Fri Sep 11 2026

Logo

ભાંડુપમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટના કેસમાં ફરાર આરોપી 29 વર્ષ બાદ ઝડપાયો

2026-08-24 19:42:05
Author: Yogesh D. Patel
ભાંડુપમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટના કેસમાં ફરાર આરોપી 29 વર્ષ બાદ ઝડપાયો

મુંબઈ: ભાંડુપમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટના કેસમાં ફરાર આરોપીને પોલીસે 29 વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રવીન્દ્ર ઉર્ફે પાપલેટ એકનાથ વિચારે (61) તરીકે થઇ હતી, જે સાતારા જિલ્લાનો રહેવાસી છે.આરોપી રવીન્દ્ર એકનાથ વિચારે વિરુદ્ધ ભાંડુપ પોલીસ સ્ટેશનમાં 1989માં લૂંટ, 1990માં હત્યા અને 1991માં હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ હતો. ત્રણેય કેસમાં સેશન્સ કોર્ટે તેને ફરાર ઘોષિત કર્યો હતો અને તેની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જારી કર્યું હતું.

ભાંડુપ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાની તપાસ અને આરોપીની શોધ ચલાવવામાં આવી રહી હતી. આરોપી પોતાનાં ઠેકાણાં બદલી રહ્યો હોવાથી તે પોલીસને મળી આવતો નહોતો. જોકે તાજેતરમાં પોલીસને આરોપી વિશે માહિતી મળી હતી.દરમિયાન પોલીસ ટીમે આરોપીના દૂરના સંબંધીઓની પૂછપરછ કરી હતી, જેમાં મળેલી માહિતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી સાતારામાં નામ બદલીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસની ટીમ સાતારા રવાના થઇ હતી અને નાગઠાણેથી તેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં આરોપીએ ત્રણેય ગુનાની કબૂલાત કરી હતી. આરોપીને સેશન્સ કોર્ટમાં હાજર કરાતાં તેને અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.