બોલીવૂડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિંટા (Preity Zinta) હાલ પેરિસમાં છે અને પ્રીતિ ઝિન્ટા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પેરિસનો એક અત્યંત હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે. વિદેશની ધરતી પર ભારે તાવમાં સપડાયેલી પ્રીતિ ઝિંટાની સ્થિતિ જાણીને એક સ્થાનિક પરિવારે તેમના માટે ઘરનું દેશી ભોજન બનાવીને મોકલ્યું હતું. અજાણ્યા પરિવારના આ સ્નેહ અને પંજાબી મહેમાનગતિથી અભિનેત્રી અત્યંત ભાવુક બની ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પ્રીતિ ઝિંટાની પોસ્ટ પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ટિફિન બોક્સ ખોલતાં જોવા મળે છે. ટિફિનમાં આલૂ-ગોભીનું શાક અને તેમનું સૌથી ફેવરિટ ‘કઢી-ભાત’ જોઈને પ્રીતિ અત્યંત ખુશ થઈ ગઈ હતી.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ટિફિનમાં આવેલું દેસી ફૂડ જોઈને પ્રીતિ ઝિન્ટા કહે છે કે ઓહ માય ગોડ, કઢી-ચાવલ! જ્યારે તમે બીમાર હો ત્યારે તમને માત્ર આવું દેશી કમ્ફર્ટ ફૂડ જ ભાવે છે. પેરિસના આ સૌથી પ્રેમાળ પરિવારનો ખૂબ ખૂબ આભાર. પંજાબી હોસ્પિટાલિટી દુનિયામાં બેસ્ટ કેમ ગણાય છે તેનો આ પુરાવો છે...
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રીતિ ઝિંટાએ પેરિસ સ્થિત સુપ્રસિદ્ધ ગણેશ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. સફેદ પરિધાનમાં સજ્જ પ્રીતિએ મંદિરમાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી હતી, જેની ઝલક પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રીતિ ઝિંટાએ તાજેતરમાં ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બંટવારા 1947’ દ્વારા આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે. 14મી ઓગસ્ટના રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટા સાથે સની દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે.