પ્રજ્ઞા વશી
‘પપ્પા, ચાલોને આપણે તમારા ગામમાં જ કાયમ માટે રહેવા જતા રહીએ,’ ત્રીજા ધોરણમાં ભણતા નાના વૈભવે આવીને રમેશભાઈને કહ્યું.
રમેશભાઈએ પૂછ્યું, ‘પણ તારે કાયમ માટે ગામ કેમ જવું છે? અહીં તો તું અંગ્રેજી માધ્યમની સુપર સ્કૂલમાં ભણે છે અને તારી સાથે તારા મોટાં ભાઈ-બહેન પણ ભણે છે. સ્કૂલ બસમાં ત્રણેય સાથે જાઓ છો, બસમાં મજા કરો છો અને સ્કૂલમાં પણ મજા કરો છો. તને કોઈ કંઈ કહે છે તારો મિત્ર કે પછી કોઈ શિક્ષક કે પછી કોઈ બીજી તકલીફ તો નથીને?’
‘અરે પપ્પા! આટલી બધી ચિંતા નહીં કરો. મને અહીં કોઈ તકલીફ નથી એટલે જ મને અહીં ગમતું નથી. પપ્પા, કાલે દાદીની રાતે મોડે સુધી અમે વાત સાંભળી કે તમે નાના હતા ત્યારે કેવાં તોફાનો કરતા, કેવો બધાનો માર ખાતા, મોડા પહોંચતાં જ સાહેબનો માર ખાતા, ઊઠકબેઠક કરતા, મુર્ગો બનતા, છતાં તમે જરાય રડતા નહીં. હસતાં હસતાં અને રમતાં રમતાં સ્કૂલેથી ઘરે આવતા. એ બધી તમારી બહાદુરીની વાત દાદીએ મને કરી હતી. એ બધુ સાંભળીને મેં દાદીને પણ કીધું કે દાદી, ચાલો આપણે ગામ જ જતાં રહીએ.’
‘પણ બેટા, તને ત્યાં નહીં ફાવે. અહીંની શાળાઓમાં કેવું સરસ ભણાવે છે.’
‘પપ્પા, સરસ ભણાવે છે, પણ મજા નથી આવતી તેનું શું? મારે તો તમારાં જેવાં તોફાન કરવાં છે. મને કોઈ ટીચર મારાં તોફાન જોઈને સજા કરે, ખીજવાય, ઊઠકબેઠક કરાવે તો લાગે કે હું ખરેખર સ્કૂલમાં ભણું છું. જે સ્કૂલમાં સજા કરવામાં નહીં આવે તેને વળી સ્કૂલ થોડી કહેવાય.’
ખરેખર નાનકડા વૈભવે સાચા અર્થમાં સ્કૂલ કોને કહેવાય તે સમજાવ્યું. રમેશભાઈએ આખી રાત પોતાનાં બાળપણને યાદ કરીને વિતાવી.
બીજે દિવસે વૈભવ ફરી સ્કૂલેથી આવતાં વેંત રમેશભાઈ પાસે જઈને બોલ્યો, ‘પપ્પા, આજે એક પણ વિષયમાં લેસન કર્યું નહોતું તો પણ મને એક પણ ટીચરે માર્યું નહીં. ઊલટાનું મારે માથે હાથ ફેરવીને કહ્યું, ‘બેટા, આજે લેસન નથી લાવ્યો તો કંઈ નહીં, પણ કાલે કરીને લાવજે. યુ આર એ ગુડ બૉય.’ ને ઉપરથી મને ક્લાસનો મૉનિટર પણ બનાવી દીધો. પપ્પા, આ મૉનિટરવાળું તો સાવ ખોટું થયું.
મને તો એમ કે મને પણ એમ જ કે પપ્પાની જેમ બે ચાર થપ્પડ મારશે... અને એક ટીચર તો મારવા હાથ લંબાવતાં જ હતાં ત્યાં બીજા ટીચરે કહ્યું, ‘કેમ? તારે આ મહિને પગાર નથી જોઈતો?’ બસ પછી તો બેઉ ટીચરે મને ચૉકલેટ આપી અને કહ્યું, ‘વૈભવ બેટા, લેસન નહીં થાય તો પણ કંઈ વાંધો નહીં. તું તારે એન્જૉય કર. એમ પણ તું તો મૉનિટર જ છે બેટા.’ પપ્પા, મને લાગે છે કે મને સજા રૂપે એમણે મૉનિટર બનાવી દીધો.’
