નવી દિલ્હીઃ સંસદના આ વખતનું ચોમાસું સત્ર પણ સત્તા પક્ષ અને વિપક્ષ પ્રદર્શનમાં પૂરું થશે. ગઈકાલે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગને લઈ કૉંગ્રેસે પ્રદર્શન કર્યું હતું, ત્યાં આજે ભાજપના સાંસદોએ ઝારખંડ મુદ્દે કોંગ્રેસ પર સવાલો કર્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ મુદ્દે કેમ મૌન સેવ્યું અને ઝારખંડમાં દેખાવકારો વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને લઈ જવાબ માંગીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સંસદના મકર દ્વાર પર આજે એનડીએના પ્રદર્શન દરમિયાન એક નવો નજારો મળ્યો હતો. ગુજરાત ભાજપના સાંસદ મુકેશ દલાલ સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે ત્યાં પ્રિયંકા ગાંધી પહોંચી ગયા હતા. તેમણે પ્રદર્શન કરી રહેલા સાંસદોને કંઈક કહેવા ગયો તો તેઓ જોરશોરથી રાહુલ ગાંધી જવાબ આપે તેવો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
રાહુલ ગાંધી ઝારખંડ કેમ ગયા નહીં?
જેવાં જ પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યાં, ત્યાં હાજર પત્રકારોએ તેમને સવાલ પૂછવા ઘેરી વળ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પત્રકારોનો જવાબ આપવાને બદલે આગળ વધવા લાગ્યાં હતા. બીજી તરફ મુકેશ દલાલ નારા લગાવી રહ્યા હતા. સાંસદના હાથમાં એક પ્લેકાર્ડ હતું, જેના પર લખેલું હતું – ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલી નિર્દયતા પર રાહુલ ગાંધી જવાબ આપો. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા સાંસદને પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓને મળ્યા છે. આના પર સત્તાધારી પક્ષના સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી ઝારખંડ કેમ ન ગયા?
STORY | NDA, INDIA Bloc MPs face-off outside Parliament over Jharkhand police action, Ram temple donation issues
— Press Trust of India (@PTI_News) August 11, 2026
Ruling NDA and Opposition INDIA bloc MPs came face-to-face at Parliament's main gate on Tuesday -- with security personnel forming a cordon between them -- as they… pic.twitter.com/7JoGqSGFtZ
નોંધનીય છે કે સંસદના ચોમાસુ સત્ર આ વખતે વિપક્ષના હંગામાને કારણે પ્રભાવિત થયું છે. વિપક્ષ પહેલા ગૃહમંત્રી અમિત શાહ પાસે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી પર જવાબની માંગ કરી રહ્યો હતો. આના પર સરકાર તૈયાર થઈ તો વિપક્ષે રામમંદિરમાં દાનચોરી લઈને પણ ચર્ચાની માંગ કરવા લાગ્યો હતો. હવે સત્તાધારી પક્ષ ઝારખંડમાં પેપર લીકને લઈને વિદ્યાર્થીઓના પ્રદર્શન પર આક્રમક છે. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે, ત્યાં ગઈકાલે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને આજે સત્તાધારી પક્ષ આક્રમક છે અને રાહુલ ગાંધી પાસે જવાબની માંગ કરી રહ્યો છે.
જોકે, સોમવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો ખોટું છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે અને વાટાઘાટોથી જ ઉકેલ આવી શકે છે. ઝારખંડ સરકારે આ વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ અને દરેક સમસ્યાનો તુરંત ઉકેલ લાવવો જોઈએ.
કોણ છે મુકેશ દલાલ?
મુકેશ દલાલ સુરતના સાંસદ છે. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ જાહેર થયા હતા. સુરત મહાનગરપાલીકામાં પાંચ વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા મુકેશ દલાલ 40 વર્ષ કરતાં વધુ સમયથી પક્ષ સાથે જોડાયેલા છે. મુકેશ દલાલ ભાજપમાં ઘણા બધા પદો પર સક્રિય રહ્યા છે. મુકેશ દલાલ વર્ષ 2005થી 2020 સુધી અડાજણ-પાલ-પાલનપોરમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ સિવાય તેઓ સતત પાંચ ટર્મ માટે સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા.