે 15,000 યુએસ સૈનિકો, યુએસ નેવી ડિસ્ટ્રોયર્સ, 100 થી વિમાનો અને સબમરીન તૈનાત છે.

સોમવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દક્ષિણ કોરિયાના એક જહાજ પર પણ વિસ્ફોટ થયો હતો, પરંતુ યુએસ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે દક્ષિણ કોરિયાનું જહાજ આ ઓપરેશનનો ભાગ નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસએ ઈરાનની સાત ફાસ્ટ બોટ ડૂબાડી દીધી હતી.