‘જોયું? જોયું? હું ના કહેતી હતી કે વારેવારે અમારા જમાનામાં તો આમ અને અમારા જમાનામાં તો તેમ વાળી ડિંગ હાંકવી રહેવા દો અને એની જગ્યાએ આવનારા જમાનાની વૈજ્ઞાનિક વાતો કરો. પણ ના, મને તો તમે બધા મૂરખ જ સમજો છો. સાવ ફાલતું ડિગ હાંકી હાંકીને છોકરાને ના ઘરનો ના ઘાટનો કરી દીધો છે. પહેલાં તો માત્ર વેકેશનમાં જવા જ હઠ કરતો હતો. જ્યારે હવે તો તમારી એ પડું પડું થતી ચાર ઓરડાની સ્કૂલમાં ભણવા જવાની ને ગામમાં કાયમ માટે રહેવા જવાની વાત કરે છે. હવે તો તમે જાણો ને એ જાણે!
સમજ્યા...’
ચાઇલ્ડ સાયકૉલૉજીના નિષ્ણાત શિક્ષકોને મળવા રમેશભાઈએ નોકરીમાંથી રજા લીધી અને આચાર્ય તેમજ શિક્ષકો સામે વૈભવના પ્રશ્ર્નો રજૂ કર્યા. શિક્ષકોએ કહ્યું ‘અમને તો આચાર્ય કહે તેમ જ કરીએ છીએ. મારવાનું નહીં, કડક વલણ, ધાકધમકી કે ગમે તેવા શબ્દોનું પ્રયોજન કરવાનું નહીં. એ તમામ વાત ધ્યાનમાં રાખીને જ અમે ભણાવીએ છીએ. અમારે પણ એ કાયદાનો અમલ કરવો રહ્યો. નહીં તો અમારી નોકરી ચાલી જાય. સરકારી ફરમાનને તાબે થવું જ પડે. નહીંતર અમારી સ્કૂલને તાળાં લાગી જાય.’
એટલામાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનાં તોફાન વિશે કંઈક કહેવા ચાલુ મીટિંગે ઑફિસમાં આવી ચડ્યો હતો. એણે આ બધી વાતો સાંભળી અને તેનાથી ના રહેવાયું એટલે એ બોલ્યો, ‘પ્રિન્સિપાલ મૅમ, મારી પાસે એક રસ્તો છે. તમે કહો તો હું કંઈ કહું.’
અદબ વાળીને ઊભેલો વિદ્યાર્થી પહેલાં મૉનિટર જ હતો. ‘હા, બોલ બેટા, ગભરાયા વિના બોલ.’ એ સાથે જ એ બોલ્યો, ‘ગીતામાં કહ્યું છે કે જીવનમાં મધ્યમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. તો પછી સરકાર કહે તે અને ટીચરનું મન કહે એ બંને વચ્ચે એક વચલો રસ્તો (મધ્યમ માર્ગ) હોય છે.’
‘એટલે બેટા?’
‘એટલે એમ કે સરકાર એની રીતે સાચી છે. ગમે તેમ માર મારનારા સામે લાલબત્તી કરવી એ એમની ફરજ છે, પણ બાળકોને ગમે એવી સજા તો શિક્ષકો કરી જ શકેને. અમારા વર્ગમાં નવો મૉનિટર વૈભવ એના ડૅડીના ગામની સ્કૂલની વાત કરે છે.
એમાં શિક્ષકો કેવી સરસ સજા કરતા! બસ એવી જ હળવી સજાની સજા ને શારીરિક કામનું કામ અથવા કલાત્મક માનસિક કામ અમને આપો સજારૂપે ક્યારેક બાળકને ટીચર કે એક દિવસ પૂરતા પ્યૂન બનાવી દેવાના,, અહાહાહા... સજાની સજા ને મજાની મજા! ’
‘હા બેટા, આ પ્રયોગ કરવા જેવો છે. શુભસ્ય શીઘ્રમ્ પહેલો પ્રયોગ વૈભવના વર્ગથી કરીશું. બધાને મંજૂર?’
‘હા, મંજૂર.’
‘સજારૂપે વૈભવના આખા વર્ગની પહેલી પિકનિક રમેશભાઈના ગામની સ્કૂલની વિઝિટ. મંજૂર છે બધાને?’
આ સાંભળીને રમેશભાઈ બોલી ઊઠ્યા : ‘મૅમ, હવે મારે પણ કોઈ ફરિયાદ નથી. બાકી મને પણ વૈભવ જેવી જ ફરિયાદ હતી કે અમને મજા પડે એવી સજા કરો.’