Fri Jul 24 2026

Logo

મહારાષ્ટ્રમાં 2011 પહેલાની ઝૂંપડપટ્ટીઓ સુરક્ષિત: સરકાર કરશે પુનર્વસન

2026-07-10 15:04:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી કે એક જાન્યુઆરી, ૨૦૧૧ પહેલા સરકારી અથવા વન જમીન પર બનેલા તમામ અનધિકૃત મકાનોનું રક્ષણ કરવામાં આવશે અને જ્યાં અધિકૃત કરવું શક્ય નથી એવા રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે.

મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે '૧ જાન્યુઆરી, ૨૦૧૧ પહેલા બનેલા ઘરમાં રહેતા કોઈપણ પાત્ર રહેવાસીને બેઘર નહીં થવા દેવાય. સરકાર બધા પાત્ર લાભાર્થીઓના પુનર્વસનની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. આવી વસાહતોનો વ્યાપક સર્વે ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને પુનર્વસન યોજના તૈયાર કરવામાં આવશે.'

આ નિર્ણય હેઠળ સરકારી, વન, સિડકો (મહારાષ્ટ્ર શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ) અને અન્ય કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સત્તાવાળી જમીન પરની ઝૂંપડપટ્ટીઓ આવરી લેવામાં આવશે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આવી ઝૂંપડપટ્ટીઓના પાત્ર રહેવાસીઓનું પુનર્વસન સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ), મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) અને અન્ય સરકારી હાઉસિંગ એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ દ્વારા કરવામાં આવશે.

સર્વેક્ષણની દેખરેખ રાખવા અને પુનર્વસનનું આયોજન તૈયાર કરવા માટે કોંકણ વિભાગીય કમિશનરની આગેવાની હેઠળ મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટરોની સભ્ય તરીકે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.