રાજકોટ: રાજકોટ શહેરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિનો રાજકોટ શહેર SOG અને DCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શ્યામ હિરણ પાર્ક વિસ્તારમાં દરોડો પાડી બનાવટી નોટો બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીના રહેણાંક મકાનમાંથી બનાવટી નોટો ઉપરાંત પ્રિન્ટર, સ્કેનર, CPU સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, DCP ક્રાઈમ જગદીશ બાંગરવા અને ACP ક્રાઈમ ભરત બી. બસિયાના માર્ગદર્શન હેઠળ SOG અને DCBની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમીના આધારે દરોડો
પોલીસને મળેલી બાતમીના આધારે તા. 28 સપ્ટેમ્બર 2026ના રોજ રાજકોટ શહેરના શ્યામ હિરણ પાર્ક, શેરી નંબર-3, હિંગળાજ પ્રોવિઝન સ્ટોર સામે સાતાર મકાનની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે કિશન ભૂપેન્દ્રભાઈ સોલંકી, ઉંમર 30 વર્ષ, રહે. શ્યામ હિરણ પાર્ક, શેરી નં.3, હિંગળાજ પ્રોવિઝન સ્ટોર સામે, નડાડુંગર, ભાવનગર રોડ, રાજકોટને ઝડપી પાડ્યો હતો.
100 રૂપિયાની 216 અને 500ની 3 બનાવટી નોટો મળી
પોલીસે આરોપીના કબજામાંથી ભારતીય ચલણની રૂ.100ના દરની 216 બનાવટી નોટો તથા રૂ.500ના દરની 3 બનાવટી નોટો મળી કુલ 219 બનાવટી નોટો કબજે કરી હતી.
આ ઉપરાંત પોલીસે બનાવટી નોટો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું હોવાનું જણાવાયેલું કોમ્પ્યુટર સાધન અને અન્ય સામગ્રી પણ કબજે કરી છે.
પ્રિન્ટર-સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી IVOOMI કંપનીનું CPU, મોનિટર, Canon કંપનીનું પ્રિન્ટર-સ્કેનર, HP કંપનીનું પ્રિન્ટર, લેમિનેટર હીટર મશીન, બટર પેપર તથા રૂ.100ની નોટની પ્રિન્ટવાળા કાગળો કબજે કર્યા છે. આ ઉપરાંત એક આધારકાર્ડ અને Apple કંપનીનો મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે કબજે કરેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.65,500 હોવાનું જણાવાયું છે.
આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયા
પોલીસ તપાસમાં આરોપી કિશન સોલંકી વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનો તેમજ રાજકોટ શહેર A-Division પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. બનાવટી નોટો ક્યાં અને કોના મારફતે ચલાવવાની હતી તેમજ આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.