Mon Sep 07 2026

Logo

અયોધ્યામાં રાષ્ટ્રપતિના હસ્તે શ્રીરામ યંત્રની સ્થાપના: રામ મંદિર બનશે દિવ્ય ઉર્જાનું કેન્દ્ર

2026-03-19 11:54:00
Author: Mumbai Samachar Team
અયોધ્યામાં રાષ્ટ્રપતિના હસ્તે શ્રીરામ યંત્રની સ્થાપના: રામ મંદિર બનશે દિવ્ય ઉર્જાનું કેન્દ્ર

અયોધ્યા: હિંદુ નવવર્ષના પવિત્ર અવસરે આજે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર એક નવો આધ્યાત્મિક ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત વિશેષ ધાર્મિક વિધિમાં સહભાગી થશે. આ મુલાકાત માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ રામ મંદિરને એક શક્તિશાળી ઉર્જા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ આયોજનમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીથી અયોધ્યામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે 11 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન હતું અને ત્યાંથી સીધા મંદિર પરિસર પહોંચ્યા હતા. બપોરે 11:55 કલાકે, જ્યારે 'શુભ અભિજીત મુહૂર્ત' હશે, ત્યારે રાષ્ટ્રપતિના હસ્તે મંદિરના બીજા માળે 150 કિલોગ્રામ વજનના સુવર્ણજડિત 'શ્રીરામ યંત્ર'ની સ્થાપના કરવામાં આવશે. આ વિધિ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ગંભીરતાને જોતા શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શ્રીરામ યંત્રની સ્થાપના કર્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મૂ રામ દરબારના દર્શન કરશે. ત્યારબાદ તેઓ પરિસરમાં નવનિર્મિત મહર્ષિ વાલ્મીકિ, માતા શબરી અને નિષાદરાજ મંદિરે પણ શીશ ઝુકાવશે. આ મુલાકાતને સામાજિક સમરસતા અને દરેક વર્ગના સન્માનના સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. વધુમાં, રાષ્ટ્રપતિ મંદિર નિર્માણમાં પોતાનું લોહી-પરસેવો રેડનાર શ્રમિકો સાથે પણ સંવાદ કરી શકે છે, જે તેમના પ્રવાસનું એક સંવેદનશીલ પાસું બની રહેશે.

ધાર્મિક નિષ્ણાતોના મતે, શ્રીરામ યંત્ર ભગવાન રામની મર્યાદા અને શક્તિનું પ્રતીક છે. આ યંત્રની સ્થાપનાથી મંદિર પરિસરમાં એક વિશિષ્ટ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, જે અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલનનો અનુભવ કરાવશે. અત્યાર સુધી રામ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર હતું, પરંતુ વૈદિક અને તાંત્રિક વિધિથી સ્થાપિત આ યંત્ર બાદ હવે તે એક દિવ્ય ઉર્જા કેન્દ્ર (Energy Center) તરીકે વિશ્વભરમાં ઓળખાશે.