પ્રજ્ઞા વશી
થોડા દિવસ થાય કે મોહનભાઈ પ્રવાસ જવા માટેની યોજના રમાબહેન સામે મૂકે અને રમાબહેન આંખ આડા કાન કરે. મોહનભાઈ શહેરનો તમામ પ્રવાસ કરવો જ છે એમ નક્કી કરે પછી ખલાસ! ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઑફિસનાં પગથિયાં અને મેનેજરના હાડને હલાવી નાખે.
મેનેજરને એટલા પ્રશ્નો પૂછે કે મેનેજર: ‘હમણાં આવ્યો... ’ એમ કહીને ઑફિસમાંથી સીધો ઘર ભેગો થઈ જાય અને જતી વખતે મોહનભાઈને જવાબ આપવા રૂપાળી સેક્રેટરીને એમની સામે બેસાડી જાય. એ પછી થોડી વાર હસી હસીને જવાબ આપતી સેક્રેટરીની ધીરજ અને જવાબ આપવાની હિંમત પણ અંદરથી પોકારી પોકારીને કહેતી : ‘આને હવે કોઈ કાઢે તો સારું... ’
આખરે કંટાળી હારીને બોસને ફોન કરતી હોય એમ મોબાઇલ ઉપર ‘શું સર? તમારે હવે પરદેશ જવાનું આવ્યું છે એટલે ભારત દર્શન ટૂર બંધ કરી દીધી છે? માત્ર પરદેશની ટૂર જ ઉપાડશો? હા, તો મોહનભાઈને કહી દઉં છું.’ સેક્રેટરીને એમ હતું કે પરદેશની ટૂરના એક જણના ત્રણ લાખ કહીશ એટલે મોહનભાઈ ઊઠીને ચાલતા થશે .... પણ મોહનભાઈને યાદ આવ્યું કે પત્ની રમાએ કહ્યું હતું : ‘રોજ ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક તમારે બહાર પસાર કરીને બપોરે એક વાગ્યે જ જમવા ઘરે આવવું.’
હજી એક વાગવામાં એક કલાક બાકી હોવાથી મોહનભાઈએ પેલી સેક્રેટરી સાથે ગહન ચર્ચા ચાલુ કરી : ‘હાં તો તો મિસ, મારે એમ કહેવું છે કે...’
‘હું મિસ નથી. મિસિસ મેનકા મારું નામ છે.’
‘ઓકે તો મેનકાજી, દેશમાં તો એમ પણ અમે બહુ ફર્યાં છીએ. હવે મને પણ પરદેશ ખેડવાનું મન થયું છે. હા, તો તમારા પરદેશના પેકેજ વિશે ગહન માહિતી આપશો?’
(મેનકા વિચારતી હતી કે આ માથાભારે પેકેજને અહીંથી કઈ રીતે ઑફિસની બહાર કાઢું.)
‘એક વાત કહું મિસિસ મેનકા? આપ ખરેખર ધરતી ઉપરની મેનકા છો. તમને જોયાં બાદ આપોઆપ ચાર ધામ થઈ જાય અને પરદેશ પણ ખેડાઈ જાય તે નફામાં.’
‘તો મિસ્ટર મોહન, તમે ચાર ધામ વત્તા પરદેશ ખેડી લીધા હોય (અને એ પણ મફત) તો પ્રવાસના પૈસા નાહક ના બગાડો. એનાં કરતાં નિરાંતે ઘરે જઈ આરામ કરો.’
માંડ માંડ બોસથી છૂટેલી મેનકા મોહનભાઈથી કંટાળી હતી.
‘મેનકાજી, મેં સાંભળ્યું છે કે વિમાનમાં પણ એક એકથી ચડિયાતી મેનકાઓ ઉર્ફે ઍરહોસ્ટેસ હોય છે અને એ આપણે સ્વીચ દબાવીએ એટલે દોડતી પાણી, ચા-કોફી, નાસ્તો લઈને આવે છે.’
