Sat Mar 14 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: કરાઓકે: માઈક તમારું- સ્ટેજ તમારું ને મજા ય તમારી...

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દેવલ શાસ્ત્રી

કોરોના પછી લગભગ દર ત્રીજા ઘરમાં કેરોકે સાથે ગળું સાફ કરતા મિત્રોની પ્રજાતિ મળી આવે છે. કેરોકેમાં એવો શું જાદુ છે કે જેમાં સૂર ઉખડી ગયો હોય, મ્યુઝિકના નિયમોની નોટ્સ ભટકી ગઈ હોય, શબ્દો અધૂરા રહી જાય છતાંય મનને ગજબની મજા આવે છે ખરાબ ગાવું એ ખરેખર ખરાબ નથી પણ વ્યક્તિ શબ્દના કલરફુલ રંગમાં આઝાદી અનુભવવા લાગે છે.

સારા શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે વ્યસ્ત અને તણાવગ્રસ્ત જિંદગી સામે કેરોકેને માણતા રહેવું એ નાનકડો બળવો છે. પુરુષો માટે રોજ રોજ ઓફિસ અને મહિલાઓ માટે રૂટિન કામકાજથી મુક્તિ મેળવીને સ્વને પામવાનો માર્ગ છે, અર્થાત્ રોજની પરફેક્શનની જેલમાંથી છૂટવાનો હાઇવે બનવા લાગ્યો છે.

કેરોકેની મજેદાર મસ્તી પાછળનો ઇતિહાસ એટલો જ રસપ્રદ છે. કેરોકે એ મૂળે જાપાની શબ્દ છે, કરા એટલે ખાલી અને ઓકેસુતોરા એટલે ઓર્કેસ્ટ્રા. એનો અર્થ થાય છે કે તમારે ગાવું હોય તો આખું ઓર્કેસ્ટ્રા હાજર છે. તમારે કોઈની જરૂર નથી, તમે જ સંગીતકાર અને ગાયક બનીને સૂરોની આધ્યાત્મિક યાત્રા માણી શકો છો.

આ રીતે ગાવાની શરૂઆત 1950-60ના અમેરિકન ટીવી શોમાંથી થઈ, જ્યાં લોકો ઘરે બેઠા લિરિક્સ વાંચીને પરિવાર સાથે ગાતા પણ અસલી જાદુ જાપાનમાં થયો. 1967માં શિગેઇચી નેગિશીએ પોતાની ફેક્ટરીમાં 8-ટ્રેક ટેપ રેકોર્ડરને માઇક સાથે જોડીને પહેલું મશીન બનાવ્યું. આ મશીનનું નામ સ્પાર્કો બોક્સ આપવામાં આવ્યું. 

શિગેઇચી નેગિશીભાઈને મૂળે ગાવાના શોખીન હતા એટલે મશીન બનાવી નાખ્યું, પણ બીજાઓને આનંદ આપવાના હરખમાં પેટન્ટ ન કર્યું. 1971માં દૈસુકે ઇનોઉએએ 8-જુક મશીન બનાવ્યું, જે જાપાનના બારમાં હિટ થયું, સંગીતના શોખીન આ ભાઈસાહેબે પણ પેટન્ટ ન કર્યું, તે માનતા હતા કે સંગીતનો આ ચમત્કાર લોકોની મજા માટે છે. જો પેટન્ટ કર્યું હોત તો તેઓ આજે કરોડપતિ હોત અને કેરોકેની દરેક પાર્ટીમાં તેમનું નામ બોલાતું હોત.

એ પછી નવાં સંશોધનો થતા રહ્યા અને 1980માં લેસર ડિસ્ક અને સીડી-જી આવ્યા એટલે કેરોકે સમાજના દરેક વર્ગના લોકોના ઘરોમાં પહોંચ્યું. 1990માં અમેરિકા, યુરોપ અને એશિયા સુધી ફેલાયું અને બારમાં તેમજ પાર્ટીમાં કેરોકેએ ધમાલ મચાવી દીધી. આજે ટેકનોલોજીના પ્રતાપે જાતજાતની એપ્સ થકી ઘરે બેઠા વિશ્વભરના લોકો સાથે ગાઈ શકાય છે. 

આ શોધ કોઈ મોટા વૈજ્ઞાનિકની નથી પણ ગાવાના શોખીન લોકોની છે. મજેદાર વાત તો એ છે કે દૈસુકે ઇનોઉએને 2004માં આઈજી નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું. તેમણે પેટન્ટ ન કર્યું એટલે કરોડો ગુમાવ્યા પણ દુનિયાને તણાવમુક્ત વાતાવરણ માટે સંગીતની નજીક લાવી દીધા. કોવીડનો સમય યાદ કરો તો પનીર અને સંગીત જ સાથે રહ્યું હતું. ‘ટાઈમ’ મેગેઝિને તેમને 20મી સદીના પ્રભાવશાળી એશિયનમાં ગણ્યા. 

આખરે, કેરોકેનો ઇતિહાસ કહે છે કે શોધ ભલે નાની હતી પણ જગતમાં ખુશીઓ વહેંચી દીધી અને અસલી જીત ખુશીઓમાં જ છે.

