Sun May 03 2026

Logo

આખરે કેમ વધી રહી છે આગ લાગવાની ઘટનાઓ?

2 hours ago
Author: Shailendra Sinh
Article Image

ફોકસ - શૈલેન્દ્ર સિંહ

દર વર્ષે 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ઊજવવામાં આવે છે, જે તે બહાદુર અગ્નિશામક જવાનોની યાદ અપાવે છે જેમણે બીજાના જીવ બચાવવા માટે પોતાને આગની જ્વાળાઓમાં ઝોંકી દીધા હતા. આ દિવસ હવે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ બની ગયો છે, કારણ કે દર વર્ષની સાથે દુનિયામાં આગ લાગવાની ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. સવાલ એ છે કે આનું કારણ શું છે? શું આ માત્ર આપણા દેશમાં જ થઈ રહ્યું છે કે પછી સમગ્ર વિશ્વની આ જ સ્થિતિ છે? આપણે આ ખાસ કવરસ્ટોરીમાં આ બધા મુદ્દાઓ પર વિચાર કરીશું.

ભારતમાં વધતી આગની ઘટનાઓ

આપણા દેશમાં દર વર્ષે માર્ચથી જૂન દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને એ પણ ચિંતાજનક છે કે તાજેતરનાં વર્ષોમાં માત્ર આગ લાગવાની ઘટનાઓમાં વધારો જ નથી થયો, પરંતુ આગની તીવ્રતા પણ ખૂબ વધી છે. સવાલ એ છે કે આની પાછળનું મુખ્ય કારણ શું છે? સૌથી પહેલું કારણ છે - ગ્લોબલ વૉર્મિંગ, એટલે કે વિશ્વભરમાં વધી રહેલું તાપમાન. સતત વધી રહેલા આ તાપમાનને કારણે હવે  હિટવેવ જેવી ઘટનાઓ માત્ર ઉનાળામાં જ નથી જોવા મળતી, અન્ય ઋતુઓમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2024-25માં તો ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં મે અને જૂન મહિનાનું તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધુ ઉપર પહોંચી ગયું હતું.

જો આપણે હવામાનશાસ્ત્રીઓની આગાહીઓને ધ્યાનમાં લઈએ તો 2026માં આગ લાગવાની સંખ્યામાં વધારો થવાની ધારણા છે, કારણ કે આ વર્ષ છેલ્લાં 150 વર્ષમાં સૌથી ગરમ રહેવાનો અંદાજ છે. વાસ્તવમાં, જ્યારે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે સૂકું ઘાસ, કચરો અને પ્લાસ્ટિક સામગ્રી ઝડપથી આગ પકડે છે. દેશમાં અને વૈશ્વિક સ્તરે આગ લાગવાની વધતી સંખ્યાનું બીજું એક મુખ્ય કારણ શહેરી ગેરવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર છે. 

મહાનગરમાં આગથી બચવા માટે લાંબા-પહોળા કાયદાકીય નિયમો અને પેટા-નિયમો તો પુષ્કળ છે, પરંતુ તેને અમલમાં મુકાવનાર પ્રમાણિક વહીવટીતંત્ર ક્યાંય દેખાતું નથી. આજ કારણ છે કે નિયમોની ફાઇલો વધતી રહેવા છતાં આગ લાગવાની ઘટનાઓ ઘટી નથી રહી, ઊલટું વધી રહી છે. આ વધતી જતી આગની ઘટનાઓ અને સમયસર તેને નિયંત્રિત કરવામાં અસમર્થતાનું બીજું કારણ એ છે કે મહાનગરોમાં ઘણાં બધાં બિનઆયોજિત બાંધકામો છે. સાંકડી શેરીઓ અને ઘરોમાં નબળા વાયરિંગને કારણે ઘણીવાર શૉર્ટ સર્કિટ થાય છે. તેથી જૂનાં બજારો, ગોદામો અને ઝૂંપડપટ્ટીઓમાં આગ ઝડપથી ફેલાય છે, કારણ કે ત્યાં મૂળભૂત અગ્નિ સલામતી-સાધનોનો અભાવ હોય છે. ત્રીજું કારણ એલપીજી અને રસાયણોનો વધતો ઉપયોગ છે. ઘરોથી લઈને નાના ઉદ્યોગો સુધી, ગૅસ સિલિન્ડર અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ પણ આગની ઘટનાઓમાં વધારો કરે છે.

પરંતુ માત્ર ભારતમાં જ નહીં...

હા, ફક્ત ભારતમાં જ નહીં, તાજેતરનાં વર્ષોમાં વિશ્વભરમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કદાચ, ભારતની જેમ, આનું મુખ્ય કારણ ગ્લોબલ વૉર્મિંગ અને આગસંબંધિત પરિસ્થિતિઓ પ્રત્યે જાગૃતિનો અભાવ છે. ઉદાહરણ તરીકે, 2024માં કૅનેડામાં લાગેલી જંગલની આગ બે, ચાર કે દસ દિવસ નહીં, પણ મહિનાઓ સુધી ધગધગતી રહી અને આ રીતે કૅનેડામાં લાખો હેક્ટર વિસ્તારનાં જંગલો બળીને ખાખ થઈ ગયાં. તાજેતરનાં વર્ષોમાં ઑસ્ટ્રેલિયામાં પણ વારંવાર આવી જ આગની ઘટનાઓ જોવા મળી છે, જેને બુશ ફાયર કહેવામાં આવે છે.

જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી આવો જ ટ્રેન્ડ અમેરિકામાં પણ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે કૅલિફૉર્નિયાની વાઇલ્ડ ફાયર હવે લગભગ દર વર્ષના સમાચાર બની ગઈ છે. આ પાછળનું સૌથી મોટું કારણ નિ:શંકપણે આબોહવા-પરિવર્તન છે. વધતું તાપમાન, દુષ્કાળ અને અનિયમિત વરસાદ જંગલોને સુકાવી રહ્યાં છે, જેના કારણે તે વધુ જ્વલનશીલ બની રહ્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વભરમાં ફાયર સીઝન નોંધપાત્ર રીતે લાંબી થઈ ગઈ છે. પહેલાં આગનું જોખમ બેથી 3 મહિના સુધી રહેતું હતું, હવે આ જોખમ વધીને 5ાંચથી 6 મહિના થઈ ગયું છે.

પ્રશ્ન એ છે કે ભૂલ થાય છે ક્યાં?

આધુનિક જીવનશૈલીએ આગને ઘણી વધુ સંવેદનશીલ બનાવી દીધી છે અથવા એમ કહી શકાય કે આધુનિક જીવનશૈલીમાં આગ લાગવાનાં કારણો અને સંજોગોમાં ઘણો વધારો થયો છે. દાખલા તરીકે, ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીઓ ડેટા સેન્ટર્સ અને મોટા-મોટા મૉલ્સ જે આગ સામે રક્ષણની તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, છતાં વાસ્તવિકતા એ છે કે માનવીય બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ સુવિધાઓ સમય આવ્યે કામ લાગતી નથી. ખેતરોમાં પરાળ સળગાવવો, ખુલ્લામાં કચરો સળગાવવો કે જંગલોમાં કેમ્પ ફાયર આ નાની-નાની એવી ભૂલો છે જે ઘણીવાર મોટી અગ્નિને જન્મ આપે છે. ખાસ કરીને અમેરિકામાં તાજેતરનાં વર્ષોમાં આવી ભૂલોને કારણે અનેક મોટી આગની ઘટનાઓ બની છે. જોકે સમગ્ર વિશ્વમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોય જ છે. ભારતમાં ફાયર બ્રિગેડની સ્થિતિ મિશ્ર પ્રકારની છે. મોટાં શહેરોમાં આધુનિક સાધનો અને પ્રશિક્ષિત સ્ટાફની હાજરી હોવા છતાં, આ શહેરો સંપૂર્ણપણે અગ્નિરોધક નથી અને નાનાં શહેરોમાં ફાયર બ્રિગેડ પણ ઓછી હોવાથી તેમની સ્થિતિ વધુ ખરાબ છે. નાનાં શહેરોમાં આધુનિક અગ્નિશામક સાધનોનો અભાવ છે. તેથી નાના અને મધ્યમ કદનાં શહેરોમાં, આગની વધતી જતી ઘટનાઓને નિયતિ માનવામાં આવે છે.

પ્રશ્ન એ છે કે આગ જેવી આપત્તિથી કેવી રીતે બચવું?

નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના એક અહેવાલ મુજબ, ભારતમાં પ્રતિ લાખ વસ્તીદીઠ ફાયર સ્ટેશનોની અછત આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં ઘણી ઓછી છે. ઘણી જગ્યાએ તો ફાયર એન્જિન સમયસર પહોંચી જ શકતાં નથી. મોટાભાગનાં સ્થળોએ પહોંચવા માટે રસ્તામાં અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે છે, જેના કારણે કાં તો તેઓ સમયસર પહોંચી શકતા નથી અથવા તો કોઈ પણ રીતે ત્યાં સુધી પહોંચવું અશક્ય બની જાય છે. આ જ કારણ છે કે માત્ર અગ્નિશામક જવાનોના ભરોસે આગની સતત વધતી જતી ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય તેમ નથી. જો આપણે આગની વધતી જતી સંખ્યાને અટકાવવી હોય તો આપણે ફક્ત સતર્ક રહેવું જ નહીં, પણ ખાતરી કરવી જોઈએ કે જનતા આગ નિવારણની જવાબદારી લે. નહીંતર, આગની વધતી જતી સંખ્યા આપણા બધા વિકાસને નબળી પાડશે.

આગથી બચવાના સુવર્ણ નિયમો

* ઘરમાં હંમેશાં ફાયર એક્સટિંગશર રાખો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.

*  ગૅસ સિલિન્ડર અને ચૂલો નિયમિતપણે તપાસો.

*  સમયાંતરે ઇલેક્ટ્રિકલ વાયરિંગ બદલો.

* બાળકોને માચીસ અને લાઇટરથી દૂર રાખો.

* ઇમર્જન્સી નંબર 101 યાદ રાખો.

* આગ લાગે તો ભૂલથી પણ લિફ્ટનો ઉપયોગ કરશો નહીં.

* ધુમાડાથી બચવા માટે, જમીનની નજીક ઝૂકી જાઓ.