‘મિસ્ટર મોહન, તમે કયા જમાનામાં જીવો છો? હવે તો પ્લેનમાં નાસ્તા-પાણી આપવાનાં બંધ કર્યાં છે. જો જોઈતાં હોય તો દસ ગણા ભાવ ચૂકવીને લેવાં પડે અને હવે ઍરહોસ્ટેસને મેનકા સાથે સરખાવીને મેનકાની અપ્સરા (મારા જેવી રૂપાળી) નાં રૂપને ઝાંખું ન કરો. કદાચ તમારી મિસિસ એમનાં કરતાં વધારે સુંદર હશે. એટલે તમે દિવાસ્વપ્ન જોવાનાં બંધ કરીને તમારી પત્ની સાથે કિંમતી સમય પસાર કરો.’
(એમ જ કરવાનો હોત તો બે-ત્રણ કલાક અહીંયા શા માટે પસાર કરું. મૂરખ સમજે છે શું?)
‘મેનકાજી, ક્યાં ઘરનો ચાંદ અને ક્યાં આકાશનો ચાંદ! મેં યુરોપની સુંદરીઓના ફોટા અને ઍરહોસ્ટેસના ફોટા જોયા છે. તમે મને યુરોપની ટૂરના પેકેજ અને ફોટોગ્રાફ બતલાવો. જેથી એકવાર ન જવાય તો પણ ફોટા જોઈને ધન્ય તો થવાય જ ને? અને હા, યુરોપની ટૂરમાં તમે મેનેજર તરીકે અમારી સાથે જરૂર આવજો. આજની મારી સાથેની બેઠક પછી તમને મારો મળતાવડો સ્વભાવ ગમી ગયો હશે. ખરું ને?’
(એમની પત્નીએ ધક્કો મારીને ઘરેથી કાઢ્યો લાગે છે!)
એટલામાં બોસનો ફોન આવ્યો: ‘ હેલો સર... તમે ઑફિસમાં ક્યારે આવો છો? ... જી,,જી પેલા મિસ્ટર હજી અહીં જ છે.’
‘તું એક કામ કર. લંચ ટાઇમ બોલીને ઊભી થઈ જા અને કહી દે કે બપોરે બે કલાક માટે ઑફિસ બંધ રહે છે.’
બોસનું આ ફરમાન સાંભળીને મેનકાએ લંચ ટાઇમ બ્રેક એલાન કર્યું, તેવું જ મિસ્ટર મોહને કહ્યું : ‘મિસિસ મેનકા, આજે તમને લંચ મારા તરફથી તમારી ઑફિસની બાજુની હોટલમાં. પ્લીઝ... ના નહીં કહેતાં.!’
‘આ ચિટકુને કઈ રીતે ઉખેડવો’ના વિચારમાં મેનકાએ ખાલીખાલી ફોન ઉપર નંબર ડાયલ કરી પોતાના હસબન્ડ સાથે વાત કરતી હોય એમ...
‘શું તું મને લેવા આવે છે, ડાર્લિંગ? આપણે સાથે જમવા જવાનું છે? ઓકે... ઓકે... હું હમણાં જ ઑફિસ બંધ કરીને આવું છું. ઓકે. ટેક્સી લઈને જ આવું છું.’
‘શું મેનકાજી, તમે ટેક્સીમાં જવાનાં? ક્યાં જવાનાં? કોની સાથે? એક કામ કરો. હું તમને જ્યાં કહો ત્યાં ઉતારી દઈશ. ના નહીં કહેતાં.’
‘મિસ્ટર મોહન, પ્લીઝ... માઇન્ડ યોર બિઝનેસ. પ્લીઝ, તમે તમારા ઘર ભેગા થાવ. અને હા, અમે બધા જ પ્રવાસ બંધ કરી દીધા છે અને આ ઑફિસ પણ. સમજ્યા?’
‘મારે શું? સારા માણસનો જમાનો જ ક્યાં રહ્યો છે બાકી મહિલાઓને મદદ કરવા અમારા જેવા કેટલા તૈયાર ઊભા છે! પણ મહિલા ગાંઠે જ ક્યાં છે... ઘરની તો ઘરની ને બહારની પણ... ક્યાં હાથ આવે છે ભલા!...’ એવું ગણગણતા મિસ્ટર મોહન રવાના થયા...