હાલમાં જ્યાં જુઓ ત્યાં ન્યૂયોર્કમાં આયોજિત મેટ ગાલા 2026ની ચર્ચા સંભળાઈ અને જોવા મળી રહી છે. આ ઈવેન્ટમાં ઈન્ડિયન અને હોલિવૂડના સેલિબ્રિટીઓએ 'ફેશન ઈઝ આર્ટ' થીમ હેઠળ કળા અને ફેશનનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. આ ઈવેન્ટમાં ઈશા અંબાણી, કરણ જોહર અને જયપુરના રાજવી પરિવારના સભ્યોએ ભારતીય કારીગરીને વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી. પરંતુ આ બધામાં સૌથી વધારે ચર્ચા અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીના લૂકની થઈ રહી છે. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ છે ઈશા અંબાણીના આ લૂકમાં...
ઈશા અંબાણીએ આ ખાસ ઈવેન્ટ માટે જાણીતા ડિઝાઈનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઈન કરેલી કસ્ટમ સાડી પહેરી હતી, જેમાં અસલી સોનાના તારનો ઉપયોગ થયો હતો. ઈશા અંબાણીનો આ લુક તૈયાર કરવા 50 કારીગરોએ 1200 કલાકથી વધુ સમય આપ્યો હતો અને તેના પર 'પિછવાઈ' પેઇન્ટિંગની ડિઝાઇન કરવામાં આવી હતી.
ઈશાએ નીતા અંબાણીના કલેક્શનમાં રહેલાં 200 વિન્ટેજ હીરાથી જડેલું 1,800 કેરેટનું બ્લાઉઝ પહેર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 200 કરોડ હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ઈશાના હાથમાં સુબોધ ગુપ્તા દ્વારા બનાવેલું એક કેરીનું સ્કલ્પચર હતું અને કાગળ તથા તાંબામાંથી બનેલો 150 કલાકની મહેનત ધરાવતો 'ગજરો' પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
ઈશાના આ મેટ ગાલા રેડ કાર્પેટ લૂકની ચર્ચા ચોમેર થઈ રહી છે, તમે પણ ઈશા અંબાણી અને અન્ય સેલેબ્સના રેડ કાર્પેટ લૂક ના જોયા હોય તો આ રહી એક ખાસ ઝલક...
કરણ જોહરનું ડેબ્યૂ રહ્યું સુપરહિટ
ફિલ્મમેકર કરણ જોહરે મનીષ મલ્હોત્રાના આઉટફિટ સાથે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. કરણ જોહરનો મેટ ગાલા રેડ કાર્પેટ લુક રાજા રવિ વર્મા ટ્રિબ્યૂટ આપનારો હતો. કરણનો આ લુક પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માની કૃતિઓથી પ્રેરિત હતો. તેણે 6 ફૂટ લાંબો હેન્ડ-પેઇન્ટેડ કેપ પહેર્યો હતો, જેને 80 કારીગરોએ 85 દિવસમાં તૈયાર કર્યો હતો.
રાજઘરાનાનો શાહી અંદાજ પણ હતો ખાસ...
ભારતીય રાજવી પરિવારે પણ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. રાજકુમારી ગૌરવી કુમારી: તેમણે મહારાણી ગાયત્રી દેવીની ગુલાબી શિફોન સાડીમાંથી બનેલું ગાઉન અને 'ધ જેમ પેલેસ'ની મોતી-માણેક જડિત જ્વેલરી પહેરી હતી. આ સિવાય મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે પણ રેડ કાર્પેટ પર ભારતીય પરંપરાને રજૂ કરી હતી.
આ સેલેબ્સનો લૂક પણ હતો જોવા લાયક...
આ ઉપરાંત, મનીષ મલ્હોત્રાએ મિનિએચર આર્ટ ધરાવતા બ્લેક આઉટફિટમાં હાજરી આપી હતી, જ્યારે અનન્યા બિરલાએ પણ આ ઈવેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકા ચોપરા કેનવાસ ડ્રેસમાં અને આલિયા ભટ્ટ પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા અને તેમનો લૂક પણ ચર્ચાનું કારણ બન્યો હતો.