Sun Jul 12 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ પીઓકેમાં સશસ્ત્ર બળવો થાય તો પાકિસ્તાનને ભોં ભારે પડી જાય

2026-07-09 08:36:33
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે રસ્તા પર ઊતરેલાં લોકોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખોરાક, વીજળી અને મૂળભૂત જરૂરીયાતોની માગ સાથે શરૂ થયેલા આંદોલનમાં લોકો હવે પાકિસ્તાનથી મુક્તિ માગી રહ્યા છે. કાશ્મીરની પ્રજા પોતાનો અધિકાર માગી રહી છે ત્યારે પાકિસ્તાનની સરકાર તેમને આતંકવાદી જાહેર કરીને તેમના પર પાશવી અત્યાચારો ગુજારી રહી છે. 

એક તરફ પાકિસ્તાનની સરકારે આર્થિક નાકાબંધી કરીને કાશ્મીરીઓને મળતી અનાજ સહિતની ચીજો બંધ કરી દીધી છે ત્યારે બીજી તરફ જનાક્રોશને દબાવી દેવા માટે લશ્કરને છૂટો દોર આપી દીધો છે. કાશ્મીરની જનતા આ અત્યાચારો સામે અડીખમ બનીને લડી રહી છે પણ લશ્કરના અત્યાચારો સામે ક્યાં સુધી ઝીંક ઝીલશે એ સવાલ છે ત્યારે એક રસપ્રદ ઘટના બની છે.

પીઓકેની જનતાના અવાજને બુલંદ બનાવવા માટે લોકોના પ્રતિનિધીઓની જોઇન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) બનાવાઈ છે. આ જેએએસીના નેતા સરદાર અમન ખાને ભારતને દરમિયાનગીરી કરવા માટે સીધી અપીલ કરી છે. અત્યારે પીઓકેના જનાક્રોશનું કેન્દ્ર રાવલકોટનું ઈદગાહ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં મળેલી જંગી જાહેર સભાને સંબોધતાં સરદાર અમન ખાને ભારતને માનવીય સહાય મોકલવા અને નિયંત્રણ રેખા (એલઓસી) પર સરહદ ખોલવા હાકલ કરી છે. અમન ખાને કહ્યું કે, પીઓકેમાં રાશનની અછત છે અને પાકિસ્તાન અત્યાચારો કરી રહ્યું છે તેથી અમને ભારતની મદદની જરૂર છે.

સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં અમન ખાન કહે છે કે, પાકિસ્તાન આર્મીએ પીઓકેના લોકોના અવાજને દબાવવા માટે માઝા મૂકી છે એ આર્થિક નાકાબંધી કરી છે તેથી પીઓકેના રહેવાસીઓ ખોરાક અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. લોકો ભૂખથી અને દવા વિના તરફડીને મરી રહ્યા છે એ જોતાં ભારત અમારી વહારે આવે. ભારતે સરહદ પણ ખોલવી જોઈએ કે જેથી પરિસ્થિતિ વધુ બગડે તો પીઓકેનાં લોકો પાસે ભારતમાં સ્થળાંતર કરવાનો વિકલ્પ હોય. સરદાર અમન ખાને હાજર હજારો લોકોને વારંવાર સવાલ પણ કર્યો કે, આપણે નિયંત્રણ રેખા તરફ આગળ વધવું જોઈએ? લોકોએ આ સવાલનો જવાબ ‘હા’માં આપ્યો છે.

સરદાર અમન ખાને બીજી ચીમકી પણ આપી છે કે, પાકિસ્તાન અમને આતંકવાદી ગણાવીને ગોળીઓ મારી રહ્યું છે પણ પીઓકેનાં લોકો લાંબો સમય ચૂપ નહીં રહે. અમારી પાસે પણ બીજા વિકલ્પો છે ને પાકિસ્તાન અત્યાચારો બંધ નહીં કરે તો અમારે એ રસ્તે જવું પડશે. મતલબ કે, પીઓકેની પ્રજા પણ પાકિસ્તાન આર્મી સામે હથિયારો ઉઠાવી શકે છે. 

અમન ખાનની હાકલ અને લોકોનો જવાબ જોતાં લાગે છે કે, પીઓકેમાં સ્થિતિ હજુ વધારે ખરાબ થશે. અત્યારે જ પીઓકેમાં લાખો લોકો રસ્તા પર આવી ગયા છે. પાકિસ્તાની લશ્કરે તેમને ડરાવીને પાછા ઘરોમાં પુરાઈ જવાની મથામણમાં કોઈ કસર છોડી નથી પણ લોકો ડર્યા વિના રસ્તા પર જ અડીખમ છે. પાકિસ્તાનનું આર્મી ગોળીઓ છોડી રહ્યું છે તેમાં લોકો મરી રહ્યા છે, લાઠીઓ વરસાવે છે તેમાં લોકોનાં હાડકાં તૂટી રહ્યાં છે છતાં લોકોનો જુસ્સો તૂટી નથી રહ્યો. આ બુલંદ જુસ્સા સાથે લડી રહેલા લાખો લોકો કાલે નિયંત્રણ રેખા તરફ આગળ વધવાનું નક્કી કરે તો શું થાય એ સમજવાની જરૂર છે.

