Mon Aug 24 2026

Logo

PM મોદી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, આપશે મોટી ભેટ

2026-02-25 11:51:00
Author: Mayur Patel
PM મોદી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, આપશે મોટી ભેટ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 28 ફેબ્રુઆરીએ સાણંદમાં પ્રથમ સ્વદેશી ચીપ દેશને સમર્પિત કરશે. સાણંદ ખાતેના સેમિકન્ડકટર પ્લાન્ટની રૂબરુ મુલાકાત લેશે.

વડા પ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન વેગ પકડી રહ્યું છે. સાણંદમાં કાર્યરત આ પ્લાન્ટમાં તૈયાર થયેલી પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડકટર ચિપને પીએમ મોદી દેશને સમર્પિત કરશે. આ ચિપનું ઉત્પાદન થવાથી ભારતની વિદેશી આયાત પરથી નિર્ભરતા ઘટશે અને ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે.

સાણંદ ખાતે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને રાજ્યને નવી વિકાસની ભેટ આપશે.આ યુનિટ શરૂ થવાથી ગુજરાત ગ્લોબલ સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી આવશે અને હજારો લોકોને રોજગારીની તકો પણ મળશે. વડા પ્રધાનની મુલાકાતને લઈ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. નિર્ધારીત કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 28 ફેબ્રુઆરીએ બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

એરપોર્ટ પર તેમના સ્વાગત માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાણંદમાં મુખ્ય કાર્યક્રમ બાદ વડા પ્રધાન અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરી શકે છે.  

PM મોદીની ગુજરાત મુલાકાત ખાસ કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ભાજપની ચૂંટણીની તૈયારીઓ, સંગઠન કેટલું મજબૂત છે અને ક્યાં સુધારો જરૂરી છે, આ તમામ મુદ્દે PM સ્વયં સમીક્ષા કરશે.

આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી,2026થી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવ્યા હતા. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. જે બાદ રાજકોટમાં  રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત અમદાવાદમાં  જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.