Thu May 07 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે તણાવ વધ્યો, અમેરિકાએ કહ્યું હજુ પણ યુદ્ધવિરામ લાગુ

WASINTON DC   2 days ago
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ જેવા હાલાત થયા છે. જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે તણાવ  વધી રહ્યો છે. તેવા સમયે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્પષ્ટતા કરી છે કે યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે અને તેને સમાપ્ત ગણી શકાય નહિ. તેમણે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને સુરક્ષિત રાખવા માટે હાથ ધરવામાં આવી રહેલી કામગીરી અલગ અને મર્યાદિત પ્રકૃતિની છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કામગીરી ફક્ત કોમર્શિયલ  જહાજોને સુરક્ષિત રાખવા માટે એક કામચલાઉ વ્યવસ્થા છે.

પ્રોજેક્ટ ફ્રીડમ એક રક્ષણાત્મક કામગીરી

અમેરિકાના સંરક્ષણ સચિવે એમ પણ કહ્યું હતું કે યુદ્ધ શરૂ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી. વહીવટીતંત્ર માને છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે. સંરક્ષણ સચિવ હેગસેથે પેન્ટાગોન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને દૂર કરવાનો અમેરિકાનો  પ્રયાસ ઓપરેશન એપિક ફ્યુરીથી અલગ છે. તેમણે સમજાવ્યું હતું કે પ્રોજેક્ટ ફ્રીડમ એક રક્ષણાત્મક કામગીરી છે. તેનો અવકાશ મર્યાદિત અને કામચલાઉ છે. આ કામગીરીનું એકમાત્ર મિશન નિર્દોષ કોમર્શિયલ જહાજોને ઇરાની આક્રમણથી બચાવવાનું છે.

બે અમેરિકન કોમર્શિયલ જહાજો સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બે અમેરિકન કોમર્શિયલ જહાજો સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. તેમજ છ અન્ય જહાજોએ ઈરાની બંદરોની નાકાબંધીનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધા જહાજોને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

હોર્મુઝ સ્ટ્રેટ પર સંઘર્ષ  યથાવત 

ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર સંઘર્ષ હજુ પૂરો નથી થયો  અને પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આ દરમિયાન  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કડક ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અમેરિકાના જહાજોને નિશાન બનાવવામાં આવશે તો ઈરાન ભારે કિંમત ચૂકવશે.