સુખનો પાસવર્ડ - આશુ પટેલ
ઇંગ્લેન્ડના નોટિંગહામનો એક વૃદ્ધ વિલિયમ એક શૂઝ ફેક્ટરીમાં નોકરી કરીને નિવૃત્ત થયો હતો. નોકરી કરતો હતો ત્યાં સુધી તો તેની જિંદગી સારી રીતે પસાર થઈ, પરંતુ તે કોઈક કારણોથી બચત કરી શક્યો નહોતો એટલે નિવૃત્તિ પછી તેની હાલત ખરાબ થઈ ગઈ.
અધુરામાં પૂરું હોય એમ તેની માતા મૃત્યુ પામી એને કારણે તે એકલવાયો બની ગયો- હતાશામાં સરી પડ્યો. એમ છતાં તે ખુદ્દાર હતો એટલે તેણે સરકારી સહાય ન લીધી. પછી એક તબક્કે એવા દિવસો આવ્યા કે ઘણી વખત તો એક વખત ખાવાનું પણ મુશ્કેલ થઈ ગયું. કડકડતી ઠંડીમાં તેની પાસે પહેરવા માટે ગરમ કપડાં પણ નહોતા. આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે તે ઘણીવાર ભૂખ્યો સૂઈ રહેતો હતો. સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે વિચાર્યું કે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો કાઢવો પડશે.
બહુ વિચાર્યા પછી તેણે પોતાના ઘરની બહાર એક અપીલ મૂકવાનું નક્કી કર્યું. તેણે ઘરની બહાર મોટા અક્ષરે અપીલ લખી દીધી: ‘મારી પાસે કશું જ નથી, મારી પાસે ખાવા માટે પણ પૈસા નથી, ઘરમાં ખાવા માટેની અને ખોરાક બનાવવા માટેની વસ્તુઓ પણ નથી, મારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી પણ નથી. એટલે હું તમને અપીલ કરું છું કે મને તમે મદદ કરો. મને મદદ કરનારાઓનો હું ઋણી રહીશ.’
વિલિયમની એ નોટિસ સૌપ્રથમ તેના યુવાન પાડોશી એવા બિઝનેસમેન ક્રેગ ક્રોફર્ડના ધ્યાનમાં આવી. ક્રેગ જઈને વિલિયમને મળ્યો ત્યારે તેના ઘરમાં બહાર કરતાં પણ વધુ ઠંડક હતી. કડકડતી ઠંડીથી બચવા માટે તેના ઘરમાં ઈલેક્ટ્રીસિટી કે હીટર પણ નહોતાં. તે પોતાનો એક માત્ર કોટ તથા મોજાં અને હેટ પહેરીને બેઠો હતો. તેણે ચાર દિવસથી એક પણ ટંક સરખું ભોજન કર્યું નહોતું. માત્ર થોડા બિસ્કિટ ખાઈને ટકી રહ્યો હતો. ખોરાક મેળવવા માટે તેણે ધીમે-ધીમે પોતાના ઘરનું ફર્નિચર અને ઘરમાં અત્યંત જરૂરી હોય એવી વસ્તુઓ પણ વેચી દીધી હતી.
વિલિયમની આર્થિક, શારીરિક અને માનસિક સ્થિતિ જોઈને ક્રેગે નોંધ્યું કે જો હજુ આ રીતે થોડા દિવસ વિલિયમને મદદ નહીં મળે તો તે મૃત્યુ પામશે. ક્રેગે એ વખતે તો તેને પોતાના તરફથી થોડીક મદદ કરી જ, પણ પછી તેણે વિલિયમને મદદ કરવા માટે લોકોની સહાય લેવાનું નક્કી કર્યું.
ક્રેગ દર વર્ષે એક ક્રિસમસ કેમ્પેન ચલાવે છે. જેમાં તે લોકો પાસેથી ખોરાક, રમકડાં, ફર્નિચર અને બીજી વસ્તુઓનું દાન માગે છે. તેણે એ રીતે વિલિયમ માટે વસ્તુઓ આપવાની પાડોશી લોકોને અપીલ કરી. ઘણા લોકો વિલિયમની મદદ માટે આગળ આવ્યા. તેમણે વિલિયમને ખોરાક માટેની ઘણી વસ્તુઓ પણ આપી. ઘરમાં ઉપયોગી એવી ઘણી વસ્તુઓ પણ આપી અને આર્થિક મદદ પણ કરી.
એ ઉપરાંત ક્રેગ ક્રોફર્ડે ‘ફેસબુક’ પર પોસ્ટ મૂકી કે વિલિયમ નામના એક માણસની સ્થિતિ બહુ ખરાબ છે. તેને ઉદાર રીતે મદદ કરો. તેની એ પોસ્ટ થકી વિલિયમને 2500 પાઉન્ડથી વધુ (ભારતીય કરન્સીમાં ગણીએ તો અઢી લાખ રૂપિયાથી વધુ) રકમનું દાન મળ્યું.
દરેક માણસે ક્રેગ ક્રોફર્ડ જેવા પરોપકારી બનવું જોઈએ. શક્ય હોય એ રીતે જરૂરતમંદ માણસોની મદદ કરવી જોઈએ. ક્રેગની જેમ વિલિયમના બીજા પડોશીઓએ પણ વિલિયમના દરવાજે લખાયેલી અપીલ વાંચી હશે, પણ તેમણે આંખ આડા કાન કર્યા હશે, પણ એ અપીલ વાંચીને ક્રેગનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેણે વિલિયમને મદદ કરવાનો નિશ્ર્ચય કર્યો હતો.
કોઈ વ્યક્તિ ગરીબ વ્યક્તિની મદદે જાય તો એ મંદિર - મસ્જિદ - ચર્ચમાં જવા કરતાં મોટું પુણ્યનું કામ છે. પોતાના માટે તો મોટા ભાગના માણસો જીવતા હોય છે, પણ બીજા માણસો માટે કશુંક કરવાની ભાવના રાખવી જોઈએ. બીજા લોકો માટે કશુંક કરી છૂટવા તત્પર રહેતા લોકોનું જીવન સાર્થક ગણાય.