Thu May 07 2026

Logo

દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટમાં ટ્રમ્પને નો એન્ટ્રી: બ્લેક લિસ્ટ માટેના નિયમો શું છે જાણો

New York   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

ન્યૂયોર્ક:  દુનિયાની સૌથી મોટી અને જાણીતી ફેશન ઈવેન્ટ મેટ ગાલા પર હાલ દરેકની નજર રહેલી છે. આ ઈવેન્ટમાં હોલિવૂડથી લઈને બોલિવૂડની મોટી સેલિબ્રિટી સામેલ થઈ રહી છે. મેટ ગાલા 2026ની ભવ્ય ઈવેન્ટ હાલ ન્યૂયોર્ક સિટીમાં સ્થિત 'મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ' ખાતે ચાલી રહી છે.

આ વર્ષની થીમ 'કોસ્ચ્યુમ આર્ટ' (Costume Art) છે, જે અંતર્ગત ફેશનને કલાના એક સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. આ ઈવેન્ટ માટે કેટલાક સેલેબ્સ એવા છે જેમને મેટ ગાલામાંથી બેન કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ સેલેબ્સને કોઈ પ્રકારે એન્ટ્રી નહીં મળે, જેમાં ડૉનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. ચર્ચા એવી પણ છે કે, અમેરિકાના આંગણે ઈન્ટરનેશનલ ઈવેન્ટ થઈ રહી છે અને ટ્રમ્પને આમંત્રણ નથી.

ટ્રમ્પને નો એન્ટ્રી

મેટ ગાલામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને કોઈ પ્રકારે આવવાની મંજૂરી નથી.આ પાછળનું કારણ પોલિટિકલ પોલિસી છે. મેટ ગાલાના સંચાલકો અન્ના વિંટોરે વર્ષ 2017માં સ્પષ્ટતા કરી હતી કે, તે ડૉનાલ્ડ ટ્રમ્પને આ ઈવેન્ટમાં ફરીવાર ક્યારેય નહીં બોલાવે. ટ્રમ્પ વર્ષ 1980ના દાયકાથી 2012 સુધી પત્ની મેલાનિયા તથા ઈવાંકા સાથએ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેતા હતા.

રાષ્ટ્રપતિ બન્યા બાદ એમના પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. જાણીતી રેપર નિક્કી મિનાજને પણ આ ઈવેન્ટમાં આવવા માટે કોઈ મંજૂરી નથી. નિક્કી મિનાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના બેબાક નિવેદનોને કારણે જાણીતી છે. બેબાક નિવેદનોને કારણે એમને ઈવેન્ટમાં આવવા માટેની કોઈ મંજૂરી આપવામાં નથી આવતી. 

ટીકા કરનારને પણ દૂર કરાયા

રિપોર્ટ અનુસાર એમના વિવાદીત નિવેદન બાદ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ રીતસર એમનાથી અંતર બનાવી લીધુ હતું.ફેશન મેન્ટર મનાતા ટીમ ગને દાવો કર્યો હતો કે, મેટા ગાલા ઈવેન્ટે એમને બ્લેકલીસ્ટ કરી દીધા છે. વર્ષ 2016માં એક શૉ દરમિયાન તે અન્ના વિંટુરના બે બોડીગાર્ડ સાથે સીડી ઊતરતા જોવા મળ્યા હતા. એ પછી તો મોટો વિવાદ થઈ ગયો હતો.

સંચાલક અને ફેશન મેન્ટોર વચ્ચે આવી ખટાશ ઊભી થતા એમને બ્લેકલીસ્ટ કરાયા હોવાનું રિપોર્ટમાંથી જાણવા મળે છે. આ યાદીમાં કોમેડિયન ટીના ફેનું નામ પણ આવે છે. કારણ કે ટીના ઘણીવાર આ શૉની ટીકા પણ કરી ચૂકી છે. આ કારણે એમને આ ઈવેન્ટમાંથી બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળે છે કે, ટીનાએ પોતે પણ આ ઈવેન્ટથી દૂરી બનાવી લીધી છે.

લુકા સબ્બતને વર્ષ 2019માં મેટ ગાલામાં કેટલાક નિયમ તોડતા બ્લેકલિસ્ટ કરી દેવાયા હતા. લુકા મેટ ગાલાના બાથરૂમમાં સ્મોકિંગ કરી રહ્યા હતા. આ પછી એમને પણ બ્લેકલીસ્ટ કર દેવામાં આવ્યા હતા. પ્લેબોય કાર્ટિને પણ આ વર્ષે આ ઈવેન્ટમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. શા માટે એને દૂર કરાયા એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી