(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈરાને આજે યુએઈનાં બંદરનાં શહેર ગણાતાં ફ્યુજીરાહોના માળખાકીય વિસ્તારોમાં હુમલા કર્યાનાં નિર્દેશો સાથે ભૂરાજકીય તણાવ સપાટી પર રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશ છતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી ઘટીને ભાવ બેરલદીઠ 112 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 95.44ની નવી ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડ્યાં બાદ અંતે પાંચ પૈસાના સુધારા સાથે 95.18ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.23ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.44 અને ઉપરમાં 95.18ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે 95.18ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 39 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો. તાજેતરમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ રહ્યો હોવાથી ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી ડૉલરમાં આયાતકારોની લેવાલી અને અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહે તેવી શક્યતા છે, તેમ છતાં સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયામાં ધોવાણ મર્યાદિત રાખી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.10 ટકા વધીને 98.47 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે વધ્યા મથાળેથી 1.57 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 112.64 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 251.61 પૉઈન્ટનો અને 86.50 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2835.62 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જને એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.