સૌથી પહેલાં તો લોકોને રોકવા માટે પાકિસ્તાન આર્મી પૂરી તાકાત લગાવી દે તેથી પીઓકેમાં જ આંતરિક વિગ્રહ ફાટી નીકળે. અમન ખાને કહ્યું છે તેમ પીઓકેની પ્રજા હથિયારો ઉઠાવે તો પાકિસ્તાનના સૈનિકો પણ આ વિગ્રહમાં મરે ને મોટો રક્તપાત થઈ જાય. સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન આર્મી બધા દેખાવકારોને તો ના જ રોકી શકે ને તેમાંથી થોડાક હજાર લોકો પણ નિયંત્રણ રેખાની નજીક પહોંચી જાય તો સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની જાય. 

અત્યારે રાવલકોટ પીઓકેની પ્રજાના જનાક્રોશનું કેન્દ્ર છે. રાવલકોટ એલઓસીથી માત્ર 46 કિલોમીટર દૂર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પૂંચથી રાવલકોટ વચ્ચે બસસેવા ચાલતી હતી તેથી એકદમ પાકો રોડ બનેલો છે. આ કારણે લોકો માટે નિયંત્રણ રેખા સુધી પહોંચવું મુશ્કેલ નથી. નિયંત્રણ રેખા સુધી પહોંચેલા લોકોને રોકવા માટે પાકિસ્તાન આર્મી પૂરી તાકાત લગાવી દે તેથી નિયંત્રણ રેખા પર જ પીઓકેનાં લોકો અને પાકિસ્તાન આર્મી વચ્ચે જંગ છેડાઈ જાય.

આ જંગમાં સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન આર્મીનો હાથ ઉપર રહે કેમ કે પાકિસ્તાન આર્મી વ્યૂહાત્મક સ્થળો પર ગોઠવાયેલી છે અને તેની પાસે અમર્યાદિત દારૂગોળો છે. દેખાવકારોને રોકવા આર્મી ગોળી પણ મારી શકે ને તોપના ગોળા પણ છોડી શકે. વાહનોમાં આવતાં લોકોને ઉડાવવા મિસાઈલ પણ ફેંકી શકે ને આર્મીનાં હેલિકોપ્ટર્સમાંથી બૉમ્બ પણ વરસાવી શકે. આવી સ્થિતિ પેદા થશે જ એવું છાતી ઠોકીને ના કહી શકાય પણ પીઓકેમાં ભીષણ ઘર્ષણ નક્કી છે.

કોઈ પણ જગાએ લોકો મરે એ સારું ના કહેવાય એ જોતાં પીઓકેમાં પણ લોકો મરે એવી આશા રાખતા નથી પણ આપણી શુભ ભાવનાથી કશું રોકાવાનું નથી. પીઓકેને પોતાની સાથે જોડાયેલું રાખવા માટે પાકિસ્તાન મરણિયું બન્યું છે તેથી પીઓકેનાં લોકો આમ પણ ગોળીઓ ખાઈને મરી જ રહ્યા છે. ઘર્ષણ તીવ્ર બને તો થોડાક વધારે લોકો મરે પણ પીઓકેને પાકિસ્તાનથી અલગ કરીને કાયમ માટે શાંતિ સ્થાપવાની એક તક આવી જાય એ પણ વાસ્તવિકતા છે.

પીઓકેની અત્યારની સ્થિતિ 1971 પહેલાંના બાંગ્લાદેશ જેવી છે. બાંગ્લાદેશમાં લોકોના અવાજને દબાવી દેવા પાકિસ્તાને આ રીતે જ અત્યાચારો શરૂ કરતાં બાંગ્લાદેશની પ્રજાએ હથિયારો ઉઠાવી લીધેલાં. શેખ મુજીબુર રહેમાનની હાકલને વધાવીને મુક્તિબાહિનીની રચના કરાઈ અને આ મુક્તિબાહિનીને મદદ કરીને ઈન્દિરા ગાંધીની સરકારે પાકિસ્તાનને ભારત પર આક્રમણ કરવા મજબૂર કર્યું. ભારત પાકિસ્તાનને ભરી પીવા તૈયાર બેઠેલું તેથી પાકિસ્તાને આક્રમણ કર્યું કે તરત વળતો પ્રહાર કરીને આપણે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા. પીઓકેમાં અત્યારે એવી જ સ્થિતિ છે એ જોતાં યોગ્ય સમયે ઘા મારીને ભારત પીઓકેને આંચકી લઈ શકે છે. 

ભારતે સરદાર અમન ખાનની હાકલ સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી. એ સ્વાભાવિક પણ છે કેમ કે આપણી વ્યૂહરચના જાહેર કરવાની ના હોય ને બહુ બકબક ના કરવાનું હોય. અત્યારે પીઓકેમાં ઊડકેલો જનાક્રોશ કે સરદાર અમન ખાનની હાકલ પણ મોદી સરકારની વ્યૂહકચનાનો ભાગ હોય એવું બને. એવું હોય તો મોદી સરકાર સાચી દિશામાં જઈ રહી છે. આ મુદ્દે અત્યારે કોઈ પણ પ્રકારની ચર્ચા રાષ્ટ્રના હિતમાં નથી તેથી આ વિષયને છોડીએ પણ સાથે સાથે આશા રાખીએ કે, પીઓકેની પ્રજાનો સંઘર્ષ ફળે અને પીઓકેની પ્રજા પાકિસ્તાન આર્મીને ભગાડીને ભારત સાથે જોડાય. પીઓકે ભારતનો જ વિસ્તાર છે તેથી પીઓકેનાં લોકોની તકલીફોને નિવારવામાં ભારત કોઈ કસર નહીં છોડે.