મેરઠ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) વિપક્ષી પાર્ટી પર જોરદાર નિશાન સાધીને તત્કાલીન સરકારના કૌભાંડ મુદ્દે પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. એની સાથે વડા પ્રધાન મોદીએ એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શર્ટલેસ પ્રદર્શનની ટીકા કહ્યું કે કોંગ્રેસે તમામ હદો પાર કરીને વૈશ્વિક ગ્લોબલ આયોજનને પોતાના ગંદા અને નગ્ન રાજકારણ માટે અખાડામાં ફેરવી દીધું, જેનાથી વૈશ્વિક સ્તરે દેશની છબિને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ગંદા રાજકારણનો અખાડો બનાવ્યો
વડા પ્રધાન મોદીએ 82 કિલોમીટર લાંબા દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)ના બાકી હિસ્સાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પછી વડા પ્રધાન મોદીએ જાહેર જનતાને સંબોધતા કહ્યું કે હવે યોજનાઓ લટકતી ભટકતી નથી. એની સાથે સાથે એઆઈ સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટની પણ ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે વૈશ્વિક આયોજનને કોંગ્રેસ પોતાના ગંદા રાજકારણનો અખાડો બનાવ્યો.
એઆઈ સમિટ ભાજપનો કાર્યક્રમ નહોતો
પીએમ મોદીએ કહ્યું કે એઆઈ ગ્લોબલ સમિટ એ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નો કાર્યક્રમ નહોતો, જે દેશનો કાર્યક્રમ હતો. દેશના સન્માનનો કાર્યક્રમ હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તમામ હદો પાર કરી નાખી. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસના આ વર્તાવથી થૂથૂ થઈ રહી છે. કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટની ટીકા કરતા કહ્યું કે એક બાજુ દેશવાસીઓ ભારતને વિકસિત બનાવવા માટે રાતદિવસ મહેનત કરે છે, પરંતુ અમુક પક્ષોને એ સફળતા પચાવી શકતા નથી. દેશની સૌથી જૂની પાર્ટી કેટલી દરિદ્ર બની ગઈ છે. કોંગ્રેસ તો પોતાના જ દેશને બદનામ કરવાની કોશિશ કરી રહી છે.
વિદેશી મહેમાનો સામે શા માટે કપડા ઉતાર્યા?
એઆઈ સમિટ મુદ્દે કહ્યું કે સમિટમાં દુનિયાભરના 80થી વધુ દેશના પ્રતિનિધિ દિલ્હી આવ્યા હતા. દુનિયાના વિકાસશીલ દેશમાં પણ આવો કાર્યક્રમ યોજાયો નથી, પરંતુ કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમે ભારતના વૈશ્વિક આયોજનને પોતાના નગ્ન અને ગંદા રાજકારણનો અખાડો બનાવ્યો. સમારંભના સ્થળે વિદેશી મહેમાનોનીની સામે કોંગ્રેસના નેતાઓએ કપડા ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસને પૂછું છું કે દેશ જાણવા ઈચ્છે છે કે તમે પહેલાથી નગ્ન છો તો પછી કપડા ઉતારવાની જરુરિયાત શા માટે પડી.
કોંગ્રેસના વર્તનની તમામ પક્ષોએ કરી આકરી ટીકા
મહિલા સાંસદોને મોકલીને સીટ પર કબજો મેળવીને તમે વડા પ્રધાન બની શકતા નથી. પણ તમે એટલા નબળા બની ગયો છો કો માતાબહેનોને એના માટે આગળ કરી રહ્યા છો. હવે કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઈ છે. એક વાતનો સંતોષ છે કે દિલ્હીમાં જે ઘટના ઘટી તેના અંગે કોંગ્રેસની તમામ પક્ષોએ આકરી ટીકા કરવાની હિંમત બતાવી છે એના માટે હું જાહેર મંચ પરથી સૌનો આભાર માનું છું.