કેરોકે પર વ્યક્તિ જયારે ગીત પ્રસ્તુત કરે છે ત્યારે મગજમાં ત્રણેય ખુશીના કેમિકલ એન્ડોર્ફિન, ડોપામાઈન અને સેરોટોનિનનો તોફાની વરસાદ થાય છે. આપણા ખાસ કરીને લોકપ્રિય હિન્દી ગીતના શબ્દો વ્યક્તિગત યાદો, પ્રેમ, દુ:ખ, નોસ્ટાલ્જિયા સાથે જોડાયેલા હોય છે. મગજ માટે એક અભ્યાસ થયો હતો જેમાં શોધવામાં આવ્યું કે એક ગીતને આપણું મગજ જયારે પ્રોસેસ કરે છે ત્યારે તે તર્જ અને શબ્દને અલગ પાડી દે છે. 

‘દમ મારો દમ’ ગાતી વેળાએ એ જયારે ‘દુનિયાને હમ કો દિયા ક્યા, દુનિયાને હમ સે લીયા ક્યા, હમ સબકી પરવા કરે કયું?’ એ સમયે તર્જ કરતાં શબ્દમાં વધુ વહેવા લાગે છે. એનો અર્થ એ થાય કે તમે કેવું ગાવ છો એ અગત્યનું નથી પણ તમે દિલની વાત કહીને હળવાશ અનુભવો છો.

સરવાળે ગીતમાં રહેલા હકારાત્મક શબ્દો ખુશીઓને વધારે છે, દુ:ખી શબ્દો મૂડને નવો ટ્વિસ્ટ આપે છે અને આક્રમક શબ્દો મગજમાં સુખ પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ લાવતા હોય છે. ગીતમાં આવતા શબ્દો દરેકને પોતાની જ વાત છે જેવી અનુભૂતિ કરાવે છે અને હા, જયારે એક મહિલા ગીત પ્રસ્તુત કરે છે ત્યારે તે વધુ ભાવુક બનીને શબ્દનું જોડાણ અનુભવતી હોય છે.

દરેકનો અવાજ સારો હોવો જરૂરી નથી. કેરોકેમાં તો ઘણીવાર બેસૂરુ ગાનાર હોય છે પણ એ શબ્દના ભાવને ઠીકઠાક રજૂ કરે છે ત્યારે તેના માટે પણ પ્રેમ અને દોસ્તીનો ધોરીમાર્ગ તૈયાર થઇ જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ તમે જયારે મિત્રો સાથે અથવા સમૂહમાં ગીત રજૂ કરો છો ત્યારે એન્ડોર્ફિન અને ઓક્સીટોસિન અંત:સ્ત્રાવના ઝરણાં વહે છે, જે તમારી સહુ સાથે નિકટતા વધારે છે. સિનેમાએ હીરો હિરોઈન હોય કે વિલનના અડ્ડા પર સાથે ગાવાના અસંખ્ય પ્રયોગ કર્યા છે. તમારા મિત્ર બેસૂરા હોય છતાં તેની સાથે ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે...’ ગાશો તો મગજના કેમિકલ કેવો જાદુ કરતા હોય છે એની અનુભૂતિ માણવા જેવી છે.

કેરોકેનો શોખ હોવો એ અલગ વાત છે પણ મજા ત્યારે જ આવે જયારે તમારી પાસે સાંભળનારા પણ હોય. જેમ ગાનાર વ્યક્તિને ઑડિયન્સ જરૂરી છે અને સાંભળનારાને પર્ફોર્મરની જરૂર હોય છે એટલે ગાનાર વ્યક્તિએ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ સંતુલન જામી જાય એટલે કેરોકે મજેદાર હસીખુશી કી શામ બની જાય છે. સુખના સંબંધની બીજી કોઈ વ્યાખ્યા શીખવાની જરૂર હોય એવું લાગતું નથી, સુખના સંબંધમાં જૂની યાદો, ભૂલી ગયેલા પ્રકરણો, આંખમાં આંસુ અને વર્તમાનનો આનંદ સિવાય કશું હોતું નથી. કેરોકેમાં સારું ગાવું જરૂરી નથી પણ મજા માણવી જરૂરી છે!

રાહ કોની જુઓ છો? આજની સાંજને કેરોકેના રંગમાં રંગી દો. માઈક હાથમાં લો, લાઇટ્સ ઝાંખી કરો અને સંગીત શરૂ કરો. આપણા ગુજરાતી ગીતોમાં ઓઢણી, ચાંદલિયો, વ્હાલમ, નયન, અફીણ, રાખનાં રમકડાં જેવા શબ્દોમાં મીઠાશ છે, એ તાજી કરો. તને જતા જોઈ પનઘટની વાટે, મેહંદી તે વાવી માળવે ને રંગ ગયો ગુજરાત રે હોય કે પછી આજનો ચાંદલિયો આ બધા ગીતો તમારી રાહ જુએ છે. સમયના દરિયામાં રહેલી ચિંતાઓ ઓગળીને એક અહેસાસ કરો કે હા, હું જ જગતનો સૌથી સુખી માણસ છું. 

ધ એન્ડ :
મૌનના અંતે કોઈ અવ્યક્ત વાતને વ્યક્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ-માર્ગ સંગીત છે. 
(એલ્ડ્સ હકસલ)