Sat Sep 05 2026

Logo

પોરબંદરમાં વાંસજાળીયા-રાણાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર ઊંટ ફસાતા 2 ટ્રેન રદ અને 4 લેઇટ થઈ

2026-08-27 18:22:00
Author: Devayat Khatana
પોરબંદરમાં વાંસજાળીયા-રાણાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર ઊંટ ફસાતા 2 ટ્રેન રદ અને 4 લેઇટ થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
પોરબંદરમાં વાંસજાળીયા અને રાણાવાવ સેક્શન વચ્ચે આવેલા રેલવે પુલ પર ટ્રેકમાં એક ઊંટ ફસાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. ગુરુવારે વહેલી સવારે 4:45 વાગ્યાના સુમારે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઇલટે ટ્રેક પર ઊંટને જોતાં જ ભારે સમયસૂચકતા વાપરીને ટ્રેનને સમયસર રોકી લીધી હતી. લોકો પાઇલટની આ સતર્કતાને કારણે એક દુર્ઘટના ટળી હતી. જોકે, ટ્રેક જામ થઈ જવાના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો, જેની અસર હજારો મુસાફરોને થઈ હતી અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. દોરડા અને પટ્ટા બાંધીને જેસીબી મશીનની મદદથી ઊંટને સુરક્ષિત રીતે ઊંચકીને ટ્રેક પરથી બહાર કાઢવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે આ બચાવ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી ઊંટને સુરક્ષિત બચાવી લેવાયું હતું અને લોકો પાઇલટની ત્વરિત કાર્યવાહીથી સંભવિત દુર્ઘટના ટાળી શકાઈ હતી. ઊંટના સુરક્ષિત રેસ્ક્યૂ બાદ રેલ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે રેલવે ટ્રાફિક પર માઠી અસર પડી હતી, જેમાં કુલ 2 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 4  ટ્રેનો મોડી પડી હોવાનું જાણવા મળ્યું હતું . રદ થયેલી ટ્રેનોમાં પોરબંદર-ભાણવડ દૈનિક પેસેન્જર અને ભાણવડ-પોરબંદર દૈનિક પેસેન્જરનો સમાવેશ થાય છે.

જ્યારે લેઇટ થયેલી ટ્રેનોમાં દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અંદાજે સાડા ચાર કલાક, પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ અંદાજે સવા ત્રણ કલાક, પોરબંદર-ભાવનગર પેસેન્જર અંદાજે પોણા ત્રણ કલાક અને પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અંદાજે પોણા કલાક મોડી દોડી હોવાનું જાણવા મળ્યું હતું, જો કે આ અંગે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.